અરીસો કમજોર ભલે હોય, પણ એ સાચું બતાવવાથી ગભરાતો નથી…

અરવિંદ વેકરિયા
આમ બંને નાટક ખૂબ ચાલતાં રહ્યાં. ‘બે દુની…’ને તો પ્રાયોજિત શો મળતા હતાં , પણ ‘મા.મા.લ.પા’ (માણસ માત્ર લફરાને પાત્ર ). બોલ્ડ હોવાથી સંસ્થાઓ દૂર રહેતી. રવિવાર હોય કે આડોવાર ‘મા.મા.લ.પા.’ ખૂબ ચાલતું.
‘બે દુની..’ જાણીતી સંસ્થાનું જાણીતું નાટક હતું. એના શો થોડા નબળા પડતા આ નાટકના મુખ્ય કલાકાર દીપક ઘીવાલાએ રાજેન્દ્ર બુટાલાનું નવું નાટક ‘તથાસ્તુ’ હાથમાં લીધું. ઓફકોર્સ, ‘બે દુની..’ દીપક ઘીવાલા માટે પહેલું…આમ છતાં,. તથાસ્તુનાં રિલીઝ માટે આઈ.એન.ટી. મગનું નામ મરી નહોતી પાડી શકતી. એક રવિવાર મળે તો ‘તથાસ્તુ’ રિલીઝ કરી શકાય. છેવટે કંટાળીને જયારે આઈ.એન.ટીની તારીખ અગાઉથી નહોતી મળી એ તારીખે બુધવારે બુટાલાએ પોતાનાં નવા નાટકની પ્રથમ પ્રયોગની બુકિંગની જા.ખ. આપી દીધી તો ગુરુવારે આઈ.એન.ટી.ની ‘બે દુની…’ નાટકની જા.ખ. જયહિન્દ કોલેજના થિયેટર માટે આવી ગઈ. શો પણ એ જ સમયનો. પછી તો કોર્ટમાં કેસ પણ થયો, જેમાં દીપક ઘીવાલા જીતી ગયા. અરીસો કમજોર ભલે હોય પણ સાચું બતાવવાથી ગભરાતો નથી. એ પછી ‘ બે દુની..’ બંધ થયું, પણ ‘મા.મા.લ.પા.’ ચાલતું રહ્યું. મતદાનનો દિવસ હોય કે ‘મુંબઈ બંધ’ હોય ત્યારે પણ આ નાટકનાં શો રખાતા અને હાઉસફૂલ જતા.
‘બે દુની…’ નું મારું અભિનેતા તરીકેનું કવર બંધ થયું. ‘તથાસ્તુ’ ખૂબ સારું રહ્યું. દીપક ઘીવાલા સાથે મેં ગુજરાતી સિરિયલ ‘દેરાણી- જેઠાણી’ પણ કરેલી. આમેય અમારી વચ્ચે સારું ટ્યુનિંગ. આનંદ એ વાતનો હતો કે જે વ્યક્તિ મને ગમતી હતી એની જીત થઈ હતી. ખરેખર, સત્ય એક સર્જરી જેવું છે, થોડું દર્દ આપે પણ રાહત તો મળે જ, જ્યારે જુઠ એક પેઈન કિલર જેવું છે તમને હંગામી રાહત આપે પણ એની આડઅસર કાયમ રહે… આ બધા સાથે મારે નિસ્બત તો માત્ર કલાકાર તરીકે. ભલે મેં આઈ.એન.ટી. સંસ્થામાં બીજું નાટક ન કર્યું, પણ સુરેશ રાજડા સાથે એ પછી ઘણાં નાટકો કર્યા. મેં આ ‘ખટલા’માં ભાગ નહોતો લીધો અને કલાકારે એમાં પડવું પણ ન જોઈએ. ‘અસત્ય’ સામે ‘સત્ય’ હોવાં છતાં મેં મારું મગજ અને ‘જીભ’ શાંત રાખ્યાં. શાંત મગજ એ કળિયુગનું બ્રહ્માસ્ત્ર છે.
અભિનય ફરી શરૂ કરું ત્યાં સુધી મારું ધ્યાન ‘મા.મા.લ.પા’. નાટક પર કેન્દ્રિત કર્યું. ડાયરેક્ટર તરીકે મારે હજી પણ સલાહ-સૂચનો આપવા પડતા જેથી કલાકારો નાટકનો ‘શેપ’ બગાડે નહીં. હા, અમદાવાદનાં શો માટે ડોલર-સુભાષની મીઠી કચકચ ચાલુ રહેતી. હું નકાર્યા કરતો, પણ એમાં મારી લોકપ્રિયતા પણ સીમિત બની જતી. આમ પણ જે વ્યક્તિ સાચું બોલે છે એ લોકપ્રિય નથી બનતી.
