સ્ટાર-યાર-કલાકારઃ ભીમ વર્સિસ છોટા ભીમ: મસાલા ડ્રામાની ધમાલ… | મુંબઈ સમાચાર
મેટિની

સ્ટાર-યાર-કલાકારઃ ભીમ વર્સિસ છોટા ભીમ: મસાલા ડ્રામાની ધમાલ…

  • સંજય છેલ

હમણાં જેનો બર્થડે ગયો એ લેખક-નિર્દેશક ગુલઝાર અને આનંદ, ગુડ્ડી, ગોલમાલ જેવી ફિલ્મના વિખ્યાત નિર્દેશક ઋષિકેશ મુખર્જી, બાસુ ચેટર્જી જેવા ફિલ્મમેકરોને ‘મિડલ ઓફ ધ રોડ સિનેમા’ બનાવનારા મેકરો એટલે કે ‘મધ્યમ-માર્ગ’વાળાં પિકચરો બનાવનારા તરીકે ઓળખાતા, જે મનમોહન દેસાઇ કે ડેવિડ ધવન જેવા કોમર્શયિલ નહીં કે મૃણાલ સેન કે શ્યામ બેનેગલ જેવા સિરિયસ ફિલ્મકાર પણ નહીં. જેમની ફિલ્મોમાં ‘મધ્યમવર્ગ’ના માણસોની વાર્તા હોય.

આમાં ‘મધ્યમ વર્ગ’ ને ‘મધ્યમ-માર્ગ’વાળી વાતમાં ‘મધ્યમ’ શબ્દ પર મારું ધ્યાન ગયું, કારણકે ‘મધ્યમ’ શબ્દમાં જીવનનું બેલેન્સ છે. વળી હમણાં ‘મધ્યમ’ નામનું ફિલ્મી લાગતું મારપીટ ને મેલોડ્રામાવાળા સંસ્કૃત-નાટક ‘મધ્યમ’ વિશે જાણ્યું, જેનો માત્ર એક ડાયલોગ જ તમને ચોંકાવી મૂકશે:

‘મારી માએ મને આજ્ઞા કરી છે કે આખું વન શોધી વળ અને એકાદ મનુષ્ય લઇ આવ. મારે એને ખાઇને ઉપવાસનાં પારણાં કરવાં છે…!’ એક બાળકિશોર બોલ્યો.

આ સાંભળીને બ્રાહ્મણ કુટુંબ ચોંકી ગયું કે કોઇ માનવભક્ષીના હાથમાં સપડાઇ ગયા કે શું? આ કથા છે, મહાભારતની, પણ સંસ્કૃત કવિ ભાસે મહાભારતની એક ઘટનાને ફેન્ટસીનો રંગ આપીને ‘મધ્યમ’ નામનું મજેદાર નાટક લખેલું.

નાટકનું લોકેશન: જંગલ
જુગારમાં રાજપાટ હારીને રખડતા પાંડવો જે વનમાં રહેતા ત્યાં રાક્ષસી હિડિંબાનો આશ્રમ પણ હતો. હિડિંબા ભીમની જૂની ગર્લફ્રેંડ કે વાઇફ હતી ને ભીમથી છોટાભીમ ઉર્ફ વીર ઘટોત્કચ પુત્ર જન્મેલો.

હિડિંબાને જયારે જાણ થઇ કે વનમાં ભીમ આવ્યો છે ત્યારે એણે બાળકિશોર એવા પુત્ર ઘટોત્કચને કહ્યું કે એણે એવું વ્રત કર્યું છે જેના પારણાં કરવા માટે મનુષ્ય જોઇએ છે! હિડિંબાને ખબર હતી કે વનમાં ભીમ સિવાય કોઇ મનુષ્ય છે જ નહીં અને ભીમ પુત્રને ઓળખ્યા વિના રહેશે નહીં.

આમ હિડિંબા ભીમ અને ઘટોત્કચને સરપ્રાઇઝ આપવા ગઇ ને નાટકમાં ટી.વી. સિરિયલની જેમ એક પછી એક ઘટનાચક્ર ઘૂમવા માંડ્યા. જોકે ઘટોત્કચને પહેલાં તો માતા હિડિંબાની ‘માણસ ખાવાની માગણી’ પર ઘૃણા થઇ, છતાંય માતાની આજ્ઞા માનીને માણસ શોધવા નીકળ્યો.

