કવર સ્ટોરીઃ તુમ હી હો, બસ તુમ હી હો…

હેમા શાસ્ત્રી
વિજય મર્ચન્ટ અને સુનીલ ગાવસકર…એ બંને ભારતીય ક્રિકેટના ઓપનિંગ બેટ્સમેન અને વિશ્વખ્યાતિ મેળવનારા ક્રિકેટર. 1951માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં 154 રનની શાનદાર ઈનિંગ્સ રમ્યા પછી વિજય મર્ચન્ટએ નિવૃત્તિ જાહેર કરતા સોપો પડી ગયો હતો. કેમ? કેમ? કેમ? જેવા સવાલોના ધોધ સામે મિસ્ટર મર્ચન્ટનો જવાબ શાંત વહેતા ખળખળ ઝરણા જેવો હતો: Retire when people ask why, and not why not ક્યારે નિવૃત્ત થાઓ છો એવો સવાલ થાય એના કરતાં કેમ નિવૃત્ત થયા એવી પ્રતિક્રિયા આવે એ નિવૃત્તિનો શ્રેષ્ઠ સમય છે.
ટૂંકમાં કોઈ કાઢી મૂકે એના કરતાં આપમેળે નીકળી જવામાં વધુ સાર છે. 36 વર્ષ પછી સુનીલ ગાવસકરે પાકિસ્તાન વિરુદ્ધની ટેસ્ટમાં કાતિલ પીચ પર 96 રનની અફલાતૂન ઈનિંગ્સ રમી ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. અસ્સલ વિજય મર્ચન્ટ સ્ટાઈલમાં. કોઈ ‘આવજો’ કહે એ પહેલા જાતે ‘આવજો’ કહીને નીકળી જવું એ ઉત્તમ લક્ષણ છે.
આ અઠવાડિયે હિન્દી ફિલ્મ સંગીતમાં પણ આવી જ એક ઘટના બની. એક આખો દસકો હિન્દી ફિલ્મ સંગીતમાં ગજાવ્યા પછી અચાનક નિવૃત્તિની જાહેરાત કરતા અરિજિત સિંહના અગણિત ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે – ચોંકી ગયા છે. નિવૃત્તિનું કારણ?
સિંગરએ સ્પષ્ટતા કરી છે કે ‘આ નિર્ણય પાછળ કોઈ એક કારણ જવાબદાર નથી. એકથી વધુ કારણ છે અને સાચું કહું તો લાંબા સમયથી હું ‘આવજો’ કહેવાનું વિચારી રહ્યો હતો અને આખરે મારામાં એ હિંમત આવી છે. એક મહત્ત્વનું કારણ એ છે કે હું બહુ જલદી કંટાળી જાઉં છું એટલે જ મારાં ગીતો સ્ટેજ પર જુદી જુદી રીતે રજૂ કરતો હોઉં છું. ટૂંકમાં હું કંટાળી ગયો છું. મારે હવે નોખું સંગીત વગાડી આગળ વધવું છે.’ અરિજિત સિંહની આ વાત વ્યવહારુ નહીં લાગે, પણ વાતમાં દમ જરૂર છે.
સંગીતકાર એ. આર. રેહમાનની ડિમાન્ડ ઘટવાનું એક કારણ એમની શૈલીના સંગીતથી લોકો ધરાઈ ગયા હોય એ દલીલમાં વજન છે એમ પોતાના સંગીતથી રસિકો ધરાઈ જાય એ પહેલા પોતે જ કંટાળી જવું એ અરિજિત સિંહના કારણમાં પણ વજૂદ છે. કલાકાર હંમેશાં નાવીન્ય ઝંખતો હોય છે. કલાકારની એ જ સાચી ઓળખ છે. કારકિર્દીના એવરેસ્ટ પર બિરાજમાન હોય ત્યારે વ્યક્તિગત કારણસર અથવા પોતાની વિરાસત જાળવી રાખવા નિવૃત્તિ જાહેર કરી હોય કે છેડો ફાડી નાખ્યો હોય કે પ્રસિદ્ધિથી જાતને સંકોરી લીધી હોય એવા અનન્ય ઉદાહરણ ઈતિહાસના ચોપડે જમા છે.
