મેટિનીસ્પેશિયલ ફિચર્સ

બોક્સ ઑફિસની હરીફાઈમાં આટલી બધી કડવાશ?

ક્લેપ એન્ડ કટ..! -સિદ્ધાર્થ છાયા

અભિષેક બચ્ચન – નિમ્રત કૌર

આજે બોલિવૂડ માટે બહુ મોટો દિવસ છે. આજે જ ‘સિંઘમ રિટર્ન્સ’ અને ‘ભૂલ ભુલૈયા ૩’ રિલીઝ થઇ રહી છે. ભૂતકાળમાં પણ આ રીતે એક સાથે ઘણી બધી ફિલ્મો રિલીઝ થઇ છે, પરંતુ આ વખતે જેટલું પ્રેશર  એકિઝબીટર્સ પર મૂકવામાં આવી રહ્યું છે એટલું દબાણ પહેલા કદાચ ભાગ્યે જ જોવા મળ્યું હતું, એમ આ ઉદ્યોગના જાણકારો કહે છે. 

જ્યારે બે મોટી ફિલ્મ રિલીઝ થતી હોય ત્યારે સહુથી પહેલાં સહુથી વધુ સ્ક્રિન કોણ લઇ જાય એની સ્પર્ધા શરૂ થાય. આ બંને ફિલ્મ વચ્ચેની આ હરીફાઈ હજી બે દિવસ પહેલાં બુધવાર રાત્રે જ પૂરી થઇ, જેમાં  ‘સિંઘમ…’ના પક્ષમાં ૬૦% સ્ક્રિન્સ આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ આ નિર્ણય આવે તે અગાઉ  ‘ભૂલ ભુલૈયા ૩’ના નિર્માતાઓ દ્વારા બે બીજી રમત રમાઈ ગઈ.

‘સિંઘમ રિટર્ન્સ’ને મળેલા વધારે સ્ક્રિન્સ વિરુદ્ધ  ‘ટી-સિરીઝ’ કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયામાં ગયું હતું. આટલું ઓછું હોય તેમ યુટ્યૂબ પરના ‘સિંઘમ’ના એક જૂના ગીત જેને સિંઘમ રિટર્ન્સમાં રિપીટ કરવામાં આવ્યું હતું તેના પર ‘ટી-સિરીઝે’ વાંધો લઈને પ્રતિબંધ મુકાવી દીધો, કારણ કે એના મ્યુઝિક રાઈટસ એની પાસે છે ! પરિણામે એ ગીત આ પ્લેટફોર્મ પર દેખાતું બંધ થઇ ગયું. એવું નથી કે ‘સિંઘમ રિટર્ન્સ’ના મેકર્સે કોઈ રમત નહીં રમી હોય, પણ જો આ જ બધું કરવાનું હતું તો એક સાથે બન્ને ફિલ્મ રિલીઝ કરવાની જીદ બન્ને નિર્માતાએ પકડીને બેસવાની શી જરૂર હતી?

——————

અજય દેવગણ વળી 

બીજી ગેમ  રમી ગયો?

‘સિંઘમ રિટર્ન્સ’નો બધો મદાર અજય દેવગણ પર છે, જ્યારે ‘ભૂલ ભુલૈયા૩’ ના ડિરેક્ટર અનીસ બઝમી છે. દિવાળી પર આ બંને ફિલ્મની ટક્કર થવાનું નક્કી થયું ત્યારે અનીસ બઝમીએ તો અજયને મળવાની પણ ચોખ્ખી ના પાડી દીધી હતી કે એ મારું કામ નહીં, પણ નિર્માતાઓનું કામ છે… પત્રકારોએ અનીસને આ પ્રશ્ર્ન કેમ પૂછ્યો એનો તાળો હવે છેક મળ્યો છે.

વાત એમ છે કે, હજી અજય દેવગણ અને અનીસ બઝમીની ફિલ્મો થિયેટર્સમાં ચાલતી હશે ત્યારે જ એ બંનેની એકસાથે કરેલી એક ફિલ્મ ૨૨ નવેમ્બરે ગુપચુપ રિલીઝ થઇ જવાની છે. અનીલ રૂંગટા નિર્મિત ફિલ્મ ‘નામ’ જેનું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું છે અને અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે એ પણ હવે   થિયેટર્સમાં આવવાની છે એ કેવું વિચિત્ર લાગે નહીં? 

આના પરથી ફેનભાઈ લોગોએ એટલું જ સમજવાનું છે કે ‘ધ હોલ થિંગ ઈઝ ધેટ કે ભૈયા સબસે બડા રૂપૈયા!’ … બોલિવૂડના બે દિગ્ગજ ઝઘડે ત્યારે પણ રૂપિયો મહત્ત્વનો હોય છે અને જ્યારે સાથે મળીને કોઈ ફિલ્મ રિલીઝ કરે અથવા કરાવે ત્યારે પણ તેની પાછળ તો પેલો તગડો રૂપિયો જ હોય છે! 

————– 

અભિષેક ને નિમ્રત… ખરેખર?

છેલ્લા દસ-પંદર દિવસથી અભિષેક બચ્ચન અને નિમ્રત કૌર ચર્ચામાં છે. ચર્ચા છે કે એ બંને વચ્ચે કશુંક ‘હોટ..હોટ’ રંધાઈ  રહ્યું છે. બીજી તરફ, ઘણા મહિનાથી ઐશ્ર્વર્યા રાય બચ્ચન પરિવારથી અલગ રહે છે એવા સમાચાર પણ છે એવામાં અભિષેક- નિમ્રતની નિકટતા બીજા કેટલાક પ્રશ્ર્ન ઊભા કરી રહી છે. આ અફવામાં જરાક જેટલો પણ દમ હોય તો તેનો અર્થ એ થઇ શકે છે કે બચ્ચન પરિવારમાં બધું સરખું નથી ચાલી રહ્યું.

એક સમયે જ્યારે એશ-અભિષેકના ફેરીટેલ ‘લગ્ન ટોક ઓફ ધ નેશન’ હતા, પણ  એ જ જોડી વિખૂટી પડવા જઈ રહી છે તે વાત કોઈને પણ હચમચાવી મૂકે તેવી છે. આ વિખૂટા પડવાનો નિર્ણય અભિષેક- નિમ્રતની વધતી જતી નિકટતાને લીધે લેવાયો હતો કે વિખૂટા પડવાનો નિર્ણય લેવાઈ ગયા પછી અભિષેક અને  નિમ્રત એકમેકની વધુ નિકટ આવ્યા ?! 

આ બધા વચ્ચે નિમ્રત કૌરે પોતે ‘પ્રાઈવસીનું સન્માન કરે છે ’એવી ગોળગોળ વાતો સોશિયલ મીડિયા પર કરી છે તો અભિષેક જાહેરમાં ચૂપ છે અને સુજીત સરકારના નિર્દેશનમાં પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં બીઝી છે. 

બાય ધ વે, અભિષેકની એ ફિલ્મનું નામ છે : 

 ‘આઈ વોન્ટ ટુ ટોક’ !

કટ એન્ડ ઓકે..

‘અમારી ફિલ્મમાં તો  બધાના મોટા રોલ છે.’ ….   – ‘ભૂલ ભુલૈયા ૩’નો હીરો કાર્તિક આર્યન ‘સિંઘમ રિટર્ન્સ’માં રજૂ થનારા અઢળક કેમિયો પર ટોન્ટ મારી રહ્યો છે…! 

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button