ક્લેપ એન્ડ કટ..!: આમિરની જીદ… હિરાણીને આઘાત!
મેટિની

ક્લેપ એન્ડ કટ..!: આમિરની જીદ… હિરાણીને આઘાત!

સિદ્ધાર્થ છાયા

રાજકુમાર હિરાણી અને આમિર ખાન બે વખત એકબીજાં સાથે કામ કરી ચૂક્યાં છે. ‘થ્રી ઈડિયટ્સ’ અને ‘પીકે’ આ બંનેની જબરદસ્ત હીટ નીવડેલી ફિલ્મો છે. થોડા મહિના પહેલાં એવી વાત ફેલાઈ હતી કે આમિર અને હિરાણી હિન્દી ફિલ્મ ઉદ્યોગના પિતામહ એવા દાદા સાહેબ ફાળકેની બાયોપિક સાથે મળીને બનાવશે… ક્ધિતુ-બટ- પરંતુ, … આ ફિલ્મ શરૂ થાય એ પહેલાં જ એક વિશાળકાય વરસાદી ખાડામાં પડી ગઈ છે.

અનામી સૂત્રનું માનીએ તો બન્યું એવું કે આ બાયોપિકની સ્ક્રિપ્ટ લઈને હિરાણી અને અભિજાત જોષી આમિર પાસે ગયાં. સ્ક્રિપ્ટ સાંભળીને આમિરે ઊહું… એમ કહીને ડોકું ધુણાવ્યું. તો લેખક જોડીએ કારણ પૂછ્યુ તો આમિર ખાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, ‘આ સ્ક્રિપ્ટમાં રાજકુમાર હિરાણી ટચ નથી…’ એટલે કે વાર્તા વધુ પડતી ગંભીર છે.

આમેય હિરાણીની દરેક ફિલ્મમાં સ્વચ્છ કોમેડીનું પ્રમાણ સારું એવું હોય છે એટલે આમિરે માગણી કરી કે તમે બંને ફરીથી સ્ક્રિપ્ટ લખીને આવો પછી હું કશું વિચારું… આમિરની આ માગણી સાંભળીને રાજકુમાર અને અભિજાત બંનેને આઘાત લાગ્યો છે : ‘મારું બેટું, ભારતીય સિનેમાના જનકની સત્યકથામાં કોમેડી કેમની ઘુસાડવી?!’

હવે તકલીફ એ થઇ છે કે આવતે મહિનેથી આ ફિલ્મ ફ્લોર ઉપર જવાની હતી, પણ હવે આમિરની માગણી પછી એ શક્ય નથી. બીજો કોઈ રસ્તો પણ લેખક બેલડીને દેખાઈ રહ્યો નથી. જોઈએ, અત્યારે તો દાદાસાહેબનું ‘ફિલ્મી ભાવિ’ અધ્ધર તોળાય છે.

‘દીદી’ સામે ‘દાદાગીરી’ એમ?!

ટાઈગરની ‘બાગી ફોર’ બોક્સ ઓફિસ પર ગર્જના કરી રહી છે કે નહીં એ વાત તો હાલ પૂરતી બાજુમાં મુકાઈ ગઈ છે. વાત એમ બની કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થવાની હતી ત્યારે એક એવી ‘અફવા’ ફેલાઈ હતી કે ફિલ્મના પ્રોડ્યુસર્સ ‘નડિયાદવાલા ગ્રાન્ડ સન્સ’ એવું નક્કી કરીને બેઠાં છે કે, જો આ ફિલ્મનો કોઈએ નેગેટિવ રિવ્યૂ આપ્યો તો…તો, એ યુટ્યુબના રિવ્યૂકારો પર સ્ટ્રાઈક આપીને એમની ચેનલો બંધ કરાવી દેશે.!

દીક્ષા શર્મા જે ફિલ્મી ઇન્ડિયન ચેનલ પર પોતાનાં રિવ્યૂ આપે છે એણે એ ફિલ્મનો નેગેટિવ રિવ્યૂ આપવાની હિંમત કરી દીધી. એમણે આમ ભૂલ એ કરી કે પોતાનાં રિવ્યૂમાં ‘બાગી ફોરનું’ પોસ્ટર પણ મૂક્યું. પોલીસી પ્રમાણે આ કોપીરાઇટનો ભંગ કહેવાય અને ‘નડિયાદવાલાના ગ્રાન્ડ સન્સ’ને તો આ જ જોઈતું હતું .

