મેટિની

ક્લેપ એન્ડ કટ..!:

સિદ્ધાર્થ છાયા

ભગવાનનાં રોલનું અક્ષયપાત્ર’ ઓહ માય ગોડ’ ફિલ્મનો જ્યારે પહેલો ભાગ આવ્યો ત્યારે અક્ષય કુમારને કૃષ્ણ તરીકે લગભગ બધાંએ સ્વીકારી લીધો હતો. કાનજીભાઈની નાસ્તિકતાને કૃષ્ણ ભગવાન આધુનિક રૂપ લઈને કેવી રીતે આસ્તિકતામાં ફેરવે છે એ વાત ગમી ગઈ હતી.

ત્યારબાદ સેક્સ જેવાં થોડાં ટચી’ સબજેક્ટને લઈનેઓહ માય ગોડ’નો બીજો ભાગ આવ્યો તેમાં પણ અક્ષયે ભગવાન શંકરનાં ગણનું રૂપ લીધું હતું. કિન્તુ, પરંતુ, બટ…ખરેખર તો એમાં અક્ષય શંકર ભગવાન જ બન્યો હતો. ફિલ્મ જોતાં પણ એ સ્પષ્ટ લાગી રહ્યું હતું કે આ શંકર ભગવાન જ છે. કદાચ, પેલાં ટચી’ સબજેક્ટને કારણે કોઈ મોટો વિવાદ ન થાય એટલે અક્ષયનાં પાત્રનેડિમોશન’ આપી દેવામાં આવ્યું હશે.

જોકે વાત અહીં અટકતી નથી. `ઓએમજી’નાં બીજાં ભાગનાં ડાયરેક્ટર અમિત રાય હવે આ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ લઈને આવવાના છે. આ ભાગમાં હવે જે ભક્ત હશે એ કોઈ પુરુષ નહીં, પરંતુ સ્ત્રી હશે. પરંતુ ભગવાન તરીકે તો અક્ષય કુમાર જ હશે.

એ સ્ત્રી ભક્તનું પાત્ર ભજવવા માટે રાણી મુખરજી લગભગ નક્કી થઇ ગઈ છે. અક્ષય કુમાર કૃષ્ણ અને શંકર પછી કયા ભગવાનની ભૂમિકા ભજવશે એ હજી નક્કી નથી.

હાલમાં તો અમિતભાઈ એમની પંકજ ત્રિપાઠી સ્ટારર’ ફિલ્મના શૂટિગમાં વ્યસ્ત છે, પરંતુ જેવું આ શૂટિગ પતશે કેઓએમજી-3’નું શૂટિગ હાથમાં લેશે. એવું લાગે છે કે ખિલાડીકુમાર પાસે ભગવાનની ભૂમિકાનું અક્ષયપાત્ર છે. એક પછી એક ભગવાનના રોલ મળતાં જ જાય છે!

પુનર્જન્મનાં પુણ્ય
લાઈફ ગમે ત્યારે સરપ્રાઈઝ આપી શકે છે. હા, આ સરપ્રાઈઝ સારું કે ખરાબ, એ પણ લાઈફ જ નક્કી કરે છે. ટૂંકમાં આખું જીવન કોઈનું ક્યારેય ફ્લોપ નથી રહ્યું. આટલી મોટી પૂર્વભૂમિકા બાંધ્યા પછી તેની માટે બે જ ઉદાહરણ આપવાં છે. બોબી દેઓલ અને અક્ષય ખન્ના.

હજી કોવિડ પહેલાં સુધી આ બંને ઉત્તમ કલાકારો છે અને એમને આપણી ફિલ્મોમાં લેવાં જોઈએ એવો વિચાર કોઈને નહોતો આવ્યો, પરંતુ બે વર્ષ અગાઉ બોબી દેઓલે એનિમલ'માં અને ગયાં મહિને અક્ષય ખન્નાએધુરંધર’માં એવી મજબૂત ભૂમિકાઓ ભજવી કે બોલિવૂડ દંગ રહી ગયું. અચાનક આ બંનેના શેર્સ સર્કિટ તોડીને આકાશ આંબી ગયાં.

બોલિવૂડ તો સફાળું જાગ્યું કે, અલ્યા, અત્યારસુધી આ લોકો ક્યાં હતાં? ચોમેર આ બંનેની જ ચર્ચા ચાલી રહી છે. ટૂંકમાં આ બંને કલાકારોમાં ટેલેન્ટની કમી હતી જ નહીં. બસ, એમની `આભાને’ અનુરૂપ રોલ્સ એમને નહોતાં મળી રહ્યાં, પણ હવે પ્રોડ્યુસર્સ આ બંનેને શોધી-શોધીને ભૂમિકાઓ આપી રહ્યાં છે.

