કવર સ્ટોરીઃ સિક્વલમાં આવી રહ્યો છે તેજીનો દોર…

હેમા શાસ્ત્રી
તુમ્હારા ઈંતઝાર હૈ…
ગુલઝારની રચના અને ગાયક-સંગીતકાર હેમંત કુમારની જુગલબંધીના ગીતની આ પંક્તિ પ્રેમની મધુરતાનો પડઘો છે. પ્રેમિકાના આગમનની મીઠી પ્રતીક્ષા છે. જોકે, ચિત્રપટ પ્રદર્શિત કરતા થિયેટર માલિકો આજકાલ આ જ પંક્તિ અલગ ભાવથી ગણગણી રહ્યા છે એમ કહેવું પડે એવો માહોલ છે.
વાત એમ છે કે તાજેતરના એક સર્વે અનુસાર થિયેટરમાં ફિલ્મ જોવા આવતા રસિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ થવા પાછળ સહેલું અને હાથવગું કારણ એવું અપાય છે કે ફિલ્મ જોવા માટેની ટિકિટના તોતિંગ દર પ્રેક્ષકોને આવતા રોકે છે.
બીજું એક કારણ એ પણ અપાય છે કે વિવિધ ઓટીટી પ્લેટફોર્મ્સ પર અનેક વિકલ્પો ઉપલબ્ધ હોવાથી થિયેટર શું કામ જવું એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. જોકે, દર્શકો થિયેટરથી રિસાઈ જવાનું આ એક માત્ર કારણ નથી.
સિનેમા પ્રદર્શિત કરતા એક્ઝિબિટર્સનું પ્રતિનિધિત્વ કરતા `મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા’એ એક વિગતવાર અહેવાલ તૈયાર કર્યો છે. એ અનુસાર 2019થી 2024 દરમિયાન દર્શકોની સંખ્યામાં થયેલો ઘટાડો ઉપલબ્ધ ફિલ્મોની ઊતરતી ગુણવત્તા જવાબદાર છે. ફિલ્મ ટેકનિકલી વધુ સંગીન અને બહેતર બની છે, પણ ખાટલે મોટી ખોડ એ છે કે સારી વાર્તાનો અભાવ છે.
પડદા પર જે જોવા મળે છે એનાથી દર્શક રાજી નથી. જોકે, અંગત અભિપ્રાય એવો છે કે દર્શકોની ચિ બદલાઈ છે. તેમને ઈન્ટેન્સ (આવેશપૂર્ણ) ફિલ્મો વધુ ગમે છે અને સફળ ફિલ્મોની યાદી જોશો તો આ દલીલને સમર્થન મળે છે.
સારી વાર્તાની અછતની દલીલને આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મો આ દલીલને સમર્થન આપી પડઘો પાડે છે. જાહેર થયેલા કેલેન્ડર અનુસાર પંદરેક સિક્વલ કે થ્રિક્વલ આ વર્ષે રિલીઝ થઈ રહી છે. લગભગ દરેક મહિને અગાઉ રિલીઝ થયેલી ફિલ્મની વાર્તા આગળ વધારતું ચિત્રપટ થિયેટરમાં પ્રદર્શિત કરવામાં આવશે.
વર્ષના પહેલા જ મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં બે સિક્વલ પ્રદર્શિત થઈ રહી છે: બોર્ડર 2 અને મર્દાની 3. એક સિક્વલ અને બીજી થ્રિક્વલ. ત્યારબાદ ફેબ્રુઆરીમાં વધ 2′ (સંજય મિશ્રા-નીના ગુપ્તાની 2022નીવધ’ની સિક્વલ) લાભ આપશે અને માર્ચમાં તો ત્રણ સિક્વલ દર્શકોને માથે મારવામાં આવશે: પતિ પત્ની ઔર વો 2, ધુરંધર 2 અને ધમાલ 2. બે કોમેડી અને ત્રીજી સ્પાય થ્રિલર.
એપ્રિલમાં આવારાપન 2′ આવશે જે 19 વર્ષ પહેલા એટલે કે 2007માં રિલીઝ થયેલીઆવારાપન’ની સિક્વલ છે. પહેલી ફિલ્મમાં ઈમરાન હાશ્મી અને શ્રિયા સરન લીડ રોલમાં હતા જ્યારે સિક્વલમાં હીરો તો ઈમરાન જ છે, હીરોઈન તરીકે દિશા પટની છે. મે મહિનામાં અનીસ બઝમીની વેલકમ’ ફ્રેન્ચાઈઝીની ત્રીજી કોમેડી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. અનિલ કપૂર, નાના પાટેકર, અક્ષય કુમાર અને પરેશ રાવલ જેવા ખમતીધર કલાકાર સાથે બે દાયકા પહેલા આવેલીવેલકમ’ને સિને રસિકોએ વધાવી લીધી હતી.
