બાઈ બાઈ ચાળણી… ‘રોલ’ની!

મહેશ નાણાવટી
આપણે સૌ જાણીએ છીએ કે ‘જંજીર’ ફિલ્મનો મેન રોલ ચાર હીરોએ ના પાડ્યા પછી અમિતાભ બચ્ચનના હાથમાં આવ્યો હતો. આપણે એ પણ જાણીએ છીએ કે ‘શોલે’માં ગબ્બરસિંહનો રોલ ડેની ડેન્ઝોંગપા કરવાના હતા, પણ ‘ધર્માત્મા’ ફિલ્મના શૂટિંગ માટે સળંગ અમુક દિવસો સુધી અફઘાનિસ્તાન જવું પડે તેમ હતું એટલે એ રોલ અમજદ ખાનને મળ્યો.
જોકે, થોડા સમય પહેલાં જ એક ટીવી શોમાં ખુલાસો થયો કે ‘શોલે’માં જે અમિતાભ બચ્ચનનો રોલ હતો તે પહેલાં શત્રુઘ્ન સિંહાને ઓફર થયો હતો! ખુદ શત્રુજી બોલ્યા કે ‘એ વખતે કદાચ મારો ઈગો હતો કે પછી કોઈ બીજું કારણ હતું, પણ મેં જ ના પાડી હતી.’
જરા કલ્પના કરો, શત્રુઘ્ન સિંહા ‘જય’ના રોલમાં કેવા લાગતા હોત? ખાસ કરીને જ્યારે બસંતી એનો નોન-સ્ટોપ લવારો કર્યા પછી પૂછે છે ‘આપને હમારા નામ તો પૂછા હી નહીં?’ અને જય (શત્રુઘ્ન સિંહા) ઘોડાગાડીની પાછલી સીટ ઉપર કંટાળા અને ઊંઘથી ઢળી પડે. આંખના પોપચાં ઊંચા કરીને પૂછતો હોત: ‘તુમ્હારા નામ કયા હૈ, બસંતી?’
આ પણ વાંચો: ક્રિકેટની સાથે બોલિવૂડનું ઈલુ ઈલુ…
‘શોલે’માં જય-વીરુ માટે એક ખાસ જુમલો વપરાયો છે: ‘દો છટે હુએ બદમાશ…’ આમાં જો શત્રુજી હોત તો ખરેખર બન્ને ‘છટે હુએ બદમાશ’ લાગતા હોત! કેમ કે અમિતાભજી આખી ફિલ્મમાં થોડા સજ્જન લાગે છે. ખાસ તો જયા ભાદુરી ફાનસ હોલવતાં હોય અને બચ્ચનજી માઉથ ઓર્ગન વગાડતા હોય ત્યારે! બાકી, તમને શું લાગે છે, પેલો જયાજીની બકરીનું બચ્ચું પાછું આપવાવાળો સીન છે એમાં શત્રુજીની આંખોમાં એ શાલીનતા જોવા મળી હોત ખરી?
આવાં, ‘જો’ અને ‘તો’ ચાલતાં જ રહેવાના, કેમ કે એક મજબૂત રોલ સરકીને બીજા કલાકારના હાથમાં જતો રહે ત્યારે પ્રેક્ષકોને ફાયદો થયો કે નુકસાન, એ શોધી કાઢવું અઘરું છે જેમ કે ‘તાલ’ ફિલ્મમાં જે ગણતરીબાજ, શાતિર અને મજાકિયા ઈવેન્ટ ઓર્ગેનાઈઝરનો રોલ અનિલ કપૂરે કર્યો હતો તેના માટેની પહેલી પસંદગી શાહરુખ ખાનની હતી! શું શાહરુખ હોત તો અક્ષય ખન્ના ઉપર રીતસર છવાઈ ગયો ન હોત?
આવું જ કંઈક ફિલ્મ ‘સંગમ’ માટે થયું હતું. રાજ કપૂરની ઈચ્છા હતી કે વૈજયંતી માલાના સાચા પ્રેમીનો રોલ દિલીપકુમાર કરે, પરંતુ દિલીપ સાહેબે એટલા માટે ના પાડી કે ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર તો રાજ કપૂર જ હતા એટલે પોતાના રોલ ઉપર ક્યાં અને કેવી રીતે કાતર ફળી વળે એ કળી શકવું મુશ્કેલ હતું, કેમ કે અગાઉ વરસો પહેલાં રાજ અને દિલીપ એક જ ફિલ્મ ‘અંદાજ’ (1949)માં સામસામે હતા ત્યારે ડિરેક્ટર મહેબૂબ ખાન હતા. એ ફિલ્મના ક્લાઈમેક્સનાં દૃશ્યોમાં દિલીપ કુમાર રીતસર રાજકપૂર ઉપર હાવી હતા!
આ પણ વાંચો: હેં, મુકેશ ‘બેસૂરા’ થઈ જતા હતા?!
