સત્ય પોતાના આત્મામાં છુપાયેલું હોય છે, બીજાનાં અભિપ્રાયોમાં નહીં…

અરવિંદ વેકરિયા
‘મળે સૂર જો તારો મારો’, આ શીર્ષક જે કોઈ નાટ્ય હિતેચ્છુઓને જણાવ્યું તો એમને ગમ્યું. નાટક લગભગ તૈયાર પણ થઈ ગયું. આટલાં પ્રોસેસ દરમિયાન પેલાં લેણાં 30000/-માટે મારો ‘સૂર’ તુષારભાઈ સામે ન નીકળ્યો. ખેર, અત્યારે ‘નાટક’ મારી અગત્યતા હતી.
નાટક સરસ તૈયાર થતું ગયું. જી.આર. શરૂ થવાની તૈયારી હતી ત્યાં જયુકાકા (જયંત વ્યાસ)એ બૉમ્બ ફોડ્યો. જો કે એ બૉમ્બની મને આછેરી જાણ થઇ ગયેલી. એમનું આવવું થોડું અનિયમિત, વચ્ચે એક બે દિવસની ‘ગાપચી’. વડીલ હતાં, મને દીકરો ગણતાં એ વાત બરાબર પણ નાટક જયારે જી.આર. સુધી પહોંચવાની તૈયારીમાં હોય ત્યારે એમનું આવું વર્તન, મને છેલ્લે છેલ્લે નાની- મોટી તૈયારીમાં ખેંચ પહોંચાડતું. એમનો પાડ કે એ સ્પષ્ટવક્તા બન્યાં (કદાચ એમનું બધું ફાઈનલ થયું હશે એ પછી કહ્યું હોય).
‘દાદુ, રાજેશનાં રિહર્સલ શરૂ થઇ ગયા છે. હું એમાં કામ કરું છું.’ મને સહેજ ઝટકો તો લાગ્યો. પોતાનાં કમીટમેન્ટની વાત કરી. દુ:ખ થયું પણ ગમ્યું એ કારણે કે બની શકે તો એક જ વ્યક્તિ બનો, જાહેરમાં અને ખાનગીમાં પણ, ગમવાનું કારણ એમનું સાચું જાહેરમાં કહી દેવું. મારી તો ઇચ્છા હતી કે જયુકાકા સાથે નાટ્ય સફર લાંબી રહે અને નાટક પૂરું પોલીશ્ડ થઈ જાય રાજેશ જોશીનું નાટક ફ્લોર પર જાય ત્યાં સુધીમાં. ખરેખર! હળવું ફૂલ છે આ જીવન, વજન આપણી ઈચ્છાઓનું હોય છે. એક તો હું ‘જાડો’ અને ઇચ્છાઓએ જાણે વજન વધારી દીધું.
જયુકાકા કહે, ‘તારું નાટકનું મારી સાથે જ સરસ ઓપનિંગ થશે. રાજેશે હજી શરૂ કર્યું છે, એ રિલીઝ થશે ત્યાં સુધીમાં તો આપણા ઘણાં શો થઇ જશે.’ એમણે દડો મારા પટમાં નાંખી દઈ સમયનો દાખલો દઈ દીધો કે ‘એનાં નાટકને સમય લાગશે’.
માન્યું, સમય જીવનનું મહત્ત્વ જણાવે છે, પણ જીવન જણાવે છે કે સમય સૌથી કિંમતી છે. મારે કેટલો સમય અભિનયથી દૂર રહેવું એ નક્કી ન કરી શકાય. મારે કહેવું પડ્યું કે, ‘કાકા, બે દિવસ પછી જી.આર. શરૂ થશે એ દરમિયાન…’
મારી વાત કાપતાં એ બોલ્યાં. ‘એથિક્સ જાળવવા જ મારે રાજેશનું નાટક કરવું પડે. મેં, તું બેન્કમાં આવેલો ત્યારે સ્પષ્ટ કહ્યું જ હતું ને?’ વડીલને હું શું કહું? એમણે વાત કરેલી પણ જી.આર. સુધીની મજલ કાપ્યાં પછી જાણ થાય એ મારે માટે થોડું વસમું હતું. હું વિચારે ચડી ગયો.
નાટકની ‘બારીકી’ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનાં સમયે આવી વાત તો ભલભલાને વિચારે ચડાવી દે. સૌથી મોટી લડાઈ માણસ પોતાનાં વિચારો સાથે લડતો હોય છે, સંજોગો સાથે સમાધાન જ કરવું પડે. એમની વાત સ્વીકારી લઈ સમાધાન સિવાય કોઈ પર્યાય નહોતો.
ખેર! આ વાત સાથી કલાકારો વચ્ચે જ થઈ હતી. એક-બે કલાકારોએ તો કહી દીધું, ‘દાદુ, તમે જ ગોઠવાય જાવ, જયુકાકા સાથે ક્લિયર વાત કરી લો ને’… પણ હું કઈ રીતે જયુકાકાને કહી શકું? નાટક લેતા પહેલાં એમણે વાત ક્લીયર કરેલી. ઓફકોર્સ, એ સ્પષ્ટતા એમણે ડિપ્લોમેટિક રીતે-મુત્સદીગીરી સાથે કરેલી, પણ તો ય મેં એ સ્વીકારી. એમનાં રાજેશ માટેના એથિક્સ જાળવતાં હોય તો મારે પણ જાળવવાં પડે. આ તબક્કે હું સ્વાર્થી બની કહી ન શકું કે, ‘કાકા, તમે એ રાજેશનું જ નાટક કરો.’
