ક્લેપ એન્ડ કટ..!: ‘કિંગ ખાન’નાં ઈંડાં કંઈ ચીતરવા પડે?

સિદ્ધાર્થ છાયા
આર્યન ખાનના ડાયરેકશનમાં બનેલી વેબસિરીઝ ‘બેડ્સ ઓફ બોલિવૂડ’ અત્યારે દેશનાં દરેક ‘ટાઉનની ટોક’ બની ગઈ છે. Gen Z જે આજકાલ અન્ય કારણોસર ખૂબ ચર્ચામાં છે, તે ગરમાગરમ ભજિયાંની માફક આ સિરીઝને વધાવી રહી છે. આજકાલ પબ્લિક પલ્સ માપવી હોય તો એક હાથવગું સાધન છે અને આ સાધન છે મીમ્સ અને રિલ્સ. ‘બેડ્સ ઓફ બોલિવૂડ’ને રિલીઝ થયે હજી માંડ અઠવાડિયું થયું છે પણ ત્યાં તો એના મીમ્સ અને રિલ્સનો ઢગલો થવા લાગ્યો છે.
ખાસ કરીને અરશદ વારસીના પાત્રની ઓળખ કરાવતું સોંગ ‘ગફૂર’ તો અસંખ્ય રિલ્સનું બેકગ્રાઉન્ડ ગીત બની ગયું છે, પરંતુ આ બધી હાઈપ અને ઉત્સાહમાં એક વાત ભુલાઈ જાય છે. આ વાત છે આર્યન ખાનનું ડિરેક્શન.
સામાન્ય રીતે બોલિવૂડમાં સુપરસ્ટારનો દીકરો એક્ટર જ બને પણ આર્યને સાવ અલગ જ રસ્તો અપનાવ્યો છે. આ વેબસિરીઝને એણે ફક્ત ડિરેક્ટ જ નથી કરી, પણ એની સ્ક્રિપ્ટ અને એના ડાયલોગ્સ પણ લખ્યા છે. સિરીઝ જોયાં પછી એ હકીકત તો સમજાઈ જાય છે કે શાહરુખ ખાનનો DNA આર્યનમાં બરાબર ઉતર્યો છે. એણે બોલિવૂડનું શરમાયા કે અચકાયા વગર વસ્ત્રાહરણ તો કર્યું જ છે, પરંતુ એણે પબ્લિકની નાડને બરાબર પારખી લીધી છે.
ભવિષ્યમાં આર્યન ખાન કદાચ ફિલ્મ ડાયરેક્શન પર હાથ અજમાવે એ શક્ય છે, પણ જે રીતે એની કલ્પનાશક્તિનો ચમકારો આ વેબસિરીઝમાં દેખાયો છે એ એક્ટિંગને પણ આટલી જ સિરિયસલી લેશે તો નવાઈ નહીં લાગે.
‘સૈયારા’ની સફળતાનાં ફળ ચાખવાનાં શરૂ…
કારણ ગમે તે આપો પણ ‘સૈયારા’ આ વર્ષની સહુથી સફળ ફિલ્મોમાં ટોચ ઉપર છે એ તો સ્વીકારવું રહ્યું. જ્યારે કોઈ ન્યૂ કમર એની પહેલી જ ફિલ્મમાં સફળ જાય તો એની સામે ઓફર્સનો ઢગલો થઇ જતો હોય છે. આમાંથી ઘણી ઓફર્સ તો મોટાં મોટાં સ્ટુડિયોઝ પાસેથી આવતી હોય છે. અનીત પડ્ડા અત્યારે કાંઈક આવો જ અનુભવ કરી રહી છે.
દિનેશ વિજન જે ‘સ્ત્રી યુનિવર્સ’ બનાવી રહ્યાં છે એમણે પોતાની આગામી ફિલ્મમાં કિયારા અડવાણીની જગ્યાએ અનીતને લીધી છે. વિજનના આ ખાસ યુનિવર્સ પ્રત્યેના ‘વિઝન’ થી ફિલ્મચાહકો અચંબિત છે તો એ સાથે એમની ફિલ્મમાં સામેલ થવા કલાકારો પણ ઉત્સાહિત હોય એ સ્વાભાવિક છે.
વિજનની આ યુનિવર્સની ફિલ્મ ‘શક્તિ શાલીની’ માટે કિયારા ફાઈનલ થઇ હતી, પરંતુ કિયારા પાસે આવતાં વર્ષનાં મધ્ય સુધીની કોઈ જ ડેટ્સ ન હતી. જ્યારે વિજનને આ ફિલ્મ આ વર્ષના અંતમાં જ શરૂ કરી દેવી છે તો, ‘આઉટ ગોઝ કિયારા એન્ડ ઇન કમ્સ અનીત પડ્ડા!’
જોકે દિનેશ વિજન અને કિયારાએ એકબીજાની મજબૂરી સમજીને ખુશીથી છૂટાં પડવાનો સહિયારો નિર્ણય લીધો છે એ અહીં ખાસ નોંધવું પડે, પરંતુ અનીતની તો અત્યારે લોટરી લાગી જ ગઈ છે. પહેલી ફિલ્મ સુપર ડુપર હીટ અને બીજી ફિલ્મ દેશના સહુથી લોકપ્રિય યુનિવર્સની! આટલું ઓછું હોય એમ અનીતને ભારતની મોંઘી ડિઝાઈનર રિસ્ટ વોચ બનાવતી સહુથી મોટી બ્રાન્ડે પણ સાઈન કરી લીધી છે…
આમ ‘વાલિયા’ઓએ ‘વાલ્મીકિ’નો દુરુપયોગ કર્યો!
AI એક એવું હથિયાર બની ગયું છે જેનો સદુપયોગ મહાન કળા ઉત્પન્ન કરી શકે છે તેમ દુરુપયોગ વિનાશ સર્જી શકે છે.
બાય ધ વે, હજી તો આ શરૂઆત છે. આ અઠવાડિયે ખિલાડી કુમાર એનો શિકાર બન્યો છે. સોશ્યલ મીડિયા પર અક્ષય કુમાર ‘એક ફિલ્મમાં મહર્ષિ વાલ્મીકિનો રોલ કરે છે’ એવી ક્લિપ ફરતી થઇ ગઈ. પત્યું! મીડિયાએ પણ આ રીલને સાચી માનીને એને પોતાની ‘ન્યૂઝ આઈટમ’ બનાવી દીધી.
વાતનું વતેસર થઈને અક્ષય સુધી પહોંચી. અક્ષયે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી કે ‘ભાઈઓ અને બહેનો, આ AIથી બનેલી ફેક ક્લિપ છે અને હું મહર્ષિ વાલ્મીકિનો રોલ નથી કરી રહ્યો!’ અક્ષયે મીડિયાને પણ જવાબદાર બનવાની સલાહ આપીને ઉમેર્યું કે મીડિયાએ પણ ડબલ ચેક કરીને વાત આગળ વધારવી જોઈએ.
આ તો એવું થયુંને કે,‘વાલિયાએ વાલ્મીકિ લુંટીયો, વહી AI વહી સોશ્યલ મીડિયા’!
કટ એન્ડ ઓકે…
‘એણે મને તો અંદરથી તોડી જ નાખ્યો, પરંતુ મારા પરિવારને પણ ખૂબ દુ:ખ પહોંચાડ્યું હતું.’
પોતે સામનો કરેલી પરિસ્થિતિ અંગે ફિલ્મ ‘આદિપુરુષ’ના ડિરેકટર ઓમ રાઉતનો નિસાસો.
આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..!: આમિરની જીદ… હિરાણીને આઘાત!