મેટિની

ઉંમર વર્તે સાવધાન!

શાહરુખ ખાન અને અક્ષય કુમારે સાઈન કરેલી નવી ફિલ્મો એ બાબતનો સંકેત છે કે વય પ્રમાણે ભૂમિકા સ્વીકારી આગળ વધવામાં જ શાણપણ છે

કવર સ્ટોરી -હેમા શાી

સર્જકના હાથમાં જ્યારે કલમ હોય ત્યારે એની કલ્પનાના ઘોડા પૃથ્વી પર નહીં, બ્રહ્માંડમાં વિચરતા હોય છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગીતકાર રોમેન્ટિક ગીત કાગળ પર ઉતારે ત્યારે ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ અવતરે અને ‘ચૈન ભી મેરા દર્દ ભી, મેરી આશિકી તુમ હી હો’ પણ લખાય. જોકે, લખેલું જીવનમાં હંમેશા જીવાતું નથી એ વાસ્તવિકતા છે. જીવનના વિવિધ તબક્કે આ ફિલોસોફીનો સામનો કરવાનો વખત આવે છે. ગીતકાર ઈન્દીવર ભલે લખી ગયા હોય કે ‘ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન’, પણ ઉંમર વર્તે સાવધાન થવામાં જ શાણપણ છે એ વાત છેલ્લાં ત્રીસેક વર્ષથી હિન્દી ફિલ્મોમાં હીરોગીરી કરી રહેલા શાહરુખ ખાન અને અક્ષય કુમાર સમજી ગયા હોય એવું લાગે છે. શાહરુખ ખાન અને અક્ષય કુમાર ૬૦ વર્ષના થાય એમાં હવે ઝાઝી વાર નથી રહી. હોલિવૂડમા Hannah and Her Sisters, Sleuth, A Bridge too Far જેવી અવિસ્મરણીય ફિલ્મો આપનાર એક્ટર માઈકલ કેઇન ૨૦૧૫માં
૮૨ વર્ષની ઉંમરે Youth નામની ફિલ્મમાં
લીડ રોલમાં હોય પણ એ રોલ એની ઉંમરને
અનુરૂપ હોય. અંગત જીવનમાં ૭૯ વર્ષે રોમેન્ટિક જીવન જીવી રહેલા રોબર્ટ ડી નીરો About My Father ફિલ્મમાં પિતાના રોલમાં જ નજરે પડે. ૫૮ વર્ષની ઉંમરે બિગ બી પણ ‘મોહબ્બતેં’થી સિનિયર સિટીઝન બની જ ગયા ને. શાહરુખ અને અક્ષય પણ ‘ઉમર પચપન કી તો રોલ ભી પચપન કા’ એ સ્વીકારવા તૈયાર હોય એવું તેમણે સાઈન કરેલી આગામી ફિલ્મોની થઈ રહેલી ચર્ચા પરથી લાગે છે. ૫૮ વર્ષના આમિર ખાન અને સલમાન ખાનએ પણ આજે કે આવતી કાલે એ પ્રમાણે વિચારવું જ પડશે. આમિરની ‘લાલ સિંહ ચઢઢા’ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ જ્યારે સલમાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ અને ‘ટાઈગર ૩’ પર દર્શકો ઓવારી ગયા એવું
નથી. ટૂંકમાં આ બંને અભિનેતા પણ સમય સમજી શાહરુખ અને અક્ષયને અનુસરે એ સમજદારી કહેવાશે.