સરપ્રાઇઝ ફેમિલી ડ્રામા
રસ્તામાં કમનસીબે ઘટોત્કચને કુરુજાંગલ પ્રદેશમાં બ્રાહ્મણ કેશવદાસનું કુટુંબ મળ્યું. ઘટોત્કચે રોકીને કહ્યું કે તમારામાંથી કોઇ એકનું શરીર આપો, મારી માનાં ઉપવાસ ઉતારવા.

હવે એ કુટુંબની દરેક વ્યક્તિ સમર્પણ આપવા તૈયાર થાય છે ત્યારે ઘટોત્કચ કહે છે, તમારા 3 પુત્રમાંથી કોઇ એક ચાલશે. ત્રણ પુત્રનાં નામ છે: જયેષ્ઠ-મધ્યમ અને કનિષ્ક. મોટો પુત્ર ‘જયેષ્ઠ‘ પિતાને પ્રિય છે. નાનો પુત્ર ‘કનિષ્ક’ માતાને એટલે ‘મધ્યમ’ નામનો વચલો પુત્ર ઘટોત્કચ સાથે જવા માટે તૈયાર થયો.

અહીં કવિ ભાસ કૌટુંબિક સંબંધોની ઊંડી વાત કહી દે છે. ‘મધ્યમ’ એટલે કે વચલો, જે કોઇનો પ્રિય નથી…જાણે આજનો મધ્યમવર્ગ!

ત્યાગનો ડ્રામા
પેલો મધ્યમ ઘટોત્કચને કહે છે: હું તૈયાર છું. આમેય મારા મા-બાપને હું ઓછો ગમું છુંને?’ આ સંભળીને મા-બાપ ચૂપ!
શું મેલોડ્રામા છેને? ‘મધ્યમ’ જતી વખતે મા-બાપને પગે પડે છે…

હવે ટ્રેજેડી જુઓ- આશીર્વાદમાં માનાં મોંમાથી શબ્દો સરી પડે છે: ‘બેટા, 100 વરસનો થજે!’ મરવા જઇ રહેલા સંતાનને આવા આશીર્વાદ? છેને સોલિડ સંવાદ?

અને ડ્રામામાં નવો ટ્વિસ્ટ…
ઘટોત્કચની સાથે મરવા માટે નીકળલો ‘મધ્યમ’ પોતાની અંતિમ-ઇચ્છા કહે છે કે મર્યાં પછી પરલોકમાં તરસ ના લાગે એ માટે ખુદને જ ‘જલની અંજલિ’ આપવા માગે છે. આર્ય-સંસ્કારથી ઊછરેલો ઘટોત્કચ જલાંજલિ આપવા પરવાનગી આપે છે. મધ્યમ સરોવર તરફ જાય છે પણ એને પાછાં આવતાં બહુ વાર લાગે છે એટલે ઘટોત્કચ ‘મધ્યમ’,…‘મધ્યમ’ નામની ચારેબાજુ બૂમો પાડે છે.

ઔર એક ઔર સરપ્રાઇઝ
ત્યારે જ જંગલમાં વ્યાયામ કરવા નીકળેલા ભીમને આ બૂમો સંભળાય છે ને પાછો જુઓ હિંદી ફિલ્મોનો મેલોડ્રામા…. ઘટોત્કચનો અવાજ સાંભળીને ભીમને પેલાનો અવાજ પોતાના નાના ભાઇ જેવો લાગે છે!

પિતા-પુત્રની વચ્ચે પહેલો સંબંધ, અવાજથી નિર્માણ કરીને નાટક આગળ વધે છે. ભીમ પોતાના પુત્ર ઘટોત્કચને જોઇને પ્રભાવિત થાય છે. ભીમ કહે છે: ‘મને શું કામ બોલાવ્યો? હું જ તો મધ્યમ છું.’

તમે અહીં સિચ્યુએશન જુઓ કે અજ્ઞાતવાસમાં નીકળેલા પાંડવોએ, જે ખૂફિયા નામ ધારણ કરેલાં એમાં ભીમનું નામ પણ ‘મધ્યમ’ હતું! દીન કે ગરીબનું રક્ષણ કરવામાં દુષ્ટને દંડ આપવામાં ‘મધ્યમ’ એટલે કે વચ્ચે પડનારો અને યુદ્ધમાં ‘મધ્યમ’ એટલે વચ્ચે ઝંપલાવનારો એટલે ‘મધ્યમ’ એવો શૂરવીર ભીમસેન.

