ક્લેપ એન્ડ કટ..!: ભાઈજાનનો જવાબ: ‘ટાઈગર અભી ઝિન્દા હૈ…’ | મુંબઈ સમાચાર
મેટિની

ક્લેપ એન્ડ કટ..!: ભાઈજાનનો જવાબ: ‘ટાઈગર અભી ઝિન્દા હૈ…’

સિદ્ધાર્થ છાયા

અનુરાગ કશ્યપના ભાઈ અભિનવ કશ્યપે એક પોડકાસ્ટમાં સલમાન વિષે ઘણું આડું અવળું કહ્યું હતું. એ પોડકાસ્ટમાં અભિનવે સલમાનના પરિવારને પણ આંટામાં લીધું હતું. હવે વારો ભાઈજાનનો છે. સલમાને આ માટે ‘બિગ બોસ’ જેવા વિશાળ પ્લેટફોર્મનો લાભ લીધો છે.

‘બિગ બોસ’નાં લેટેસ્ટ એપિસોડમાં સલમાને અભિનવનું નામ લીધાં વગર એની તરફ ‘ગોળીબાર’ કર્યો હતો… સલમાનનું કહેવું છે કે ‘એક સમયે મારી સાથે જોડાયેલી વ્યક્તિઓ આજકાલ મને ટાર્ગેટ કરી રહી છે…’ સલમાનનો ઈશારો એવો પણ હતો કે એ લોકો એક સમયે એનાં વખાણ કરતાં થાકતાં ન હતાં. આજે એ લોકો એના માટે ગમે તેમ બોલી રહ્યાં છે.

સલમાને ભલે અભિનવનું નામ ન લીધું હોય, પણ એણે એ ઈશારો જરૂર કર્યો છે કે અનુરાગનો ભાઈ આજકાલ બેકાર બેઠો છે. સલમાનનું કહેવું છે કે આજનાં જમાનામાં લોકો પોડકાસ્ટમાં ગમે તેવો બકવાસ કરે છે, કારણકે એમની પાસે કોઈ કામ નથી. જોકે, અનુરાગ કશ્યપે તો પાંચ વર્ષ પહેલાં જ કહી દીધું હતું કે એનાં ભાઈ અભિનવ સાથે એનાં સંબંધો બિલકુલ સારાં નથી.

અનુરાગે એ સમયે એની રાજકીય વિચારધારા અભિનવ કરતાં અલગ હોવાનું કારણ આપ્યું હતું. જે હોય તે, પણ અત્યારે તો ગોસિપનું બજાર ગરમાગરમ છે અને લોકો આ લડાઈની મોજ માણી રહ્યાં છે.

‘ધર્મા પ્રોડક્શન્સ’મેં કુછ કુછ હોતા હૈ!
‘તારક મહેતા…’વાળા ભીડે માસ્ટરને યાદ કરીને કહીએ તો, હમારે ઝમાને મેં… સાઉથની ફિલ્મો માંડમાંડ નોર્થમાં કે મુંબઈમાં રિલીઝ થતી. જે થતી તો એ ખાસ પોકેટમાં રહેતાં લોકોનું મનોરંજન કરીને પરત થઇ જતી, પરંતુ, કોવિડ બાદ આખું ચિત્ર બદલાઈ ગયું છે. જોકે, ‘બાહુબલી’ પણ આ પરિવર્તન માટે જવાબદાર છે એવું કહી શકાય.

આ આખી વાત માંડવા પાછળ કારણ એ છે કે આજે ‘કંતારા-1’ સાથે ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’ રિલીઝ થઇ છે. હિન્દી ફિલ્મો સામસામી આવે અને સ્ક્રિન મેળવવાની હરીફાઈમાં બળીયો ફાવી જાય એવું થતું રહ્યું છે.

