મેટિની

શો-શરાબાઃ બિગ બજેટ બોલિવૂડ: ઝગમગ સ્કેલ-ડગમગ રિઝલ્ટ

દિવ્યકાંત પંડ્યા

આજની હિન્દી ફિલ્મ્સ ઘણી વખત એવી લાગે છે કે સ્ક્રીન પર બધું છે. મોટાં સેટ્સ છે, વિદેશી લોકેશન્સ છે, મોટા સ્ટાર્સ છે, ભવ્ય બેકગ્રાઉન્ડ સ્કોર છે અને કરોડો રૂપિયાનો વિઝ્યુઅલ શો છે, છતાં દર્શક થિયેટરથી બહાર નીકળે ત્યારે ફિલ્મ યાદ નથી રહેતી, પાત્રો યાદ નથી રહેતા, લાગણી જોડાતી નથી. આ જ આજની બોલિવૂડની સૌથી મોટી સમસ્યા છે કે ફિલ્મ્સ દેખાવમાં બહુ મોટી છે, પરંતુ અંદરથી ખાલી પોલી લાગે છે.

છેલ્લાં બે-ત્રણ વર્ષમાં આ વાત વધુ સ્પષ્ટ થઈ છે. ઘણા મોટા બજેટની ફિલ્મ્સ રિલીઝ પહેલા જ ઇવેન્ટ બની જાય છે. ટ્રેલર લોન્ચ, ગીતો, ઇન્ટરવ્યૂ, સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ્સ બધું જ થાય છે, પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી તેના વખાણ થતા નથી. ઊલટું, બીજા જ દિવસથી નેગેટિવ ચર્ચા શરૂ થઈ જાય છે.

‘વોર 2’ જેવી ફિલ્મ એનું સૌથી તાજું ઉદાહરણ છે.
હૃતિક રોશન અને જુનિયર એનટીઆર જેવા સ્ટાર્સ એકસાથે, મોટો સ્કેલ અને એક્શન. છતાં ફિલ્મ માટે જે ક્રેઝ બનાવવામાં આવ્યો હતો, તે થિયેટર સુધી પહોંચ્યો નહીં. લોકો કહેતા રહ્યા કે ફિલ્મ દેખાવમાં (દેખાવમાં પણ વીએફએક્સની કમીની ચર્ચા થઈ છે) મોટી છે, પરંતુ અંદરથી કંઈક ઓછું છે.

આ એકલી ફિલ્મની વાત નથી. ‘બડે મિયાં છોટે મિયાં’ જેવી ફિલ્મ પણ એનું ઉદાહરણ છે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ જેવા સ્ટાર્સ, ભારે એક્શન, બિગ લોકેશન્સ અને મોટા બજેટ હોવા છતાં ફિલ્મ પ્રેક્ષકો સાથે જોડાઈ શકી નહીં. કારણ સાદું હતું, કહાની નવી નહોતી, સંવાદો ખોખલા હતા અને ભાવનાત્મક રીતે ફિલ્મ કશું આપતી નહોતી. આવી જ રીતે ‘સિકંદર’, ‘બાગી 4’ જેવી ફિલ્મ્સ પણ ચર્ચામાં રહી, પરંતુ દર્શકોને બાંધી રાખી શકી નહીં. હવે પ્રેક્ષક માત્ર સ્ટાર જોઈને ટિકિટ લેતો નથી, તે કહાની જોઈ રહ્યો છે.

બીજું મોટું કારણ છે બોલિવૂડની સ્ક્રિપ્ટની પ્રાથમિકતા. આજે પણ ઘણા પ્રોડ્યુસર માટે સૌથી પહેલાં સ્ટાર મહત્ત્વ ધરાવે છે, પછી બજેટ, પછી માર્કેટિંગ અને છેલ્લે સ્ક્રિપ્ટ. લેખન પર પૂરતું કામ થતું નથી. ઘણા પ્રોજેક્ટ્સમાં કહાની એવું લાગે છે કે ફિલ્મ શરૂ કરવા માટે બસ એક આઇડિયા પૂરતો માનવામાં આવ્યો છે. પાત્રોનું ઊંડાણ, તેમની માનસિકતા, તેમનો સંઘર્ષ આ બધું સપાટી પર જ રહે છે. પરિણામે ફિલ્મ પૂરી થાય ત્યારે દર્શકને લાગણીપૂર્વક કંઈ મળતું નથી.