વેસ્ટર્ન મ્યુઝિકના શોખીનો The Beatles, ABBA જેવા મ્યુઝિક બેન્ડના નામથી પરિચિત હશે. જોન લેનન, પોલ મેકાર્ટની અને જ્યોર્જ હેરિસન જેવા સિદ્ધહસ્ત મ્યુઝિશિયન્સ ધરાવતા ઈંગ્લિશ રોક બેન્ડ બીટલ્સ ગ્રુપ 1960ના દાયકામાં વિશ્વ સમસ્તમાં છવાઈ ગયું હતું. 1970માં કરિયરનું સર્વોત્તમ આલબમ Abbey Road રિલીઝ થયા પછી અંગત કારણસર બીટલ્સ વેરવિખેર થઈ ગયું. 1972માં અસ્તિત્વમાં આવેલું સ્વીડિશ પોપ ગ્રુપ ‘આબા’ પણ ડિસ્કો મ્યુઝિકમાં દસકો ગજાવ્યા પછી અંગત સમસ્યાઓને કારણે છિન્નભિન્ન થઈ ગયું હતું. દરેકનાં આગવાં કારણો છે, પણ એવરેસ્ટ પર વાવટો લહેરાતો હોય ત્યારે લીલા સંકેલી લેવાની વાતનું સામ્ય છે.
અરિજિત સિંહે અનેક કારણો આપ્યા છે જેની છણાવટ કરવા બેસીએ તો એક લેખમાળા કરવી પડે. અહીં એ આશય નથી અને કલાભિમુખ કારણને પ્રાધાન્ય આપવું છે. નિવૃત્તિ માટેના ખુલાસામાં અરિજિતે જે વાતો કરી છે એમાં એક વાત એમ પણ છે કે એ ભારતીય શાીય સંગીત પર વધુ ધ્યાન આપવા માગે છે, સ્વતંત્ર પ્રોજેક્ટ્સ પર કામ કરવા માગે છે (મતલબ કે કોઈની આડખીલી વિના મનભાવન કામ કરવું છે) અને પોતાને પ્રિય છે, વહાલું છે એ દિશામાં આગળ વધવું છે.
આ વાત સારી અને સાચી છે અને જો એમાં એને ધારી સફળતા મળશે તો ખોવાઈ ગયેલો 1960નો સંગીતનો સુવર્ણ દાયકો ફરી આપણી સમક્ષ હાજર થઈ શકે છે. ‘ધુરંધર’ના સંગીતમાં (ના તો કારવાં કી તલાશ હૈ) એનું વધુ એક ટ્રેલર આપણે માણી ચુક્યા છીએ. વીસમી સદીના છેલ્લા દાયકામાં જેની શરૂઆત થઈ એકવીસમી સદીમાં વેગ આવ્યો એ બીટ્સના-તારસ્વરના પ્રભુત્વવાળા સંગીતમાં ઘણા નવા ગાયકો સંગીત ક્ષિતિજ પર ઊભરી આવ્યા. એનો પ્રમુખ શ્રેય સંગીતકાર રેહમાનને જાય છે.
જુબિન નૌટિયાલ, કુણાલ ગાંજાવાલા, મોહિત ચૌહાણ, અંકિત તિવારી, રાહુલ વૈદ્ય અને બીજા પણ છે જેમાં શિરમોર ગણાયો છે અરિજિત સિંહ. એક વાત ખાસ નોંધવી રહી કે મોટાભાગના નવા દમદાર પુરુષ ગાયકોની ઝળહળતી કારકિર્દીનો સમયકાળ બે ચાર કે પાંચ વર્ષ પૂરતો સીમિત હતો જ્યારે અરિજિત સિંહનો સિતારો 2011માં ‘મર્ડર’ના ‘દિલ સંભલ જા જરા, ફિર મોહબ્બત કરને ચલા’થી લઈને ‘ધુરંધર’ના ‘તૂ અગર મેરી, યે હવાએં તેરી, તૂ અગર મેરી, સારી રાહેં તેરી’ સુધી તેજસ્વીપણે ઝળહળતો રહ્યો છે. સાત કરોડનો સવાલ એ છે કે અરિજિત અન્ય ગાયકોથી કઈ રીતે નોખો તરી આવે છે?
