ક્લેપ એન્ડ કટ..!

- સિદ્ધાર્થ છાયા
એ ‘ભાઈ’ નથી ‘ગુંડો’ છે!
અનુરાગ કશ્યપના ભાઈ કરતાં ‘દબંગના’ ડિરેક્ટર તરીકે વધુ ઓળખાતા અભિનવ કશ્યપે બોંબ ફોડ્યો છે. અભિનવે સલમાન ખાનને ‘ગુંડો’ કહ્યો છે અને સલમાનને બદલો લેનાર વ્યક્તિ અને કુસંસ્કારી તરીકે પણ ઓળખાવ્યો છે.
‘દબંગ’ દરમિયાન પોતાના અનુભવો વર્ણવતા અભિનવે કહ્યું છે કે સલમાન બધાં ઉપર ઉપકાર કરતો હોય એવો એટિટ્યુડ દેખાડતો હોય છે. એને એક્ટિંગ કરવામાં કોઈ જ રસ નથી…અભિનવે તો સલમાન ખાનના પરિવાર ઉપર પણ ગંભીર આરોપ મૂક્યા છે.
એના કહેવા અનુસાર આ પરિવાર પોતાની જીહજૂરી કરનારને પોતાની નજીક રાખે છે. જો તમે એમના હુકમની વિરુદ્ધ જઈને ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો તો પત્યું! આ પરિવાર આદું ખાઈને તમારી પાછળ પડી જાય છે, ત્યાં સુધી જ્યાં સુધી કે તમારો સત્યાનાશ ન વળી જાય…!
આ અગાઉ પણ અભિનવે ‘ભાઈજાન’ સલમાન પર આરોપો મૂક્યાં હતાં. બે વર્ષ અગાઉ એક પોડકાસ્ટમાં એણે કહ્યું હતું કે ‘તેરે નામ’ ફિલ્મમાં જે પ્રકારનું સલમાનનું પાત્ર હતું એ અનુરૂપ એણે સલમાનને એની છાતીના વાળ વેક્સ ન કરાવવાનું જણાવ્યું હતું, પરંતુ સલમાનને આ સૂચનથી એટલું બધું ખોટું લાગી ગયું કે એણે અનુભવને ફિલ્મમાંથી જ કાઢી મૂક્યો…!
‘રાંઝણા’નો બદલો ‘તનુ અને મનુ’ સાથે?
આનંદ એલ રાય અને ‘ઈરોસ’ વચ્ચેનાં સંબંધમાં જબરદસ્ત ખટાશ આવી ગઈ છે. થોડાં સમય અગાઉ ઈરોસે ‘રાંઝણાની’ તમિલ આવૃત્તિનો અંત અઈં ની મદદથી બદલીને પોઝિટીવ કરીને ફરી રિલીઝ કરી હતી. ત્યારે આનંદ એલ રાયે જબરો વિરોધ નોંધાવ્યો. એટલું જ નહીં, રાયે તો ધનુષ સાથે વાત કરીને ‘ઈરોસ’ ને કોર્ટમાં ઘસડી જવાની ધમકી પણ આપી હતી.
એવું લાગે છે કે આનંદની ‘રાયને’ બદલે ધમકી આપવાને લીધે ‘ઈરોસ’ ને ચાટી ગઈ છે. થોડાં સમય અગાઉ આનંદભાઈએ ‘ઈરોસ’ને જાણ કર્યા વગર જ ‘તનુ વેડ્સ મનુ 3’ બનાવવાની શરૂ કરી દીધી છે આવાં સમાચારો વહેતાં થયાં હતાં. આ ફ્રેન્ચાઇઝીનાં પહેલાં-બીજાં ભાગનાં પ્રોડ્યુસર ‘ઈરોસ’ જ હતાં. હવે જો આનંદભાઈ ‘ઈરોસ’ને કાયદેસર કામ કરવાની ધમકી આપે તો ‘ઈરોસ’ પણ કેમ પાછળ રહી જાય?
આથી, ન્યૂઝ રિપોર્ટનો હવાલો આપીને ‘ઈરોસે’ આનંદ એલ રાયને કાનૂની નોટિસ ફટકારી દીધી છે કે ‘તનુ અને મનુ’ની ફ્રેન્ચાઇઝીનાં સર્વ હક્ક તેમને સ્વાધીન છે… ‘ઈરોસે’ પોતાની આ નોટિસમાં એવું પણ ઉમેર્યું છે કે એ લોકો ઓલરેડી ‘તનુ-મનુનો’ ત્રીજો ભાગ બનાવવાની પ્રોસેસ ચાલુ કરી ચૂક્યાં છે. આટલું જ નહીં, પણ અમે તો ઓડિશન્સ પણ કરી રહ્યાં છીએ માટે આ દિશામાં આગળ વધવાની ‘ગુસતાખી ’ કરતા જ નહીં!
‘સાડ્ડા હક્ક એથ્થે રખ!’
આમ તો આ ગીત કરિશ્મા કપૂરનાં સંતાનના મામાની ફિલ્મનું છે, પરંતુ અત્યારે આ બાળકોએ પોતાના ‘હક્ક’ માટે દિલ્હી કોર્ટનું શરણ લેવું પડ્યું છે. પૂર્વ પતિ સંજય કપૂરથી કરિશ્માને બે બાળક છે. થોડા સમય પહેલાં સંજય કપૂરનું ગોલ્ફ રમતાં આકસ્મિત મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ શરૂઆતમાં સંજયની બીજી પત્ની પ્રિયા કપૂરે જાહેર કર્યું હતું કે સંજયે કોઈ વિલ બનાવ્યું ન હતું. પ્રિયાએ એમ પણ કહ્યું હતું કે સંજયની તમામ સંપત્તિ આર.કે ફેમિલી ટ્રસ્ટની સંપત્તિ છે.
અચાનક પ્રિયાએ પોતાનું સ્ટેટમેન્ટ બદલ્યું અને સંજયનું ‘વિલ’ જાહેર કર્યું. હવે કરિશ્મા કપૂરે બંને સંતાન વતી પ્રિયા વિરુદ્ધ છેતરપિંડીનાં આરોપ સાથે કેસ કરી દીધો છે કે પ્રિયા કપૂરે જાહેર કરેલું આ વિલ નકલી છે.! આ મામલો આગળ જતા વધુ ગૂંચવાશે, કારણ કે વીલ કે નો વીલ, સંજય કપૂરની સંપત્તિનો આ કેસ કુલ 30 હજાર કરોડથી પણ વધુનાં મૂલ્યનો છે…!
કટ એન્ડ ઓકે…
‘બજેટનો પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો છે એટલે હવે અમે ‘ક્રિશ-4’ 2027માં રિલીઝ કરીશું.’ એવું જાહેર કર્યું છે સુપરસ્ટાર હ્રતિકના ડેડી રાકેશ રોશને…