‘આદિપુરુષ’ જેવી ફિલ્મે તો આ સમસ્યાને ખુલ્લેઆમ સામે મૂકી દીધી. રામાયણ જેવી મહાન કહાની, મોટી સ્ટારકાસ્ટ, ભારે વિએફએક્સ (સાચે?) અને વિશાળ બજેટ હોવા છતાં ફિલ્મ ભાવનાત્મક રીતે પ્રેક્ષકને સ્પર્શી શકી નહીં. લોકો ફરિયાદ કરતા રહ્યા કે પાત્રો જીવંત લાગતા નથી, સંવાદોમાં ભાર નથી અને આખી ફિલ્મ કોઈ વીડિયો ગેમ જેવી લાગે છે.

એ જ રીતે ‘સર્કસ’ કે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ જેવી ફિલ્મ્સમાં પણ આ સમસ્યા દેખાઈ. આ ફિલ્મ્સમાં પ્રોડક્શન વેલ્યૂ સારી હતી, સ્ટાર્સ જાણીતા હતા, પરંતુ લેખન સપાટી પર અટકી ગયું. આની સામે, જ્યારે ‘12વિં ફેલ’ જેવી ફિલ્મ સફળ થાય છે, ત્યારે એ સાબિત થાય છે કે પ્રેક્ષક આજે પણ લાગણીસભર કહાની સ્વીકારવા તૈયાર છે. આ ફિલ્મ્સ ટેક્નિકલી ખૂબ મોટી ન હતી, પરંતુ તેમાં સચ્ચાઈ હતી, ઈમાનદારી હતી અને પાત્રોનો સંઘર્ષ સમજાય એવો હતો.

આ બધાં ઉદાહરણ એક જ વાત તરફ ઈશારો કરે છે કે હિન્દી સિનેમાને આજે સૌથી વધુ જરૂર છે મજબૂત લેખન અને ઈમાનદાર ભાવનાત્મક જોડાણની. જ્યાં સુધી બોલિવૂડ ફરીથી કહાનીને કેન્દ્રમાં નહીં મૂકે, ત્યાં સુધી ફિલ્મ્સ પોસ્ટરમાં, ટ્રેલરમાં અને બજેટમાં મોટી દેખાતી રહેશે, પરંતુ પ્રેક્ષકના દિલમાં જગ્યા નહીં બનાવી શકે.

આ સમસ્યા નવી નથી. ‘બોમ્બે વેલ્વેટ’, ‘ઝીરો’, ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ જેવી ફિલ્મ્સે વર્ષો પહેલાં જ ચેતવણી આપી દીધી હતી કે મોટું બજેટ અને મોટા નામો હંમેશાં કામ નથી કરતા. ત્યારે પણ ફિલ્મ્સ દેખાવમાં શાનદાર હતી, પરંતુ કહાનીમાં અને પાત્રોમાં ખોટ હતી. છતાં બોલિવૂડ એમાંથી ખાસ શીખ્યું હોય એવું લાગતું નથી.

બીજી એક મોટી સમસ્યા છે સેફ રમવાની માનસિકતા. બોલિવૂડ આજે પણ રિમેક, સિક્વલ અને જૂની ફોર્મ્યુલા પર વધારે વિશ્વાસ રાખે છે. નવી કહાની પર જોખમ લેવાનું ટાળે છે. પરિણામે એક જ પ્રકારની ફિલ્મ્સ ફરી ફરી આવે છે. પ્રેમકથા હોય, એક્શન હોય કે બાયોપિક, બધું એકસરખું લાગે છે. જ્યારે કહાનીમાં નવીનતા નથી, ત્યારે ભલે કેટલો પણ મોટો સ્કેલ હોય, ફિલ્મ ખાલી જ લાગે.

આની સામે, નાના બજેટની ફિલ્મ્સ અથવા ઓટીટી પર આવેલી કેટલીક ફિલ્મ્સ વધારે અસરકારક સાબિત થાય છે. કારણ કે ત્યાં કહાની અને પાત્રોને મહત્ત્વ મળે છે. ત્યાં દર્શક સાથે ઈમાનદારી રાખવામાં આવે છે. એ ફિલ્મ્સ કદાચ કરોડો નહીં કમાય, પરંતુ મનોરંજન દેવની કૃપાથી વર્ષો સુધી યાદ રહેશે. આ જ તફાવત છે દેખાવમાં મોટી ફિલ્મ અને સાચા અર્થમાં મોટી ફિલ્મ વચ્ચે.

લાસ્ટ શોટ
આજનો દર્શક કોરિયન ડ્રામા જુએ છે, યુરોપિયન સિરીઝ જુએ છે, દક્ષિણ ભારતીય ફિલ્મ્સ જુએ છે. ત્યાં તેમને નવી કહાની અને અલગ પ્રકારની રજૂઆત જોવા મળે છે.

આપણ વાંચો:  ક્લેપ એન્ડ કટ..!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button