ફિલ્મનામા-જન્નત જોવું હોય તો જાતે જ મરવું પડે, બરખુરદાર…!

-નરેશ શાહ
પિતા અનજાન અને પુત્ર સમીર
હઠ લઈને આવેલાં પુત્ર સમીરને પિતા ગીતકાર અનજાને આ સલાહ આપેલી!
બનારસની સાઈઠ-સિત્તેરના દશકાની એક લાઈફસ્ટાઈલ ખબર છે? જમ્યાં પછી એકાદ ગ્લાસ ભાંગ પીવાની અને પછી ગલોફાંમાં બનારસી પાન ઠઠાડવાનું. બનારસના લાલજી પાંડે આ લાઈફ જીવેલાં અને એટલે જ 1975માં આવેલી ‘ડોન’ ફિલ્મમાં એમણે ગીતનું મૂખડું બાંધ્યું:
‘ભંગ કા રંગ જમા હો ચકાચક, ફિર લો પાન ચબાવ, ઐસા ઝટકા, લગે હૈ જીયા પે, પુર્નજન્મ હોઈ જાએ…’
યસ, આ લાલજી પાંડે એટલે આપણા ગીતકાર અનજાન. દરઅસલ બનારસી પાનવાળું ગીત એમણે દેવસાહેબની ફિલ્મ ‘બનારસી બાબુ’ માટે લખેલું, જે પછીથી ‘ડોન’ ફિલ્મમાં વપરાયું.
આ અનજાનસાહેબ એટલે ‘આશિકી’ સહિતની ફિલ્મોનાં સુપરહિટ ગીત લખનારા ગીતકાર સમીરના પિતા. બનાસરમાં જન્મીને સમીર મોટા થતા હતા ત્યારે અનજાનસાહેબ મુંબઈમાં ગીતકાર બનવા માટે સ્ટ્રગલ કરતા હતા.
1960માં આવેલી ‘જાલીનોટ’થી અનજાનસાહેબની ગીતકાર તરીકેની કારકિર્દી શરૂ થઈ અને એ પછી એમણે બસ્સો જેટલી હિન્દી ફિલ્મોનાં ગીતો લખ્યાં, જેમાં વચ્ચે વચ્ચે ‘યાદગાર’ (1971) જેવાં સુપરહિટ ગીતોવાળી ફિલ્મો આવતી રહી, પરંતુ સચ્ચાઈ એ છે કે અનેક સફળ ગીતો આપનારા અંજાનસાહેબે 1997માં છાંસઠ વરસની વયે વિદાય લીધી ત્યાં સુધીમાં એમને એકેય ગીત માટે ‘ફિલ્મફેર’ એવોર્ડ મળ્યો નહોતો.
આપણ વાંચો: વધુ એક બોલ્ડ એક્ટ્રેસ આવી કોરોનાની ઝપેટમાં, માતાને પણ લાગ્યો ચેપ
એવોર્ડથી વંચિત રહ્યાનો (રાખી દેવાયાનો) આ ચચરાટ એમણે 1991ના ફિલ્મફેર એવોર્ડના ફંક્શનમાં જ ખુલ્લેઆમ વ્યક્ત કર્યો હતો. એ સમયે અનજાનસાહેબ દીકરા સમીરને ‘આશિકી’ ફિલ્મ માટે મળેલો એવોર્ડ લેવા એ પુત્રના જ આગ્રહથી સાથે આવ્યા હતા!
જોકે પોતાનો પુત્ર ફિલ્મોનો ગીતકાર બને એવું અનજાનસાહેબ ઈચ્છતાં નહોતા, પરંતુ બનારસમાં રહીને ગીતો- કવિતાઓ લખવા લાગેલા નાના પુત્ર સમીરને સિનેમાનાં ગીતો લખવાનું ઘેલું લાગેલું હતું.