જો કે, અમુક વખતે પ્રોડ્યુસર- ડિરેક્ટર બહુ સ્પષ્ટ હોય છે. જેમ કે રાકેશ રોશન જ્યારે ‘કહો ના પ્યાર હૈ…’ બનાવી રહ્યા હતા ત્યારે હીરોઈન તરીકે કરીના કપૂરને ‘બ્રેક’ આપવાની વાત સામેથી આવી હતી. એ વખતે રાકેશ રોશને ચોખ્ખું કહી દીધેલું કે ‘જુઓ, હું તો મારા દીકરા (રિતિક રોશન)ને લોન્ચ કરવા માટે આ ફિલ્મ બનાવી રહ્યો છું એટલે હીરોઈનને ભાગે ઓછું જ કામ આવશે!’ આ ચોખવટ પછી કરીના કપૂરના સ્થાને નવી સવી અમિષા પટેલ ગોઠવાઈ ગઈ હતી.
જોકે, આજે સવાલ એ થઈ જ શકે કે કરીના કપૂરે પોતાની પહેલી ફિલ્મ ‘રેફ્યુજી’ અભિષેક બચ્ચન સામે કરવાનું પસંદ કર્યું, જે કંઈ ખાસ હિટ નહોતી, એના બદલે જો ‘કહો ના પ્યાર હૈ’ માટે હા પાડી હોત તો? આગળ જતાં રિતિક-કરીનાની ‘જોડી’ પણ જામી શકી હોત ને?
આમ જોવા જાવ તો આ નસીબના ખેલ છે. ‘બાજીગર’ ફિલ્મના લેખક રોબિન ભટ્ટે અમદાવાદના એક જાહેર પ્રોગ્રામમાં કિસ્સો કહ્યો હતો કે ‘એ ફિલ્મનો હીરો ખૂની જ છે… એનું પાછળથી હૃદય પરિવર્તન પણ નથી થતું… એવી જ રીતે સ્ક્રીપ્ટ લખાયેલી હતી. અને એ જ કારણસર જેકી શ્રોફ, અનિલ કપૂર જેવા સ્ટાર્સ ના પાડી ચૂક્યા હતા. શાહરુખ તે સમયે નવો નવો હતો. જ્યારે એને સ્ક્રિપ્ટ સંભળાવવાનું થયું અને સ્ટોરી અડધે પહોંચી ત્યારે શાહરુખે અમને અટકાવતાં કહ્યું કે ‘પ્રોડ્યુસર કો બુલાઓ, અભી કે અભી!’
આ પણ વાંચો: રિશ્તે મેં સ્ટાર કે બાપ હૈ!
એ પછી પ્રોડ્યુસર અને ડિરેક્ટર બન્નેને સાથે રાખીને શાહરુખે શરત મૂકી હતી કે ‘આ ફિલ્મ માટે હું તો જ હા પાડું , જો તમે આગળ જતાં ડિસ્ટ્રિબ્યુટરો કે તમારા ‘વેલ-વિશરો’ના કહ્યામાં આવીને એન્ડ નહીં બદલાવાની ગેરંટી આપતા હો… તો જ!’
‘બાજીગર’નો નેગેટિવ રોલ સ્વીકારવાનો શાહરુખને જરાય અફસોસ ન થયો કેમ કે ફિલ્મ હિટ નીવડી હતી, પરંતુ અમુક રોલ માટે જે કલાકાર ‘ફર્સ્ટ ચોઈસ’ હોય તે ન મળે ત્યારે ફિલ્મના ડિરેક્ટરને અફસોસ થતો હોય છે.
કહે છે કે ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ માટે રાજ કપૂર સાહેબની ફર્સ્ટ ચોઈસ રેખા હતી, પરંતુ ફિલ્મમાં જે પ્રકારનું દેહ-પ્રદર્શન જરૂરી હતું. (બ્લાઉઝ વિના માત્ર સાડી પહેરવી વગેરે) તેના માટે રેખા રાજી નહોતાં. છેવટે ઝિનત અમાનને લઈને રાજ સાહેબે ફિલ્મ બનાવી તો લીધી, પણ એક પ્રેક્ષક તરીકે આપણને સતત એ વિચાર આવતો રહે કે ‘જો રેખાએ આ રોલ ભજવ્યો હોત તો ફિલ્મમાં જ્યાં ‘અશ્ર્લીલતા’ દેખાતી હતી ત્યાં માત્ર અને માત્ર ‘શૃંગારરસ’ દેખાતો હોત કે નહીં!’
જો કે ‘બોબી’માં રાજ કપૂરે જરાય થાપ ખાધી નહોતી. વાત એમ હતી કે ટીનએજ છોકરીના રોલ માટે રાજ સાહેબ સેંકડો છોકરીઓનાં ઓડિશન લઈ ચૂક્યાં હતાં, જેમાં નીતુ સિંહ પણ હતી. કહે છે કે એ ઓડિશન દરમિયાન જ રિષી કપૂર અને નીતુ સિંહ વચ્ચે ઈલુ-ઈલુ થવાનું શરૂ થઈ ગયેલું!
આમ જોવા જાવ તો હીરો-હીરોઈન
વચ્ચે ‘કેમિસ્ટ્રી’ સારી હોય તો પરદા
ઉપર ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ રાજ સાહેબના મનમાં નક્કી હતું કે ટીનેજ હીરોઈન ‘કમ-સીન’ અને ‘ટોમ-બોયિશ’ જ હોવી જોઈએ.
આમાં કહે છે કે, ‘કમ-સીન’ના મામલે
તે વખતે નીતુ સિંહ જરા વધારે ‘મેચ્યોર’ હતાં.!