શો-શરાબાઃ ઓપનિંગ હિટ… વર્ડ ઓફ માઉથ મિસ ફિટ

દિવ્યકાંત પંડ્યા
બોલિવૂડ હંમેશાં આંકડાઓથી ચાલતી-દોડતી ઇન્ડસ્ટ્રી રહી છે, પરંતુ આજ જેટલી નહીં. એક સમય એવો હતો જ્યારે બોક્સ ઓફિસ કલેક્શન ફિલ્મની સફળતાનું પરિણામ માનવામાં આવતું હતું, આજે એ સફળતા પોતે જ બની ગયું છે. આજના સમયમાં ફિલ્મ રિલીઝ થયા પછી 24 કે 72 કલાકમાં જ તેનું ભવિષ્ય નક્કી થઈ જાય છે. લોકો સાચે ફિલ્મ વિશે શું અનુભવે છે, એ ચર્ચા શરૂ થાય એ પહેલાં જ ટ્રેડ રિપોર્ટ્સ અને હેડલાઇન્સ ફિલ્મને હિટ કે ફ્લોપ ઠરાવી દે છે. બિગ ઓપનિંગ પાછળની આ દોડે ધીમે ધીમે એક મહત્ત્વપૂર્ણ શબ્દ જ મારી નાખ્યો છે, વર્ડ ઓફ માઉથ.
આ બદલાવ પાછળ માત્ર ક્રિએટિવ કારણો નથી, પણ પૂરી ઇકોનોમિક સિસ્ટમ જવાબદાર છે. આજકાલ ફિલ્મ્સના બજેટ ખૂબ જ વધી ગયા છે. માર્કેટિંગ અને પ્રમોશનમાં એટલા પૈસા વપરાય છે કે ઘણી વખત પ્રોડક્શન ખર્ચ જેટલું જ બજેટ ત્યાં જ ચાલી જાય છે. ઉપરથી ઓટીટી પ્લેટફોર્મ્સના કારણે થિયેટ્રિકલ વિન્ડો બહુ નાની થઈ ગઈ છે. સૌને ખબર હોય છે કે થોડા અઠવાડિયામાં તે સ્ટ્રીમિંગ પર આવી જ જશે. આ બધામાં પ્રોડ્યુસર માટે સૌથી સેફ રસ્તો એ છે કે ફિલ્મ શરૂઆતમાં જ મોટો ધડાકો કરે, જેથી પૈસા ઝડપથી પાછા આવે. એટલે એડવાન્સ બુકિંગ, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો, ફેન શોઝ, અને ઓવરહાઈપ માર્કેટિંગ પર આખી ગેમ ટકી છે.
સમસ્યા એ છે કે આ બિગ ઓપનિંગ હવે ઓડિયન્સની પસંદગી બતાવતા નથી, પણ માર્કેટિંગની તાકાત અને સ્ટાર પાવર બતાવે છે. તાજેતરનાં વર્ષોમાં આનું સૌથી સ્પષ્ટ ઉદાહરણ ‘ટાઈગર 3’ છે. સલમાન ખાન જેવો મોટો સ્ટાર, પહેલેથી હિટ રહેલી ફ્રેન્ચાઇઝ, ફેસ્ટિવ રિલીઝ… બધું જ ફિલ્મના પક્ષમાં હતું. ફિલ્મે શાનદાર ઓપનિંગ લીધું અને થોડા દિવસો સુધી મીડિયા ફક્ત રેકોર્ડ્સની વાત કરતું રહ્યું, પરંતુ થોડા જ દિવસોમાં કલેક્શનમાં ભારે ઘટાડો આવ્યો. લોકોની ચર્ચામાં ફિલ્મની રિપીટેડ સ્ટોરી, ફોર્મ્યુલા અને ઇમોશનલ કનેક્શનની કમી સામે આવવા લાગી. જોકે એ સમયે કોઈને એમાં રસ નહોતો.
ઓપનિંગ થઈ ચૂક્યું હતું, કામ પૂરું.
એની સામે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ જેવી ફિલ્મનો રસ્તો એકદમ અલગ હતો. ઓપનિંગ ખાસ મોટું નહોતું, ખાસ કરીને જ્યારે આસપાસ બિગ સ્કેલ ફિલ્મ્સ રિલીઝ થતી હતી. પણ ધીમે ધીમે લોકો ફિલ્મ વિશે વાત કરવા લાગ્યા પરફોર્મન્સ, ઇમોશન, મ્યુઝિક, અને રિલેટેબિલિટી વિશે. બીજા અને ત્રીજા અઠવાડિયામાં ફિલ્મ ટકી રહી. એક સમય એવો હતો જ્યારે આવું જ ટકવું સાચી સફળતા ગણાતું.