બુદ્ધિમાંથી જન્મે તે સ્વાર્થ, હૃદયમાંથી જન્મે તે ભાવ. મેં બુદ્ધિની વાત છોડી મનની વાત માની અને મારી ‘બા’ની વાત મગજમાં દોહરાવી, પડશે તેવા દેવાશે.
નાટકનાં જી.આર. શરૂ થયાં. ઉલ્હાસ સુર્વે તરફથી સેટ તૈયાર હતો. જી.આર. હિન્દુજા થિયેટરમાં હતું. નાટકનો સેટ ભલે ઉલ્હાસે તૈયાર કર્યો, પણ નાટકની લાઈટ ડિઝાઈન અને ઓપરેટિંગનું કામ મેં શૈલેશને આપ્યું.(એ હયાત નથી) સેટિંગનાં કામની મારાથી શરૂઆત કરનાર પ્રવીણ ભોસલેનો એ પાર્ટનર. મારાં મનને થોડો સંતોષ રહે કે મેં એનું એક ‘કવર’ તો ચાલુ રાખ્યું.
જી.આર. શરૂ થઈ ગયાં. જયુકાકાએ રાજેશ જોશી સાથે શું વાત કરી હશે એ એમને ખબર પણ મારાં જી.આર.માં સમયસર આવતાં. ક્યારેક તો બીજા કલાકારો કરતા પહેલાં પણ આવી જતાં. જયુકાકા ક્યારે રાજેશનાં નાટકમાં જતાં રહેશે અને ક્યારે મારે એ પાત્રનાં ખોળિયામાં પ્રવેશ કરવો પડશે એ બધું અનિશ્ચિત હતું. દુ:ખ તો હતું જ.! કહે છે કે સ્વયંનું દુ:ખ અને બીજાનું સુખ કોઈની કદી ગણતરી કરવી નહી. મેં પણ બધા વિચારોને રજા આપી પૂરું ધ્યાન નાટક ઉપર કેન્દ્રિત કર્યું.
આનંદ મસ્વેકરનાં મરાઠી નાટકનું રૂપાંતર દિનેશ કોઠારીએ ગુજરાતી માહોલને અનુરૂપ કરેલું. હસમુખ મગીયા (હયાત નથી) જેમની સાથે મેં ચિનગારી નાટક કરેલું. એ અમારાં ગ્રાન્ડ રિહર્સલમાં આવ્યાં. જાન્યુઆરીના આખરી સપ્તાહનાં એક શો માટે. જી.આર. નાં ચાર દિવસ પછીની એ તારીખ હતી. ચામુંડા જવેલર્સ માટેનો એ સોલ્ડ-આઉટ શો હતો. શો ઓપન-એર, ગ્રાઉન્ડમાં કરવાનો હતો.
મનમાં શો માટે ‘હા’ પાડવામાં થોડી અવઢવ હતી કે પહેલો જ શો અને એ પણ ખુલ્લામાં? સાથી કલાકારોએ મળીને મને પોરસ ચડાવતાં કહ્યું, ‘હા પાડી દો દાદુ. આપણે એમ માનીશું કે એક ફાઈનલ જી.આર. આપણે વધુ કર્યું.’ જયુકાકાએ પણ ટાપસી પુરાવતા કહ્યું, ‘દીકરા, લઈ લે શો…મારે નાટક સાથે ‘સેટ’ થતાં વાર લાગે છે. મારે માટે આ શો એક રિયાઝ થઇ રહેશે.’
મેં કહ્યું કે, ‘કાકા, લોકો શું કહેશે? પહેલો જ શો ઓપન-એરમાં કરવો પડ્યો? થિયેટર ન મળ્યું?’
જયુકાકાએ જવાબ આપ્યો, ‘બેટા, સત્ય હંમેશાં પોતાનાં આત્મામાં છુપાયેલું હોય છે, લોકોનાં અભિપ્રાયોમાં નહીં. આપણું નાટક સારું બન્યું છે એ સત્ય છે માટે અચકા નહીં.’
…અને આવેલ હસમુખ માગીયાને મેં શો કરવા માટે હા પાડી દીધી.
ગાડી ચલાવતાં ભુરાને આર.ટી.ઓ. એ રોક્યો..
આર.ટી.ઓ.: આ શું? સીટ બેલ્ટ બાંધો..
ભૂરો: સીટ બેલ્ટની ક્યા મેથી મારો છો…રસ્તા રિપેર કરો.. ઘરે જઈને કમરનાં બેલ્ટ બાંધવા પડે છે.
આ પણ વાંચો…સંબંધ મનથી હોવો જોઈએ, મતલબથી નહીં!