રતન જૈને તો એ પણ શોધી નાખ્યું કે આ બંનેએ તેમની એક ફિલ્મ હમરાઝ’માં કામ કર્યું હતું. તો ચાલો, અત્યારે એમની ચડતી માર્કેટનો લાભ લઇ નાખીએ. 2002માં આવેલી આ ફિલ્મમાં અક્ષયે નેગેટિવ રોલ ભજવ્યો હતો અને બોબીનો વટ્ટ તો જોવા જેવો હતો હોં. તો રતનભાઈએ એમ કહી દીધું છે કે આ બંનેને માફક આવે એવી કોઈ સ્ક્રિપ્ટ હશે તો એહમરાઝ’ ફિલ્મની સિકવલ બનાવવા તૈયાર છે… તો રાઈટરભાઈઓ, જો તમારી પાસે આવી કોઈ મજબૂત સ્ક્રિપ્ટ હોય તો રતન જૈનનો તુરંત સંપર્ક કરવા વિનંતી…

ડૂબતાં ભાઈજાન’ કોનું તરણું ઝાલશે? ભારતીય દર્શક જ્યારથી હોંશિયાર થઇ ગયો છે ત્યારથી અમુક ફોર્મ્યુલા ફિલ્મો એને ખપતી નથી-પચતી નથી. 1990નાં દાયકામાં બનેલી ફિલ્મો અને એ ફિલ્મોથી હિટ થયેલાં કલાકારો જ્યારે એ જ ફોર્મ્યુલાને ખેંચે ત્યારે આજનો દર્શક એને નકારી દે છે. ભાઈજાન સલમાન ખાનની છેલ્લી ફિલ્મસિકંદર’નાં હાલ (હવાલ) આપણને ખબર જ છે. એ ફિલ્મ એટલી તો ખરાબ રીતે પીટાઈ ગઈ કે એની આસપાસ રિલીઝ થયેલી પ્રાદેશિક ફિલ્મોએ એનાં કરતાં સારો દેખાવ કર્યો હતો.

એક ગુજરાતી ફિલ્મને તો સિકંદર’ની જગ્યાએ વધારાનાં શોઝ પણ મળ્યાં હતા!. હાલમાં સલમાનનીગલવાન’નું ટીઝર આવ્યું. એ ટીઝરની પણ જબરદસ્ત મશ્કરી થઇ છે. ફિલ્મ તો જેવી હશે એવી ખબર પડી જશે. ટૂંકમાં સલમાન ખાનનાં ગ્રહો આજકાલ ઠીક તો નથી. એવામાં ટકી રહેવા માટે કોઈક તો વિકલ્પ જોઈએ ને? તો સલમાન ખાને વેબસિરીઝનાં હિટ ડાયરેક્ટર્સ રાજ એન્ડ ડીકે પર નજર ઠેરવી છે.

ધ ફેમિલી મેન’ ની ત્રણ સિઝન અનેફર્ઝી’ જેવી હિટ સિરીઝ આપી ચુકેલી આ ડાયરેક્ટર જોડી સાથે એક કોમેડી થ્રિલર બનાવવાની વાત ચાલી રહી છે. જોકે આ વાત હજી તો પ્રાથમિક તબક્કામાં જ છે, પરંતુ સલમાન અને રાજ એન્ડ ડીકે બંને સાથે મળીને ફિલ્મ બનાવવાનું મન બનાવી ચૂક્યાં છે એ નક્કી…આ જોનરમાં આમ પણ રાજ એન્ડ ડીકેની હથોટી છે એટલે સલમાન માટે કદાચ એટલી તો રાહત રહેશે કે ‘સિકંદર’ જેટલી આગામી ફિલ્મ એટલી ખરાબ તો નહીં બને એની ભાઈજાનને ખાતરી છે!

કટ એન્ડ ઓકે..
રોજનાંસુખી’ હોવાનાં નાટકો કરતાં અમે શાંતિનો વિકલ્પ પસંદ કર્યો છે…’
-પતિ-પત્ની તરીકે છૂટાં પડવાનો નિર્ણય જાહેર કરતાં જય ભાનુશાળી અને માહી વીજ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button