લેખક ‘મધ્યમ’ શબ્દને ખૂબ રમાડે છે. પંચમહાભૂતમાં અંતર્ગત વાયુ એટલે કે વાયુપુત્ર ભીમ, પાંચ પાંડવોમાં મધ્યમ એટલે કે વચ્ચેનો છે. ત્રણે લોકમાં મધ્યમાં પૃથ્વી છે ને પૃથ્વીલોકનો રહેવાસી એટલે ‘મધ્યમ’. આમ અનેક રીતે ‘મધ્યમ’ એવો ભીમ પેલા ઘટોત્કચને સમજાવે છે. હવે ત્યારે જ પેલો કેશવદાસનો વચલો છોકરો ‘મધ્યમ’ ફરી એન્ટ્રી મારે છે ને મજા જુઓ કે એ પોતાનો જાન બચાવવા વીર ભીમસેનની જ મદદ માગે છે!

ભીમ એને છોડાવવાનું વચન આપે છે ને ઘટોત્કચને કહે છે કે આને છોડી દે, એનાં કરતાં મારું શરીર મારીને ખાવા માટે વધુ યોગ્ય છે. ઘટોત્કચ માની જાય છે.

એક્શનભર્યો ક્લાઇમેક્સ
…પણ ભીમ એક શરત મૂકે છે કે હું સાવ આમ જ નહીં આવું…તારામાં જો બળ હોય તો મને ઉપાડીને લઇ જા. આમ અહીં બાપ-બેટાની શક્તિની કસોટી! પછી ઘટોત્કચને જ્યારે એની માતાનું નામ ભીમ પૂછે છે ત્યારે એને સમજાઇ જાય છે કે આ તો પોતાનો જ પુત્ર છે.

ફાઇનલ મારામારીની ધમાલ…
પિતા-પુત્રની જબરદસ્ત લડાઇ થાય છે. લડાઇમાં ઘટોત્કચ બોલી પડે છે : ‘હું છું ભીમસેનનો પુત્ર, મારો જોટો નથી મલ્લવિદ્યામાં… આવી જા.’ કુસ્તી અને ગદાયુદ્ધમાં હારેલો ઘટોત્કચ પર્વતને આહ્વાન આપીને પાણી મંગાવે છે ને કોઇ સ્પેશિયલ ટ્રિકથી ભીમનો જ પુત્ર એના શૂરવીર બાપને માયાવી શક્તિથી ‘માયાપાશ’ કે જાળમાં જકડી લે છે!

એ પછી ભીમ ભગવાન શંકરની આરાધના કરીને ‘માયાપાશ’માંથી મુક્ત થાય છે. છેવટે હિડિંબા પોતાના પતિ ભીમને જુવે છે ત્યારે કહે છે: ‘આ તો દેવ છે.’ ઘટોત્કચને કંઇ સમજાતું નથી ત્યારે હિડિંબા શરમાઇને કહે છે: ‘આ તો મારા ને તારા દેવ….’
આમ ભીમ-હિડિંબા વચ્ચે ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’વાળો યાનેં મિલના-બિછડના ટાઇપ મનમોહન દેસાઇની ફિલ્મો જેવો સીન ભજવાય છે. ભીમને પગે પડી મર્યાદા તોડવા માટે ‘સોરી ડેડી’ કહે છે ત્યારે ભીમ કહે છે: ‘તારી અ-મર્યાદા મને ગમી, આપણા વંશને આવો દાવાનળ જેવો શૂરવીર પુત્ર જ જોઇએ!’

અને આમ આવે છે ‘મધ્યમ’ નાટકનો ‘હેપ્પી-એન્ડ’
કાશ, અમીરી-ગરીબી વચ્ચે ‘મધ્ય’માં લટકતા ‘મધ્યમવર્ગ’નાં નસીબમાંયે આવો ‘હેપ્પી-એન્ડ’ કદીક તો આવે?!

આપણ વાંચો:  અજીબ દાસ્તાં હૈ યે… કહાં શુરુ કહાં ખતમ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button