મેટિની

ખરાબ સમય ઝાઝો ટકતો નથી… હા, આપણે પકડી રાખીએ એ જુદી વાત છે!

  • અરવિંદ વેકરિયા

મેં રજનીકુમાર પંડ્યાનો આભાર માન્યો પછી જાણીતા દૈનિક ગુજરાતી અખબારના તંત્રીને મળવા નીકળી ગયો. આ તંત્રી પણ સેન્સર બોર્ડની પેનલનાં અગ્રણી હતા. રજનીકુમાર એમને ફોન કરી અમારા પ્રમાણપત્ર માટે ભલામણ કરવાનાં હતાં એવું એમણે કહ્યું હતું. તાકીદ પણ કરેલી કે માગો એટલું કદાચ નહીં મળે પણ લાયક હશો એટલું મળશે. ફોન કરી એમણે અમારી ‘લાયકાત’ વિષે શું કહ્યું હશે એ પ્રશ્નાર્થ તો એ તંત્રીને મળીશ ત્યારે ઉકેલાશે. મને કલાકારો માટે, સાથે મને પણ શો વધે એમાં રસ હોય એ સ્વાભાવિક છે. બાકી ડોલરની જેમ હું પણ જે થવાનું હોય તે થશે કહી આ રઝળપાટ પડતી મૂકી શકું. દુ:ખ દીવાલોનું છે, બાકી ખુલ્લામાં રહો તો ધરતીકંપ પણ હચમચાવી નથી શકતો.

મારી આ વાતમાં બે અગ્રણી ગુજરાતી દૈનિક અખબારનો ઉલ્લેખ આવશે, એનાં નામ આપવાનું ટાળ્યું છે. વાચક સમજદાર છે, કદાચ સમજી જ જશે.

હું એ તંત્રીની ઓફિસમાં પહોંચ્યો. પાંચેક મિનિટ પછી મને કેબિનમાં બોલાવ્યો. ‘આવો અરવિંદભાઈ..બેસો!’ મને પ્રેમથી આવકાર્યો. શો પછી બધા સભ્યો, ખાસ તો જોસેફ મેકવાન સાથે બધા અંદર મળવા આવેલા ત્યારે આ તંત્રી-મુરબ્બી પણ હતા એટલે બંને એકબીજાને ઓળખી ગયા. એમના આવકાર પરથી લાગ્યું કે રજનીભાઈનો ફોન આવી ગયો હશે. ત્યાંજ એ બોલ્યા, ‘હમણાં જ રજનીકુમાર પંડ્યાનો ફોન હતો. તમારે માટે તો બકુલ ત્રિપાઠીએ પણ કહ્યું.’

હું માત્ર ‘અચ્છા’થી વધુ ન બોલી શક્યો.

‘મારા હિસાબે કલાને કલાની રીતે આવકારવી જોઈએ એવું હું માનું છું. માત્ર હું જ નહીં, અમે સંકળાયેલાં દરેક સભ્યો…. ’

વાત વધુ અરુચિકર લાગે એટલે પછી ‘કલા’ પ્રત્યે પૂરતી રુચી હોવા છતાં એમાં આવતી અરુચિકર વાત અમને એલર્ટ કરી દે છે. ત્યારે અમને નિર્માતા, સંકળાયેલ કલાકારો નથી દેખાતા. સમાજ ઉપર આ રજૂઆતની શું અસર? એવા સવાલ મગજ પર અથડાયા કરે છે. સમાજ સામે ખોટી રજૂઆત ન જ થવી જોઈએ. એ જોવાની જવાબદારી અમને સોંપાણી છે ને! સમાજ સાથેનાં સંબંધો ‘સોલિડ’ રહેવા જોઈએ. ‘અમે હિસાબમાં કાચા છીએ એવું નથી, પણ સંબંધમાં ગણતરી સારી ન લાગે માટે એ સંબંધ સાચવી રાખવા અમે મક્કમ છીએ.’

એ વડીલ તંત્રી પછી થોડો શ્વાસ ખાવા રોકાયા, પણ મારો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો.

‘લાયક હશો એટલું મળશે…’ થયું : એટલો પણ લાયક નહીં હોઉં કે કઈ નહીં મળે?

‘અરવિંદભાઈ, હવે હું આ નાટકમાં ‘કટ્સ’ કરવા બેસું તો અડધું નાટક ‘કટ’ થઇ જાય એવી પરિસ્થિતિ છે. હું ‘કલા’માં માનું છું પણ મજબૂર છું. ચોખ્ખી વાત કહી દઉં કે ધોતિયા નીચે બધા નાગા જ હોય છે પણ જવાબદારી આખી જુદી વસ્તુ છે.’

હું અવાક બની માત્ર સાંભળતો રહ્યો. મને કહે, ‘શક્ય હોય તો જેટલું કપાય એટલું રુચિકર લખી નાટકનું ડયુરેશન બેલેન્સ કરી લો…..ઓફ ધી રેકોર્ડ કહું તો નાટકમાં અમે બધા જ દિલ ખોલીને ખડખડાટ હસ્યા છીએ. પ્રેક્ષકો ફેમિલી સાથે આવ્યા હોય એ ‘ખોટા હસે’ નહીં એને બ્રેક લગાવવા અમારી નિમણૂક થઈ છે. જુઓ, ખરાબ સમય ઝાઝો ટકતો નથી આપણે પકડી રાખીએ એ જુદી વાત છે એટલે મેં કહ્યું એ સૂચન અમલમાં મુકો.’

મેં કહ્યું, ‘બીજો કોઈ રસ્તો નથી?’ ‘જેટલા કટ્સ આપીએ એટલું શિષ્ટ ભાષામાં વધારી, વધારે શો પરફોર્મ કરવાનું પ્રમાણપત્ર મેળવી લો.’ મેં પૂછ્યું ‘જો એ શક્ય ન થયું તો…’ ‘દસ શોનું પ્રમાણપત્ર છે. થયા એટલાં બાદ કરો. હવે બોર્ડનાં સભ્યો રેન્ડમ ચેક કરવા આવશે જ કે તમે આપેલા કટ્સ ફોલો કરો છો કે નહીં!’

‘ઠીક છે, તમે તમારો કિંમતી સમય અને સોનેરી સલાહ આપી એ બદલ આભાર.’

‘આભાર ભગવાનનો… એ ગણ્યા વગર આપે છે અને આપણે છીએ કે એનું નામ ગણી ગણીને લઈએ છીએ’ એમણે ફિલોસોફી ફટકારી.

‘એકદમ સાચી વાત, થેંક યુ.’ મેં કહ્યું અને થોડા દુ:ખ સાથે મારા ‘લાયક’નું લઈ હું નીકળી ગયો.

મેં આખી વાત અમારા લોકલ પી.આર.ઓ. તારકનાથ ગાંધીને કરી. મને કહે, ‘એમણે કહ્યું એટલે ફાઈનલ. એમનાં નિર્ણયને બોર્ડના કોઈ સભ્ય ચેલેન્જ ન કરી શકે.’

‘તો તો હવે બાકી રહેલા શો (10 માંથી) પૂરા કરી ગુજરાત ‘ઘમરોળવાનો’ વિચાર મેડી ઉપર ચડાવી દેવાનો?’ મેં પૂછયું.

‘એક ચાન્સ લઇ જુઓ.’ ગાંધી બોલ્યા. એમણે મને બીજા દૈનિકનું નામ આપ્યું. અમે રહેતા હતા એ હોટલની બાજુમાં એનું પ્રેસ હતું.

‘એ તમને મદદ કરી શકે. તમે પેલા તંત્રીએ કહેલ બધી વાત કરો.’

‘પણ જયારે પહેલા મળ્યો એ તંત્રી જ ‘ફાઈનલ સિક્કો’ મનાતો હોય તો આ બીજા અખબારના તંત્રી કઈ રીતે મદદ કરી શકે?’ મેં સવાલ કર્યો.

‘આ અતિ પહોંચેલ નમૂનો છે. બધાની રગ એના હાથમાં છે. રાજકીય વગ ધરાવે છે. એમને વાત કરો અને એ શું કહે છે એ જાણી લો. બહુ બહુ તો પહેલા તંત્રીની જેમ, ‘ના’ પાડશે, મારી તો નહીં નાખેને? હાથની રેખાઓની ખાસિયત જ આ છે, હોય છે આપણા હાથમાં પણ બીજાની સમજમાં આવતી હોય છે. તમે વાત કરો એ ચોક્કસ સમજી જશે.’ તારકનાથ ગાંધી બોલ્યાં.

હું ગાંધીને જોઈ રહ્યો. એ બીજા તંત્રીને મળવા ચક્રો ગતિમાન કરવા માંડયો. એ તંત્રી પણ નાટકના જબરા શોખીન એટલે બીજા દિવસની એપોઇન્ટમેન્ટ તરત મળી ગઈ.

આપણ વાંચો:  સ્ટાર-યાર-કલાકાર: સ્ટાર-યાર-કલાકાર

‘બોલવામાં ધ્યાન રાખજો દાદુ. શું છે કે જયારે દિવસો સારા હોય ત્યારે સ્વાસ્થ્ય સાચવવું અને જ્યારે દિવસો ખરાબ હોય ત્યારે મગજ સાચવવું.’ ગાંધી બોલ્યા.

હું બીજા તંત્રીને મળવાની માનસિક તૈયારીમાં લાગી ગયો.

સાસુ-વહુનો ઝઘડો ચાલતો હતો. ત્યાં સસરાએ પૂછયું, ‘શું થયું?’
સાસુ: ‘તમે ટ્રમ્પ ના બનો, અમે અમારું ફોડી લઈશું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button