પરંતુ, ક્ધિતુ, બટ… અહીં મુદ્દો એ છે કે સાઉથની ‘કંતારા-1’ સામે ‘સન્ની સંસ્કારીની જે તુલસી કુમારી છે’ એ સ્ક્રિન્સ મેળવવા માટે રીતસર ભિક્ષાન દેહી કરી રહી છે. કંતારાના ડિસ્ટ્રિબ્યુટર્સે એક્ઝિબીટર્સને સ્પષ્ટ કહી દીધું છે કે અમને તો અમારાં હિન્દી વર્ઝન માટે મેક્સિમમ સ્ક્રિન્સ જોઈએ એટલે જોઈએ જ! આથી હવે તુલસી કુમારી વિનંતી રહી છે કે ભૈશાબ! અમને સિંગલ સ્ક્રિનમાં 50 ટકા, ડબલ સ્ક્રિનમાં 33 ટકા અને મલ્ટીપ્લેક્સમાં 25 ટકા સ્ક્રીન તો ફાળવો!

રસપ્રદ વાત એ છે કે આ ‘સન્ની સંસ્કારી…’ના ‘ધર્મા પ્રોડક્શન’વાળા અત્યારે ‘કંતારા’ના ડિસ્ટ્રિબ્યુટર્સ’ એ એ ફિલ્મ્સની દયા ઉપર નભી રહ્યું છે. ધર્માનું કહેવું છે કે ‘કંતારા’ એમનાથી બહુ મોટી ફિલ્મ છે, પરંતુ એમને સ્ક્રિન્સમાં યોગ્ય હિસ્સો મળવો જોઈએ શું જમાનો આવી ગયો છે ને? એક સમયે જેની પોતાની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે રીતસર જેની દાદાગીરી ચાલતી હતી એ ‘ધર્મા પ્રોડક્શન’ આજે લાચાર બનીને બેઠું છે. ટાઈમ ટાઈમ કી બાત હૈ..

આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..! : મૈં નહીં માનતા, પ્રૂફ દિખાઓ…

અક્ષય-આમિર ને ઓટીટી
આમિર ખાને હાલમાં એક પોડકાસ્ટમાં પોતાનો મત જાહેર કરતાં કહ્યું હતું કે ફિલ્મ રિલીઝ થાય પછી એને તરત ઓટીટી પર લાવવાની જરૂર નથી. આમિરનો મત હતો કે ફિલ્મની થિયેટર રિલીઝ અને ઓટીટી રિલીઝ વચ્ચે ઓછામાં ઓછાં છ મહિનાનો સમય હોવો જોઈએ. આ જ મુદ્દે જ્યારે અક્ષય કુમારને પૂછવામાં આવ્યું ત્યારે એણે સાવ અલગ જ મત આપ્યો.

અક્ષયનું કહેવું હતું કે જ્યારે ઓટીટી પ્લેટફોર્મ પ્રોડ્યુસર્સને કરોડો રૂપિયા આપે છે ત્યારે ફિલ્મ જેટલી ફ્રેશ હોય એટલું સારું…ટૂંકમાં અક્ષય કુમાર છ મહિનાની રાહ જોવા માટે તૈયાર નથી. જો દક્ષિણની ફિલ્મો જોઈએ તો એ થિયેટર રિલીઝ પછી માત્ર છ અઠવાડિયા પછી ઓટીટી પર આવી જાય છે. આમ જુઓ તો આ બેધારી તલવાર છે.

આ તલવારની એક ધાર એવી છે કે પછી લોકોને ટેવ પડી જશે કે ઓટીટી પર જોઈ લઈશું. તો બીજી ધાર એવી છે કે ન ચાલેલી ફિલ્મો જો તુરંત ઓટીટી પર જોવા મળે તો એ વધુને વધુ લોકો સુધી પહોંચી શકે છે. ખુદ આમિરની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ બોક્સઓફીસ પર ફિંડલું વળી ગઈ હતી, પણ જ્યારે એ ‘નેટફ્લિક્સ’ પર આવી ત્યારે એને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. જોકે અત્યારે તો આ અનંત ચર્ચામાં એક નવું પ્રકરણ જરૂર ઉમેરાઈ ગયું છે.

કટ એન્ડ ઓકે…

સલમાનની ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’નાં દિવસો યાદ કરીને સિંગર આદિત્ય નારાયણ કહે છે : ‘મેં સાત વર્ષની ઉંમરે ઇન્કમ ટેક્સ ભર્યો હતો.’

આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..!: ‘કિંગ ખાન’નાં ઈંડાં કંઈ ચીતરવા પડે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button