2015માં વેલકમ બેક’ બાદ 10 વર્ષના અંતરાલે ત્રીજી ફિલ્મ આવી રહી છે. ધૂમધડાકાવાળી ફિલ્મોના દોરમાં આ હલકીફૂલકી ફિલ્મ આવકારદાયક રહેશે. વર્ષની અધવચ્ચે એટલે કે જૂનમાંકોકટેલ’ની સિક્વલ `કોકટેલ 2′ આવી રહી છે. દીપિકા પાદુકોણની કરિયરમાં વળાંક લાવનારા આ ચિત્રપટની સિક્વલનો ડિરેક્ટર હોમી અડજાણીયા જ છે, પણ મુખ્ય કલાકારોમાં ધરમૂળથી ફેરફાર છે. મોડર્ન રિલેશનશિપને કેન્દ્રમાં રાખી બનાવવામાં આવેલી ફિલ્મમાં શાહિદ કપૂર સિવાય બે હીરોઈન તરીકે કૃતિ સેનન અને રશ્મિકા મંદાના છે. ફિલ્મનું શૂટિગ ભારત ઉપરાંત યુરોપમાં પણ થયું છે.
વર્ષના ઉત્તરાર્ધમાં પણ સિક્વલનો સપાટો ચાલુ રહેવાનો છે. જુલાઈમાં જેની અત્યંત આતુરતાથી રાહ જોવાઈ રહી છે એ હેરાફેરી' સિરીઝનો ત્રીજો હપ્તોહેરાફેરી 3′ ટાઇટલ સાથે આવી રહી છે. શૂટિગ શરૂ થવા પૂર્વે જ પરેશ રાવલે ફિલ્મ છોડી દેતા અને પછી ઘીના ઠામમાં ઘી પડી રહ્યું એ નાતે ફરી ગોઠવાઈ જતા ફિલ્મ કુતૂહલનો વિષય તો બની જ છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે પહેલી ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શને આ વખતે સુકાન સંભાળ્યું છે. રાજુ, શ્યામ અને બાબુરાવનો ટ્રાયો કેવી કમાલ દેખાડે છે એના પર સૌની નજર રહેશે.
છેલ્લાં કેટલાક વર્ષથી ઓગસ્ટ મહિનો ફિલ્મ રિલીઝ માટે અગત્ય ધરાવે છે. અગાઉ દિવાળી, ક્રિસમસ અને ઈદ વખતે ફિલ્મ રિલીઝને પ્રાધાન્ય આપવામાં આવતું હતું અને હજી પણ અપાય છે. જોકે, દેશદાઝનું લેબલ ધરાવતી ફિલ્મો બનવા લાગી એટલે એને સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટની આસપાસ રિલીઝ કરવાનો ટે્રન્ડ શરૂ થયો.
સિક્વલની વાત કરીએ તો ઓગસ્ટમાં મેડોક ફિલ્મ્સની સુપરનેચરલ યુનિવર્સની ભેડિયા 2′ સ્વાતંત્ર્ય દિનની આસપાસ પ્રદર્શિત કરવાનું આયોજન છે. અલૌકિક પાર્શ્વભૂમિ પર ફિલ્મો બનાવવા માટે જાણીતા અમર કૌશિકની સિક્વલમાં પણ વણ ધવન અને કૃતિ સેનન જ છે. અજય દેવગનનીદ્રશ્યમ 3′ ઓક્ટોબરમાં રિલીઝ થશે એવી જાહેરાત થઈ ચુકી છે. એકંદરે આ વર્ષ નવી વાર્તાના અભાવનું અને સિક્વલના સુકાળનું છે.
હોલિવૂડના હાલહવાલ…
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ દર્શકોને થિયેટર ખેંચી લાવતી વાર્તાનો દુકાળ અને પરિણામે સિક્વલનો સુકાળ છે એવું માની લેવાની જરૂર નથી. હોલિવૂડમાં પણ દોઢેક ડઝન સિક્વલ રિલીઝની ઘોષણા થઈ ચુકી છે અને એમાં ઉમેરો થવાની સંભાવના છે. આ મહિને જ 28 Years Later: The Bone Temple (part of the 28 Days Later series) and Greenland 2: Migration એ બે દર્શકોને માથે ઠપકારવામાં આવી છે.
લગભગ દર મહિને આવનારી હોલિવૂડ સિક્વલમાં અમુક એવી છે જેના માટે ભારતીય દર્શકોમાં પણ ઉત્સુકતા હશે. The Devil Wears Prada 2 (મેરિલ સ્ટ્રીપની 2006ની યાદગાર ફિલ્મની સિક્વલ), અમેરિકન એનિમેટેડ એડવેન્ચર કોમેડી ફિલ્મ Toy Story 5 (પહેલી 1995માં, બીજી 1999માં, ત્રીજી 2010માં અને ચોથી 2019માં આવી હતી. ચારે ચારને બોક્સ ઓફિસ પર બખ્ખા થયા હતા. Sherlock Holmes 3, Jumanji 4 ફિલ્મો જોવાની દર્શકોમાં કુતૂહલતા રહેશે ….
આ પણ વાંચો…કવર સ્ટોરીઃ એક હિટ… લો, ફરી ફિટમ ફિટ…!