૨૦૧૯માં આવેલી શાહરુખની ‘ઝીરો’ના કલેક્શનમાં અનેક ઝીરો પાછળ લાગ્યા પણ એકડો અદ્રશ્ય થઈ ગયો હતો. જોકે, કિંગ ખાનની ‘પઠાન’ અને ‘જવાન’ એકડા પાછળ શૂન્યની ફોજ ખડી કરી દેવામાં સફળ રહી. રાજકુમાર હિરાણીની ‘ડંકી’ને આ લખાય છે ત્યાં સુધી સારો આવકાર મળ્યો છે. સફળતાની હેટ ટ્રિક પછી પોતે બોક્સ ઓફિસ પર પણ બાદશાહ સાબિત થઈ શકે છે એનો અહેસાસ કિંગ ખાનને ભલે થયો હોય, પણ હવે એ સિનિયર સિટીઝન બનવા માગે છે એવું તેણે સાઈન કરેલી આગામી ફિલ્મ પરથી જરૂર લાગે છે. એસઆરકેએ પોતે કરેલી જાહેરાત અનુસાર આવતા વર્ષે એટલે કે ૨૦૨૪માં એ નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. ‘પઠાન’, ‘જવાન’ અને ‘ડંકી’ પછી બાદશાહ પોતાનું સામ્રાજ્ય કઈ દિશામાં ફેલાવશે એ જાણવાની ઉત્સુકતા વાયરલ થઈ ગઈ હતી. ફિલ્મ વર્તુળની ગુસપુસ અનુસાર શાહરુખની નવી ફિલ્મ સુજોય ઘોષ (ઝંકાર બીટ્સ, કહાની, બદલા વગેરે)ની આગામી એક્શન થ્રિલર હશે. જોકે, આ જાહેરાતમાં એક મહત્ત્વની વાત એ છે કે શાહરુખ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં હશે, પણ એ પાત્ર એની ઉંમરને અનુરૂપ હશે અને આ વાતનો અણસાર તેણે ખુદ આપ્યો છે. ‘આર્ચીઝ’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેનાર પુત્રી સુહાના ખાન પણ ફિલ્મમાં હશે અને એની સાથે શાહરુખ કેવી જોડી જમાવે છે એ જાણવું રસપ્રદ રહેશે. અલબત્ત ગૌરી શિંદે દિગ્દર્શિત ‘ડિયર જિંદગી’માં શાહરુખ આલિયા ભટ્ટનો હીરો હતો પણ એમાં તેણે આલિયાના ‘વડીલ’નો રોલ કર્યો હતો. ફિલ્મને સારી સફળતા મળી હતી.

આવું જ ચિત્ર અક્ષય કુમારનું ઊપસી રહ્યું છે. વીસમી સદીના બાહોશ વકીલ અને આખી ભારતીય કૉંગ્રેસના પ્રમુખપદે રહી ચૂકેલા સી. શંકરન નાયરની બાયોપિકમાં કાગળ પરના હીરો – હિરોઈન છે અક્ષય કુમાર અને અનન્યા પાંડે. અનન્યા છે ૨૫ વર્ષની અને અક્ષય ૫૬નો થયો. દેવ આંનદ – હેમા માલિની ‘જોની મેરા નામ’માં દાદા – પૌત્રીની ઉંમરે રોમેન્ટિક જોડી બની ‘પલ ભર કે લિયે કોઈ હમેં પ્યાર કર લે’ ગાઈ શકતા અને દર્શકો એ વધાવી લેતા. પણ હવે નથી રહ્યો એ વખત કે નથી રહ્યા એ પ્રેક્ષકો. એટલે બાયોપિકમાં અક્ષય અનન્યા બંને વકીલના પાત્રમાં પણ હશે, પણ કોઈનો કેસ લડતા લડતા તેમના કેસ સંધાઈ જાય એવું નહીં જોવા મળે. બંને કલાકાર મેન્ટોર – માર્ગદર્શકના રોલમાં નજરે પડશે એવું કહેવાય છે. અસ્સલ ’ડિયર જિંદગી’ના શાહરુખ – આલિયા જેવું.

અલબત્ત અક્ષય આ બદલાવનો અણસાર આપી ચુક્યો છે, પણ હવે એ સાતત્યપણે થાય એ સમયની માંગ છે. કરણ જોહર પ્રોડક્શનની આ ફિલ્મમાં અક્ષય કુમાર સી. શંકરન નાયરનો રોલ અદા કરશે જેમણે
બ્રિટિશ સામ્રાજ્ય સામે લડત ચલાવી હતી. અનન્યા ફિલ્મમાં નવોદિત વકીલની ભૂમિકામાં હશે જેની કારકિર્દીનું ઘડતર અક્ષયનું પાત્ર કરશે. ટૂંકમાં બાપ – દીકરી જેવા સંબંધો. બદલાવ બહેતર છે પણ આ બદલાવને દર્શકો કેવો આવકાર આપે છે એ તો આવનારો સમય જ કહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button