મેટિની

સોનાક્ષી પધરાવો સાવધાન..!

ફિલ્મવાળા અને અધૂરા ઇન્સાનોનું અર્ધસત્ય ચોંકાવનારું છે…

ડ્રેસ-સર્કલ -સંજય છેલ

થોડાં વરસ પહેલાં ગુજરાતના સભ્ય શિક્ષિત એક મિત્રે મને પૂછેલું કે એના મોટા સાહેબ મુંબઇ ફરવા આવાવાનાં છે તો એમને મજા કરાવવા કોઇ ફિલ્મી પાર્ટી ગોઠવી શકાય? અહીં ‘મજા’ નો ગર્ભિત અર્થ કોઇ નાની- મોટી હીરોઇનોને બોલાવાનો ને પછી… બાકીનું અહીં લખાય એમ નથી પણ વાચકો સમજી શકે છે. આ સાંભળીને એ વખતે મને ખરેખર આઘાત લાગેલો, પણ હવે નથી લાગતો, કારણ કે મને અનેકવાર પૂછવામાં આવે છે કે ફિલ્મ-લાઇનમાં હીરોઇનોનો એક રાતનો ભાવ શું ચાલે છે ? ’ વધુ નવાઇ ત્યારે લાગે છે કે નોર્મલી ભણેલ-ગણેલ સભ્ય માણસો આવી વાત આસાનીથી કેમ કરી શકતા હશે? બોલીવૂડને લોકો શું સમજે છે ને શા માટે આવું માને છે ?

હમણાં બોલિવૂડનાં સિનિયર સ્ટાર અને સાંસદ શત્રુઘ્ન સિંહાની સફળ અભિનેત્રી-પુત્રી સોનાક્ષી સિંહાએ બોયફ્રેંડ ઝહીર ઇકબાલ સાથે ૨૩ જૂને રજિસ્ટર્ડ મેરેજ કર્યા, પણ લગ્ન પહેલાં એના ભાઈ વિશે ખૂબ વાતો ચગી કે એ લોકો લગ્નમાં નહીં આવે, વગેરે.. અને વિવાદ થયા એના ચંદ કલાકોમાં જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ(ટ્વિટર), ટીવી, અખબારોમાં આખો દેશ સોનાક્ષી પર તૂટી પડ્યો. કેમ ? કારણ કે સોનાક્ષીએ કોઇ એક મુસ્લિમ યુવાન સાથે પ્રેમ-લગ્ન કયાર્ં!

લોકોને આમાં પણ લવ-જેહાદનો કિસ્સો દેખાઇ રહ્યો છે. અરે, સોનાક્ષીનાં મા-બાપને વાંધો નથી, એણે ધર્મ બદલાવ્યો નથી તો વાંધો ક્યાં છે? આ પહેલા શાહરૂખ ખાન-ગૌરી છીબા, કરીના કપૂર-સૈફ અલી ખાન, મનોજ વાજપાઇ-શબાના રઝાએ બધાંએ પણ તો બીજાં ધર્મવાળાં પાત્રો સાથે લગ્ન કર્યા છે જને? તો પછી સોનાક્ષી પર સૌ શા માટે તૂટી પડ્યા? કોઈએ એના તલાકની ઘોષણા કરી નાખી તો કોઈએ ફ્રિજનું ચિત્ર મૂકીને લખ્યું કે ‘જો જો, સોનાક્ષીના શરીરના ટુકડા પણ આ ફ્રિજમાંથી મળી આવશે! ’ આમ બધાંએ સોનાક્ષીના લગ્નને રાષ્ટ્રીય નફરત ‘ઉત્સવ’ બનાવી દીધો
વેલ, ફિલ્મોવાળાં બધાં મહાન છે કે એમનાંમાં કોઇ માનવીય ઊણપો નથી એવું કહેવાનો અહીં આશય નથી, પણ એમને વર્ષોથી સતત બિલોરી કાચ વડે ચકાસીને ગમે તેવી વાતો કરવામાં આવે છે અને હવે તો ખૂબ વધી છે, કારણ કે એમાં કટ્ટરવાદ, રાજકારણ અને અમુક પાર્ટીના આઇ.ટી, સેલવાળાઓનું જોર પણ ભળ્યું છે.