‘એનિમલ’ તો આ ટ્રેન્ડનું સૌથી એક્સ્ટ્રીમ રૂપ હતું. ભારે પ્રમોશન, કોન્ટ્રોવર્સી, અને સ્ટાર ફેનબેઝના કારણે ફિલ્મે ભયાનક ઓપનિંગ લીધું. ફિલ્મની હિંસા, મોરાલિટી અને સ્ટોરીટેલિંગને લઈને મોટા પ્રશ્નો ઊઠ્યા,પરંતુ દરેક ક્રિટિસિઝમ સામે જવાબ એક જ હતો બોક્સ ઓફિસ નંબર… જાણે કમાણી જ ફિલ્મ માટેનું એકમાત્ર સર્ટિફિકેટ હોય.
આ ટ્રેન્ડને વધુ ખતરનાક બનાવે છે બ્લોક બુકિંગ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા પ્રોડ્યૂસર્સ શરૂઆતના દિવસોમાં મોટી સંખ્યામાં ટિકિટ્સ પોતે જ ખરીદી લે છે અથવા કોર્પોરેટ ડીલ્સ, પાર્ટનર્સ અને શેલ બુકિંગ્સ મારફતે હોલ્સ ભરેલા દેખાડે છે. થિયેટર બહાર હાઉસફુલના બોર્ડ, ઓનલાઈન એપ્સ પર સોલ્ડ આઉટ શોઝ અને સોશ્યલ મીડિયા પર ભરેલી સ્ક્રીન્સની તસવીરો એક પ્રકારનો ફોમો (Fear Of Missing Out) ઊભો કરે છે. ઓડિયન્સને એવું લાગે છે કે બધા જઈ રહ્યા છે, એટલે કંઈક ખાસ હશે.
આ રીતે એક ફેક વર્ડ ઓફ માઉથ બનાવવામાં આવે છે, જ્યાં લોકો ફિલ્મ વિશે સાંભળે છે, અનુભવ પરથી નહીં, પરંતુ દેખાડેલા ક્રેઝ પરથી. સમસ્યા એ છે કે જ્યારે લોકો ખરેખર ફિલ્મ જોઈને બહાર આવે છે અને એ અનુભવ અપેક્ષા મુજબ ન હોય ત્યારે એ ફોમો તરત જ ફ્રસ્ટ્રેશનમાં બદલાઈ જાય છે. આ પ્રકારની આર્ટિફિશિયલ હાઈપ ટૂંકા ગાળે ઓપનિંગને ફાયદો આપે છે, પરંતુ લાંબા ગાળે ઓડિયન્સનો વિશ્વાસ વધુ ઝડપથી ખોખલો કરે છે.
એડવાન્સ બુકિંગ કલ્ચરે પણ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી છે. ઘણી ફિલ્મ્સની ઓપનિંગ ડે કમાણી એ લોકોથી આવે છે, જેમણે ફિલ્મ જોઈ જ નથી એટલે ઓપનિંગ એક પ્રકારની ભ્રાંતિ બની જાય છે. જ્યારે હકીકત સામે આવે છે ત્યારે ફિલ્મ બીજા અઠવાડિયામાં તૂટી પડે છે, પરંતુ ત્યાં સુધી કોઈને ફરક પડતો નથી, કારણ કે હેડલાઇન બની ચૂકી હોય છે, સક્સેસ પાર્ટી થઈ ચૂકી હોય છે.
સૌથી મોટું નુકસાન એ છે કે ફિલ્મ્સની સાંસ્કૃતિક લાઈફ ઓછી થઈ ગઈ છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘3 ઈડિયટ્સ’ કે ‘ગલી બોય’ જેવી ફિલ્મ્સ ફક્ત ઓપનિંગ હિટ નહીં, પરંતુ ચર્ચા, અસર અને યાદ બની છે. આજે ઘણી ફિલ્મ્સ મોટા ઓપનિંગ પછી થોડા જ સમયમાં ગાયબ થઈ જાય છે.
આનો અર્થ એ નથી કે ઓપનિંગ નંબર મહત્ત્વના નથી. આજની સિસ્ટમમાં તે જરૂરી છે, પરંતુ જ્યારે એ જ એકમાત્ર માપદંડ બની જાય ત્યારે સિનેમા પોતાનું માનવીય તત્ત્વ ગુમાવે છે. સિનેમા શેર માર્કેટ નથી અને ઓડિયન્સ ઇન્વેસ્ટર નથી. જ્યારે વારંવાર હાઈપ અને હકીકત વચ્ચે અંતર રહેશે, ત્યારે ઓડિયન્સ વિશ્વાસ ગુમાવશે.
લાસ્ટ શોટ
‘શોલે’ ઓપનિંગ વીકમાં ફ્લોપ ફિલ્મ હતી.



