મેટિની

ક્લેપ એન્ડ કટ..! :

સિદ્ધાર્થ છાયા

‘બોર્ડર’નાં અંધારા અજવાળા…

સન્ની દેઓલની ‘બોર્ડર 2’ અત્યારે બોક્સ ઓફિસને શાંતિથી ઊંઘવા નથી દઈ રહી. એક રીતે જુઓ તો આ ફિલ્મની ટ્રીટમેન્ટ એનો હીરો છે… બાકી તેનાં પ્રથમ ભાગ કરતાં દર્શકોને આ ફિલ્મ ઓછી ગમી છે તે હકીકત છે. આ ફિલ્મમાં જેની મુખ્ય વાત કરવામાં આવી છે તે બેટલફિલ્ડનાં દૃશ્યોએ ઘણાં દર્શકોને નિરાશ કર્યા છે. આમ પણ ફિલ્મનાં VFX અત્યંત નબળાં છે. એવામાં આ દૃશ્યોએ તેની ક્વોલિટીને બેવડો માર માર્યો છે.

યુદ્ધનાં દૃશ્યોમાં જાણે કે અંધકાર છવાઈ ગયો હોય એવું લાગે છે, પરંતુ જે યુદ્ધની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે તે તો દિવસનું યુદ્ધ હતું! તો પછી લોચો વાગ્યો ક્યાં? હવે આ લોચો ક્યાં વાગ્યો છે એની તો કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. પાંચ દિવસની ટીકા બાદ ફિલ્મનાં નિર્દેશક અનુરાગ સિંઘ મેદાનમાં આવ્યા છે. તેમણે હૈયાધારણ આપી છે કે યુદ્ધનાં એ અંધારિયા દૃશ્યોમાં બહુ જલ્દીથી અજવાળાં પાથરી દેવામાં આવશે. આ ફેરફાર બહુ જલ્દીથી અમલમાં આવવાનો છે…

‘બોર્ડર 2’ ફક્ત પાંચમા દિવસે રૂપિયા 200 કરોડની ગ્રોસ કમાણી ક્રોસ કરી ચૂકી છે. આ આંકડાથી ફિલ્મનાં નિર્માતાઓમાંથી એક એવા ભૂષણ કુમાર અત્યંત સંતુષ્ટ છે. ફક્ત સંતુષ્ટ જ નહીં, પરંતુ જેપી દત્તાની પુત્રી નિધિ સાથે તેમણે આ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ પણ બનશે એવો નિર્ણય પણ લઇ લીધો છે. આશા છે ત્રીજા ભાગમાં અંધારા-અજવાળાં જેવી સમસ્યા નહીં આવે.

આનંદમાં છે આનંદભાઈ…!

ઈરોસે દિગ્દર્શક આનંદ એલ. રાય પર 84 કરોડનો કેસ કર્યો છે. રાયે તેમની ડિસેમ્બરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘તેરે ઈશ્ક મેં’ ને ‘રાંઝણાની આધ્યાત્મિક સિક્વલ’ તરીકે પ્રમોટ કરી હતી. બસ! ઈરોસને આનો જ વાંધો પડ્યો. ઈરોસે ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કાયદા હેઠળ રાય પર કેસ ઠોકી દીધો છે. આમ છતાં સામે પક્ષે આનંદ એલ. રાય ‘કૂલ’ છે એટલે કે આનંદમાં છે.

એક ન્યૂઝ ચેનલ સાથે આ વિશે વાત કરતા રાયે કહ્યું હતું કે, ‘હું વર્ષોથી ફિલ્મોનાં બિઝનેસમાં છું એટલે મને ખબર છે કે આવું તો ચાલે રાખે.’ રાયે આગળ કહ્યું હતું કે, ‘મામલો કાયદાકીય છે એટલે એને એ રીતે જ હેન્ડલ કરવામાં આવશે. મેં એક વકીલ રોક્યો છે એટલે એ આ બધું સાંભળી લેશે. બાકી જ્યારે અદાલતમાં કેસ ચાલતો હોય તો તે અંગે જાહેરમાં કશું કહેવું યોગ્ય નથી.’

જે મામલે ઈરોસે આનંદ એલ. રાયને કોર્ટમાં ઘસડ્યા છે એને લઈને પણ તેમને કોઈ જ ચિંતા નથી. રાયનું કહેવું છે કે, આવું તો સામાન્ય રીતે (ફિલ્મની ટેગ લાઈન) બધાં ગમે ત્યારે બોલતાં હોય છે. એમાં કાંઈ કેસ ન કરવાનો હોય! લાગે છે કે આનંદ એલ. રાય સમાધાનનાં મૂડમાં નથી.એ લડી લેવા માગે છે. હવે જોવાનું કે કોર્ટ શું કહે છે, કારણ કે કોર્ટનો નિર્ણય બોલિવૂડ માટે દુરોગામી અસરો કરશે એ નક્કી…

નાનાં પડદાનાં ‘રામ-સીતા’ની મીઠી તકરાર

ભારતીય ટેલીવિઝન ઇતિહાસની સહુથી લોકપ્રિય સિરિયલ ‘રામાયણ’નાં રામ-સીતા વચ્ચે એક મીઠી તકરાર થઇ છે. અરુણ ગોવિલ જે એ સિરિયલમાં રામ તરીકે પ્રખ્યાત થયા હતા. એ નીતેશ તિવારીની ‘રામાયણ’માં દશરથની ભૂમિકા ભજવવાનાં છે.

આ વિશે સિરિયલમાં સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચિખલીયાને પૂછવામાં આવ્યું હતું. તો દીપિકાએ માત્ર એટલું જ કહ્યું: ‘અરુણ ગોવિલને રામ સિવાય અન્ય ભૂમિકા ભજવતા જોવા એ થોડી મુશ્કેલી ભર્યું કામ હશે.’

હવે પત્રકારોને તો આ જ જોઈતું હતું. એમણે તરત અરુણ ગોવિલને પૂછ્યું કે ‘આપ કા ઇસકે બારે મેં ક્યા કહેના હૈ?’ તો અરુણભાઈએ એમનું ચિતપરિચિત સ્મિત વેરતાં કહ્યું કે, ‘દરેકને પોતાનો મત આપવાનો અધિકાર છે!’ પત્રકારભાઈઓને તો કશુંક મસાલેદાર જોઈતું હતું, પરંતુ એ બધા અરુણ ગોવિલ પાસેથી કશું ચટાકેદાર બોલાવવામાં નિષ્ફળ રહ્યા.

હા, અરુણભાઈને રામ બનેલા રણબીર કપૂર વિશે પૂછ્યું તો તે કહે કે ‘રણબીર એક ‘અચ્છો’ કલાકાર છે. આપણે બધાં જાણીએ છીએ કે તે ‘અચ્છો’ કલાકાર છે. મને તો તે એક વ્યક્તિ તરીકે પણ બહુ સારો લાગ્યો છે. ઓલ ધ બેસ્ટ ટુ હીમ …’
આ રીતે ટીવીનાં રામ-સીતા વચ્ચે મંથરાની ભૂમિકા ભજવવા જતાં પત્રકારોને શૂર્પણખાની જેમ નિરાશા જ હાથમાં આવી!

કટ એન્ડ ઓકે..

એક સમયે હું મારી જાતને સુનીલ શેટ્ટી કરતાં પણ વધુ સારો એક્ટર સમજતો હતો, પરંતુ આજે મને એ યાદ કરતાં પણ શરમ આવે છે.
‘અર્ચનાપતિ’ પરમીત સેઠી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button