જે ફિલ્મ સ્ટારોને સમાજમાં ફંડફાળા ઉઘરાવવા માટે, સ્વચ્છતા અભિયાન કે વોટિંગની જાગૃતિનો સામાજિક સંદેશાઓ આપવા માટે બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવે છે એમને જ પાછા ધિક્કારવામાં આવે છે. જેમને પોલિયોના રોગ માટે – દો બૂંદ લીજીયે- અભિયાનમાં વાપરવામાં આવે છે એમને જ બૂંદ બૂંદ ઝેરથી મારવામાં આવે છે. અગાઉ યુદ્ધ દરમિયાન સૈનિકોનું સન્માન કરવા કે જોશ વધારવા સુનીલ દત્ત કે દિલીપકુમાર વરસો સુધી બોર્ડર પર જતા. પછી એ જ દિલીપકુમારને પાકિસ્તાના એજન્ટ ગણીને સમાજે વગોવેલા!

હમણાં જ એક લેખક મિત્રે મને કહ્યું કે છેલ્લા દિવસોમાં સુપર-સ્ટાર રાજેશ ખન્ના નાની મારુતિ કારમાં બાંદ્રાના કાર્ટર રોડ પાસે જોવા મળેલા…એવી ગરીબીમાં એ ગુજરી ગયા. મેં પેલા લેખકને સમજાવ્યું કે રાજેશ ખન્ના
પાસે ૨-૨ મોટી મર્સિડીઝ કાર હતી, પણ મુંબઇના ભીડ ભરેલા રસ્તે રાતે પાન ખાવા કે ફરવા ઘણાં નાની ગાડી વાપરે છે, પણ એ ભાઇ માનવા જ તૈયાર નહીં! ૨૦૦૦ની આસપાસ અમિતાભની એ.બી.સી.એલ. કંપનીને ભારે આર્થિક નુકસાન થયેલું ત્યારે અમિતાભના જૂના બંગલા ‘પ્રતીક્ષા’ પાસે સવારથી અનેક ટી.વી.ન્યૂઝ ચેનલોના કેમેરા-ઓબી વાન્સ ચારેબાજુ ગોઠવાઇ ગયેલા અને અમિતાભની સંપત્તિ નિલામ થવાના મનઘડંત સમાચારો સતત ફેલાવેલા. સૌને એક સુપર-સ્ટારની બરબાદીનો તમાશો જોવો હતો.

આ એ જ ચેનલો હતી, જે દિન-રાત અમિતાભની એક ઝલક માટે અઠવાડિયાં તડપડતી હતી. આજે એ જ અમિતાભ અનેક સરકારી યોજનાઓના સન્માનપૂર્વ પ્રચારક છે!

સવાલ થાય કે શું આપણે સામાન્ય લોકો ઘર કે બંગલો નથી વેંચતા? કોઇને ધંધામાં નુકસાની નથી થતી ? કોઇ આંતર-જાતીય કે આંતર-ધર્મીય લગ્નો નથી કરતા? કે ડિવોર્સ નથી લેતા? કે પ્રેમ-પ્રકરણોમાં કે લફડાંમાં નથી પડતા? સામાન્ય લોકો શરાબ કે ડ્રગ્સનું સેવન નથી કરતા? અરે, સૌથી સફળ અને અદ્ભુત ગીતકાર આનંદ બક્ષીને લોકો વારંવાર પૂછતા કે તમે ફલાણું ગીત કોની પાસે પૈસા આપીને લખાવો છો?’ બક્ષી કહેતા કે- ભાઇ, મારા પર તો મારા ઘરનો દૂધવાળો ય આક્ષેપ કરી શકે છે કે એણે પણ મને ગીત આપ્યું છે- તો હું કોને કોને ખુલાસો આપું? આવી ચેષ્ટાઓ પાછળ ‘મૂર્તિભંજન’ની ભાવના છુપાયેલી છે. જે ટોળું શાહરૂખ કે અમિતાભને મહાનાયકગણીને એમની મૂર્તિ બનાવે,પછી એ જ ટોળું એમની મૂર્તિ તોડવામાં મચી પડે છે.