એમણે ‘દીદી’ તરીકે પ્રખ્યાત એવી દીક્ષાની આ ચેનલ પર આ વીડિયો જ નહીં, પરંતુ પોતાની જૂનીપુરાણી ફિલ્મોના રિવ્યૂ શોધીશોધીને એક સાથે ત્રણ સ્ટ્રાઈક આપી દીધી. દીક્ષાબહેનની ચેનલ બંધ થઇ ગઈ. જો કે જવાબ આપવા એમની પાસે સાત દિવસ હતાં. એટલે એમણે જવાબ તો આપ્યો સાથે એક વીડિયો બનાવીને પોતાની તકલીફ દુનિયા સામે રજૂ કરી.

મોટાં મોટાં રિવ્યૂકારો જે દીક્ષાના વિરોધી હતાં એમણે પણ આ મામલે દીદીનો પક્ષ લીધો તો સામે નડિયાદવાલા ગાંજ્યા જાય એમ ન હતાં. એમણે બે દિવસ પછી નિવેદન જાહેર કર્યું કે સોશ્યલ મીડિયાવાળા અમને ધમકી આપીને પૈસા માગે છે…એટલા માટે કે જો અમે પૈસા નહીં આપીએ તો એ લોકો અમારી ફિલ્મના નેગેટિવ રિવ્યૂ કરશે.

આમ દીદી સામેની દાદાગીરી ખુલ્લી પડી જતાં નડિયાદવાલા જેવું મોટું બેનર હવે વિકટીમ કાર્ડ રમવા માંડ્યું છે. આ જે શિરસ્તો શરૂ થયો છે એ આગળ જતાં રિવ્યૂકારોને યુટ્યુબ પરથી દૂર કરી દે તો નવાઈ નહીં!

એક બાપ બેટા માટે આટલું કરે જ ને?

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની અહીં લખી ન શકાય એવાં નામ સાથેની વેબ સિરીઝની પહેલી સિઝન ગઈકાલે આવી ગઈ છે. હવે પોતાનો દીકરો બોલિવૂડમાં પહેલું ડગલું માંડતો હોય ત્યારે એક ‘સ્ટાર પિતા’ બધું સરખી રીતે પાર પડે એ માટે થોડુંઘણું તો કરે ને?

ગઈ કાલે શાહરુખે આ અવસરની ઉજવણી કરવા એક પાર્ટી આપી, જેમાં બચ્ચન પરિવાર, સંજય લીલા ભણસાલી, કરણ જોહર, ધર્મેન્દ્ર-હેમા, રણવીર-દીપિકા, ઈત્યાદિ-ઈત્યાદિ ઘણીબધી સેલિબ્રિટીઝને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

કહે છે કે શાહરુખે આમંત્રણ આપતી વખતે દરેકને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘મારા દીકરાને આશીર્વાદ આપવા જરૂર પધારજો.’ આટલું જ નહીં, શાહરુખે આ બધાં મોટાં માથાં સાથે પાર્ટી દરમ્યાન કેવું વર્તન કરવું એની ટ્રેનિંગ પણ પોતાના પનોતા પુત્રને આપી હતી!

કટ એન્ડ ઓકે…
‘હું કાંઈ એટલી સસ્તી નથી!’…
‘બિગ બોસ’માં સામેલ થવા માટે દોઢ કરોડની ‘કહેવાતી ઓફરનો’ અસ્વીકાર કર્યા પછી તનુશ્રી દત્તાનું નિવેદન.

આ પણ વાંચો…ફિલ્મનામાઃ એક ફિલ્મની હેરાનગતિએ સુભાષ ઘઈને પ્રોડ્યુસર બનાવ્યા!સુભાષ ઘઈના ‘મુકતા આર્ટસ’ બેનરના જન્મ પાછળની કહાણી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button