બીજી તરફ, અમદાવાદની જીદ માથે ચડી ગઈ હતી. ‘કવર’ તો મને પણ મળવાનું હતું. નિર્માતા માટે મારો સ્વાર્થ એટલો જ કે એમની થયેલી કમાણી ઓછી ન થાય.એવું નહોતું કે નાટક અહીં ચાલતું નહોતું,. ધમધોકાર ચાલતું હતું. ‘ગુજરાતી થઈને ગુજરાત તો ઘમરોળવું જોઈએ.’ એવી ડોલરની જીદ. સુભાષ તો નવો હતો. એણે બધું ડોલર ઉપર છોડી દીધું હતું. મારી સાચી વાત માનવા ડોલર તૈયાર નહોતો. અસત્યનું મૂલ્ય જે સમજે છે સમય એને અમૂલ્ય બનાવી દે પણ…
ખેર, છેવટે અમદાવાદનાં શો માટે ‘પરફોર્મિંગ લાઈસન્સ’ની ફરી રજૂઆત કરી તો મારા નામનું માત્ર 10 શો માટેની પરમિશન મળી સાથે આપેલાં બધાં કટ્સ પાળવાનું પણ કહેવામાં આવ્યું. નરહરી જાનીનાં અમુક જેસ્ચર એવા હતા કે સંવાદને થોડા બીભસ્ત બનાવી દેશે એવું લાગતા જાનીને સંયમ રાખવા કહ્યું.
આ પણ વાંચો…જીવી લઈએ એ જ ‘જિંદગી’… વીતે એને ‘વખત’ કહેવાય!
અમદાવાદના પ્રેમાબાઈ હોલમાં બધા શો નક્કી થયા હતા. રોજ એક જ થિયેટરમાં શો સારા જશે કે નહીં એની આશંકા તો હતી. ડોલર તો રાજી રાજી. અન્ય કલાકારો પણ આંશિક રાજી જ હતા. એક સાથે 10-10 કવર મળશે એ આશાએ. 35/- નાં સીલિંન્ગમાં ડોલર કેમ છેડા મેળવશે એ ચિંતા મારા સ્વભાવ મુજબ મને જ હતી. એટલે જ કદાચ હું ‘મા.મા.લ.પા.’ કરવા અમદાવાદ જાઉં છું એ કહી નહોતો શકતો. દિવાળી ક્યાં કરવાનાં છો એ પૂછી શકાય, પણ હોળી ક્યાં કરવાના છો એવું થોડું પૂછાય? મારી હાલત લગભગ એવી જ હતી કે ‘અમદાવાદ કેવું રહેશે? એ કોઈને પૂછી પણ નહોતો શકતો.
10 શો માટે અમદાવાદનું પ્રેમાબાઈ હોલ-ભદ્રકાળી મંદિરની સામે, બુક થઈ ગયું. જે દિવસે પહેલો શો હતો એના આગલા દિવસે મુલુંડમાં શો હતો. સવારની ટ્રેન પકડવાને બદલે મુલુંડમાં શો પતાવી રાતે બસમાં જ અમદાવાદ જવા નીકળી જવું એવું નક્કી થયું. કલાકારોને ‘લગેજ’ સાથે આવવા જણાવી દીધું. મારી ડાયરેક્ટર તરીકે કે ઈમ્તિયાઝની લેખક તરીકે સાથે જવાની કોઈ જરૂર નહોતી. એક તો થોડો ‘હટી’ને વિષય અને ત્યાં સેન્સરબોર્ડનાં અધિકારીઓ નાટકને જોઈ વધુ શો માટે પરમિશન આપવાનાં હતાં એટલે ડોલર અને સુભાષે અમને પણ સાથે આવવા કહ્યું. મેં થોડી આનાકાની કરી પણ ઈમ્તિયાઝનું પહેલું નાટક હતું એટલે એને જવાનો તરવરાટ હોય એ સમજી શકાય. છેવટે ડોલર-ઈમ્તિયાઝની જીદને લઈ મેં પણ જવાનું સ્વીકાર્યું. થયું, પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં એકબીજાનું પગથિયું બનીને ઠેઠ પહોંચાડીએ. વિષય જુદો હતો, સેન્સરબોર્ડનાં અધિકારીઓ આવવાના હતાં. એમનાં સવાલો જુદા હશે અને આ આખી નવોદિત ટીમ સીધા જવાબ આપી શકશે? એમને મુંજારો ન થાય અને કામ હેમખેમ પાર પડે, પડશે કે નહી એ માટે મને પણ શંકા તો હતી અને એ માટે પણ મારે જવું જોઈએ.
મુલુંડનો હાઉસફૂલ શો પૂરો થયો. અમે મોડી રાતે દોઢ વાગે બસમાં અમદાવાદ જવા રવાના થયાં….
હેડ માસ્તર: તમારો છોકરો સ્કૂલમાં બહુ તોફાન કરે છે… સ્કૂલે આવી જાવ
છોકરાનો બાપ: : એ તો ઘરમાં પણ તોફાન કરે છે. અમે કોઈ દિવસ તમને ઘરે બોલાવ્યા?!
આ પણ વાંચો…સાત્વિકમ શિવમઃ કર્મ એવાં કરો કે ફળ ભોગવતાં ‘તક’ મળે, ‘તકલીફ’ નહીં…