શાહરૂખ ખાનની ‘રા.વન’ ફિલ્મ રજૂ થઈ હતી ત્યારે શાહરૂખની મૂર્ખતા પર, શાહરૂખના દેવાળાં માટે, એના સંતાન પર, રા.વન સાથે બાવન-ત્રેપન જેવાં જોડકણાં રચીને સૌએ ‘રા.વન’ ફિલ્મની અને શાહરૂખની ભદ્દી, ગંદી મજાકો કરીને ખૂબ વિકૃત મજા માણેલી. એ જ શાહરૂખ ખાન, ચૂપચાપ કોઇ જાતની પબ્લિસિટી વિના મુંબઇની નાણાવટી હૉસ્પિટલમાં વરસોથી કેટલા કરોડો રૂ. દાન આપે છે અને એમની માતાના નામે ત્યાં આખો વોર્ડ ચાલે છે. પણ સૌને શાહરૂખની પડતીમાં કે એના દીકરાને સજા મળે એમાં જ રસ છે. સુશાંત સિંહ નામના અભિનેતાના અકાળ અવસાન પછી સરકારી એજેન્સીઓ ૩-૪ વરસથી પૂરતી તપાસ કરી ચૂકી છે છતાં લોકોને એમાં કરણ જોહર, સલમાન કે ફિલ્મવાળાઓની આખેઆખી લોબીનો હાથ હજી યે દેખાયા કરે છે. વિચાર કરો, કોઇ આખું ગ્રૂપ મળીને કોઇની હત્યા કરે? અને કરે તો પકડાઇ ના જાય?

વિખ્યાત હાસ્યલેખક-નાટ્યકાર પી.જી.વુડહાઉસ જર્મનીમાં હતા ત્યારે નાઝીઓએ એને યહૂદીઓ તરફી ગણીને જેલમાં નાખેલો. બીજી બાજુ, એની માતૃભૂમિ ઈંગ્લેન્ડે વુડહાઉસને બચાવવાને બદલે ઊલટાનો એને જર્મન તરફી ગણીને ઈંગ્લેન્ડનો દેશદ્રોહી જાહેર કર્યો! કારણ કે વુડહાઉસે અમેરિકન રેડિયો પર જર્મનો વિશે ભાષણ આપેલું, જેમાં એણે તો જર્મનોની ક્રૂરતાની મજાક કે ટીકા કરેલી, પણ બ્રિટિશરોએ ચેક પણ ના કર્યું ને ઊંધુ સમજ્યાં!

    આ બાજુ વુડહાઉસે જર્મન જેલમાં ટોઇલેટ સાફ કરવા પડતાં! માચિસની કાંડીઓ સૂપમાં ખાઈને પેટ ભરવું પડતું. યુદ્ધ પછી ઈંગ્લેન્ડ વુડહાઉસને નિર્દોષ જાહેર કરીને એ જ વૂડહાઉસને સર’નો ખિતાબ આપ્યો!  વુડહાઉસને ત્યારે કોઈએ પૂછ્યું કે આવા અપમાન પછી તમને ઈંગ્લેન્ડ કે જર્મનીના લોકો પર નફરત નથી થતી? ત્યારે વુડહાઉસે હસીને કહ્યું: ના દોસ્ત, હું હોલસેલમાં કોઈને નફરત નથી કરી શકતો! ’

બીજી તરફ, આપણો સમાજ પણ કલાકારને ‘રિટેઇલ’માં પ્રેમ કરે છે અને હોલસેલ માં નફરત કરે છે! માન્યું કે કલાકારો પણ અધૂરા ઇન્સાન છે- હશે, માણસ તરીકે અનેકવાર ભૂલો કરે છે, સજા મેળવે છે.. પણ સતત એમને ગાળો આપવી, અપપ્રચાર કરવો ને એમનાં ચારિત્ર તો છોડો, પણ એમની દેશભક્તિ પર શંકા કરે રાખવી સમાજને કે મીડિયાને શું કામ ગમે છે અને એ પણ ક્યાં સુધી?

એની વે, સોનાક્ષી પરણીને સુખી રહે ને લોકોની નજર ના લાગે. બાકી બીજું શું કહી શકાય ?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો