સાત્વિકમ્‌‍ શિવમ્: ખરાબ સમય એવી તિજોરી છે, જ્યાં સફળતાનાં હથિયાર મળે! | મુંબઈ સમાચાર
મેટિની

સાત્વિકમ્‌‍ શિવમ્: ખરાબ સમય એવી તિજોરી છે, જ્યાં સફળતાનાં હથિયાર મળે!

  • અરવિંદ વેકરિયા

વીડિયોવાળા ભાઈ અમને રાખવા તૈયાર થઈ ગયા, જે સાં હતું અમારે માટે, બાકી ધંધામાં તો ગરજ સરી કે વૈદ વેરી…શો પત્યાં કે…’ અમને મનમાં થતું હતું કે રાજાણી મુખ્ય સ્પોન્સર હતા સાથે બીજા પણ બે હતાં એમાંથી કોઈ આગળ ન આવ્યું અને જે ચિંતા સિધાર્થે કરવાની હતી, એ એની પત્ની-પુત્રની ચિંતાને કારણે નૈરોબી રવાના થઈ ગયો. ખેર!આણે આમ કર્યું અને આણે આમ ન કર્યું’ એવી સરખામણીનો અર્થ નહોતો. સરખામણીનાં ખેલમાં ન પડવું, કારણ એનો કોઈ અંત નથી. સરખામણીની શરૂઆત થાય કે આનંદ અને પોતીકાપણું ખતમ થઈ જતું હોય છે. આનંદ એ લેવાનો હતો કે વીડિયોશોપવાળા ભાઈ અમને રાખવા તૈયાર થઈ ગયા હતાં.

હવે ત્રણ દિવસ પછીની ટિકિટ મળે છે કે નહીં એની સ્ટ્રગલ કરવાની હતી. અમારામાં જો કોઈ આ કામ કરી શકે એમ હોય તો એક માત્ર રસિક દવે હતો. એનામાં એ કાબેલિયત હતી. આગળ જતાં એ કારણે જ કદાચ, કલાકાર તો અચ્છો હતો જ સાથે નિર્માતા અને દિગ્દર્શનમાં પણ કાઠું કાઢેલું. સૌ સૌનો સમય હોય છે. અત્યારે અમે મનમાં ભગવાનનું નામ લેતાં, કૃષ્ણે કહ્યું છે…..આ સમય પણ ચાલ્યો જશે. એવું મમળાવતા રહ્યાં. ખરાબ સમયથી ગભરાવું નહીં એ હું ત્યારે શીખ્યો. ખરાબ સમય એવી તિજોરી છે જ્યાં સફળતાના હથિયાર મળે છે.

રસિક આખા એરપોર્ટમાં ફરી વળ્યો. એ સમયે દુરદર્શન ઉપર આવતી સિરિયલ મહાભારત, જેણે માત્ર ભારતમાં જ નહીં આખી દુનિયાને ઘેલું લગાડેલું. રસિક દવે એમાં નંદ'નું પાત્ર ભજવતો. રસિકની કાબેલિયત અનેનંદ’ની લોકપ્રિયતા બંને કામમાં લાગ્યાં. તહેવારનાં ધસારાને કારણે ત્રણને બદલે બે દિવસ પછી જ ટાન્ઝાનિયા એરવેઈઝ'ની સ્પેશિયલ ફ્લાઈટ, નૈરોબીની એનાઉન્સ કરી અનેનંદબાબા’ની મહેરબાનીથી અમારી બધાની ક્નફર્મ ટિકિટો મળી ગઈ. વીડિયોશોપવાળા (નામ યાદ નથી આવતું) નું અમારાં પર ઓવારી જવું એ અમારાં નાટકની સફળતા હતી, જે સિધાર્થને આભારી હતી. અમારો હાથ પકડનાર એ ભાઈનો અમે બધાં દિલથી આભાર માનતા રહ્યા. એમનો સ્વભાવ પણ `હે રામ’ જેવો જ હતો. વખાણ એમને પણ નહોતાં ગમતા. સંસ્કારોથી મોટી કોઈ વસિયત નથી અને ઈમાનદારીથી મોટી કોઈ વિરાસત નથી.

ફરી અમે બધા વિદાય આપવા આવેલ ભાઈઓની ગાડીમાં ગોઠવાયા. મન મનાવ્યું કે કદાચ દારેસલામ સાથે વધુ બે દિવસની લેણાદેવી હશે.

અમે બધાંએ એ ભાઈને પૂછ્યું કે આટલી બધી હેતની હેલી વરસાવી તો છેલ્લે દિવસેહે રામ’ કેમ ન દેખાયા?’ ત્યારે ખબર પડી કે એમને અઠવાડિયા માટે કોઈ કામ આવી જતાં એમણે જવું પડ્યું છે. અમને વસવસો રહી ગયો એમને ન મળ્યાનો.

એ ભાઈ અમને એમનાં ઘરે લઈ ગયાં. ઘર બે ભાગમાં વહેંચાયેલું હતું. આગળનાં ભાગમાં એમની શોપ હતી અને પાછળના ભાગમાં ત્રણ બેડરૂમનો ફ્લેટ. સુંદર અને સુઘડ. માત્ર પતિ-પત્ની. શેર માટીની ખોટ હતી.એ પણ લોહાણા પરિવારના હતા. દાન-ધરમમાં માનનારા. પુણ્યનાં નામે ઓળઘોળ થઈ જતા. કોઈએ કહ્યું છે કે પાપ કરવું નથી પડતું, થઈ જાય છે જયારે પુણ્ય થઈ નથી જતું,કરવું પડે છે.

અમને બધાને બે રૂમમાં એડજસ્ટ કરતાં વિનમ્રતાથી પૂછ્યું `ફાવશે ને?’ એમને કેમ કહેવું કે તમાં આ પુણ્ય અમને કેટલું સાં લાગ્યું છે નહીં તો હાલત ધોબીનાં કૂતરા જેવી થઈ હોત.

એમના પત્નીનો સ્વભાવ પણ અતિ મળતાવડો હતો. મારાં અનેક લોહાણા જ્ઞાતિના મિત્રો છે અને `જલાબાપા’ની કૃપાથી મને બધાનો સારો અનુભવ છે.

પ્રેમથી નવી નવી વાનગીઓ અમને ખવડાવી પાછા કહે `શરમાશો નહીં’. અમે કલાકારો એટલે ગમે ત્યાં,ગમે તે અને કોઈ પણ સાથે પ્રેમથી ફાવી જાય. બધી જગ્યાએ બધું જોઈએ એવું ન મળે ત્યારે જે મળે એ ચલાવી લેવાની અમને આદત પડી ગઈ હોય છે.

એ દિવસે સાંજે બધાં જમ્યાં. એ પહેલાં અમને ત્યાંનાં એક-બે જોવાલાયક સ્થળો બતાવ્યાં. ટૂંકમાં આ માણસ હતો દીવા જેવો, વિચારે જ નહીં કે ઘર કોનું રોશન થયું.

બે દિવસ કેમ વીતી ગયા એ ખબર જ ન પડી. આ વખતે પાછું ઓછી સીટરનું ફ્લાઈટ ન આવે એવી પ્રાર્થના સાથે વહેલાં જ નીકળી ગયાં. વિદાય લેતાં કહ્યું કે `તમે અમારાં માટે ઘણું કર્યું. એમને આ વખાણ ન ગમ્યાં. કહે,’ મેં કંઈ નથી કર્યું. તમારા જેવા કલાકારોનો સંગ મારા જેવાને ક્યાંથી મળવાનો? આમ પણ જિંદગીમાં બે રીતે આગળ અવાય, એક કોઈનું કરીને અને બીજું કોઈના માટે કરીને.’ પછી મો પર હળવું હાસ્ય કર્યું. એમના ઉપકારનો આભાર માની અમે ફ્લાઈટમાં પ્રવેશ કર્યો.

સોરી-ટુ-સે, પહેલીવાર જોયું કે ફ્લાઈટ ખખડધજ હતી. ક્યાંક ક્યાંકથી પાણીના નાના-નાના ટીપા પણ ટપકતાં હતાં. થોડીવારમાં એનાઉન્સમેન્ટ ચાલુ થઈ.ફ્લાઈટ રન-વે પર ચાલવા લાગી અને એક જોરદાર ઝટકા સાથે ટેક-ઓફ થયું. ઝટકો એવો લાગ્યો કે બધા ધ્રુજી ઉઠ્યા.

ડબ્બલ રિચાર્જ

પત્નીથી મોટો કોઈ તહેવાર જ નથી હોતો, સાલું, દિવસમાં એકવાર તો મનાવવી જ પડે છે.

આ પણ વાંચો…સાત્વિકમ્‌‍ શિવમ્ : માફી ભૂલ કરનારને મળે… ચાલાકી કરવાવાળાને નહીં…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button