આમ જોવા જાવ તો જેન ઝીને અરિજિત સિંહની ઓળખાણ થઈ ‘મર્ડર’ના ગીતથી એ ખરું પણ પ્લેલિસ્ટનું એ અવિભાજ્ય અંગ બન્યો બે વર્ષ પછી. એકવીસમી સદીના બીજા દાયકામાં સામ્રાજ્ય સોનુ નિગમનું હતું. ફિલ્મ ગીતો હોય કે પ્રાઈવેટ આલબમ સોનુના નામના સિક્કા જ ખણખણતા હતા. 2013માં અચાનક એક ગીત આવ્યું અને બધા કાન-મુખ્યત્વે યંગસ્ટર્સના કાન સરવા થયા.
‘સૈયારા’ વાળા મોહિત સુરીની ફિલ્મ ‘આશિકી 2’ રિલીઝ થઈ હતી. એના ગીત ‘કયુંકી તુમ હી હો, અબ તુમ હી હો, મેરી ઝિંદગી અબ તુમ હી હો, ચૈન ભી, મેરા દર્દ ભી, મેરી આશિકી અબ તુમ હી હો’ને યુવાનોને ઘેલું લગાડ્યું હતું. ગીતનો ગાયક હતો અરિજિત સિંહ અને આ ગીત પછી ગાયક જેન ઝીના દિલની ધડકન બની ગયો. એ. આર. રેહમાનથી શંકર – એહસાન – લોય સહિતના પ્રમુખ સંગીતકારોનો પ્રિય ગાયક બની ગયો અને તેમના સ્વરાંકનમાં અરિજિતનો સમાવેશ સતત જોવા મળ્યો.
મોડર્ન સંગીતના અભ્યાસુઓએ અરિજિતની સફળતા માટે આપેલાં કારણોમાં સખત મહેનત, યોગ્ય માર્ગદર્શન, ગાયકીમાં સાતત્ય, જોખમ લેવાની તૈયારી અને સતત કશુંક નોખું કરવાની કોશિશને કારણે ઘેર ઘેર એનું નામ ગુંજતું થયું છે. એની ગાયકીની લાક્ષણિકતાઓમાં એનો ટોન – એના અવાજમાં એવું ગજબનાક વૈવિધ્ય છે કે દરેક શૈલીના (રોમેન્ટિક, સેડ, ગઝલ, કવ્વાલી, ક્લબ સોન્ગ, પંજાબી લોક સંગીત અને ભારતીય શાીય સંગીત સુધ્ધાં) ગીતોમાં એ ખીલી ઊઠે છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે તેણે વીસેક વર્ષ હિન્દુસ્તાની શાીય સંગીતમાં તાલીમ લીધી છે, જેને કારણે ગાયકીની પાયાની જરૂરિયાતમાં એનું ગજબનું કૌશલ છે. છોગામાં એ સારો તબલા વાદક હોવા ઉપરાંત ગિટાર અને પિયાનો વગાડી જાણે છે. સંગીત સ્વરબદ્ધ કરતા પણ આવડે છે. શાહરુખની ‘દિલવાલે’ના લોકપ્રિય ગીત ‘ગેરુઆ’ ગાવા ઉપરાંત એની મ્યુઝિક એરેન્જમેન્ટ પણ અરિજિતની જ છે. આ આવડતો એની ગાયકીને વધુ સંગીન બનાવે છે.
કોણે કેટલો સમય સક્રિય રહેવું અને ક્યારે લીલા સંકેલી લેવી એ અંગત બાબત છે, પણ અરિજિત સિંહને એટલું જરૂર કહેવું જોઈએ કે… અરિજિત, અલાયદી ગાયકી માટે થેન્ક યુ વેરી મચ. હિન્દી ફિલ્મ સંગીતમાં તારી ખોટ સાલશે, પણ નવી ઈનિંગ્સમાં ઈચ્છિત ફળ મળે એવી શુભેચ્છા.