આ આકર્ષકનું મુખ્ય કારણ તો એ જ હતું કે ફિલ્મો ગીતો લખવાના કારણે જાણીતા બની ગયેલા અનજાનસાહેબ માટેનો આદર બનારસના ચોરે ને ચૌટે પથરાઈ ગયો હતો. આ કારણે પુત્ર સમીરને પણ મુંબઈ અને ફિલ્મો પ્રત્યે લગાવ થઈ ગયો હતો એટલે બેન્કે સામેથી આપેલી નોકરી સાત જ દિવસમાં છોડીને સમીર મુંબઈ આવી ગયા. એ વખતે એમની પાસે માએ આપેલા પાંચસો રૂપિયા હતા. રહેવા માટે મલાડના માલવણી વિસ્તારમાં ફૂઆ-ફૈબાનું ઘર હતું.
આપણ વાંચો: કાનમાં જાહ્નવી કપૂર વેટ લૂકને કારણે છવાઈ ગઈ, જોઈ લો તસવીરો
બહુ જલ્દી ગળે ઉતરે તેવી વાત નથી પણ સમીર ખુદ કહી ચૂક્યા છે એટલે સ્વીકારવું રહ્યું કે, પ્રથમ એક વરસ મુંબઈમાં જ રહેતા અનજાનસાહેબને કોઈએ જણાવ્યું જ નહોતું કે પુત્ર સમીર પણ મુંબઈમાં જ રહીને ગીતો લખવા માટેનો સંઘર્ષ કરી રહ્યો છે… તરત તો ફિલ્મોમાં લખવા ન મળે એટલે સમીરે ફિલ્મ પત્રકારત્વ (માધુરી સામયિક માટે) કર્યું, રેડિયો પર કામ કર્યું, સંગીતકાર શ્યામ સુંદરે એમનાં લખેલાં ગીતોની બુક વાંચીને ફેંકી દીધી.
એને લઈને એ જ સંગીતકારે ભોજપુરી ફિલ્મ માટેનું ગીત પણ સમીર પાસે લખાવ્યું. દરમિયાન એકાદ વરસ પછી અનજાનસાહેબને ખબર પડી કે સુપુત્ર (જાણ બહાર જ) મુંબઈમાં છે એટલે બનેવીને ફોન કરીને ખખડાવ્યા અને પુત્રને રૂબરૂ મળવા બોલાવ્યો. એક હોટેલમાં પિતા-પુત્ર મળ્યાં. એ સમયે ફૂઆ પણ સાથે હતા. ઔપચારિક વાતની બદલે અનજાનસાહેબે પુત્રને લાગલું પૂછી લીધું:
‘કદી પ્રેમ થયો છે તને?’
સમીરે પણ બેધડક હા પાડી. અંજાનસાહેબે ફરી પૂછ્યું:
‘શું વિચારીને પ્રેમ કરેલો?’
‘પ્રેમ વિચારીને થતો નથી…’ એવો પુત્રનો જવાબ સાંભળ્યા પછી અનજાનસાહેબે પુત્ર સમીર સમક્ષ ત્રણ વાત મૂકી.
‘એક, આ ફિલ્મલાઈનમાં એક જ વસ્તુ સ્થાયી છે અને એ છે સ્ટ્રગલ. પહેલા સફળ થવાની સ્ટ્રગલ. એ પછી સફળતા ટકાવી રાખવાની સ્ટ્રગલ. બાકી તારે પૈસા કે બીજી કોઈ હેલ્પની જરૂર હોય તો તું ગમે ત્યારે કહી શકે છે, પરંતુ ક્યારેય ગીતનો મુખડો કે અંતરો પણ લખી આપવાની વાત કરીશ તો આપણા સંબંધ ત્યાં જ પૂરા થઈ જશે.. – અને ત્રણ. મારી પાસેથી એવી અપેક્ષા ક્યારેય રાખતો નહીં કે, હું કોઈ નિર્માતા-નિર્દેશક કે સંગીતકારને તારા નામની ભલામણ કરું.
હું બહુ સમજી વિચારીને તને કહું છું કે તારે જન્નત જોવું હોય તો તારે જ મરવું પડશે! આ ફિલ્મલાઈન બહુ અનોખી છે એ બહારથી અને અંદરથી જુદી છે. તેના પોતાના દાવપેચ અને ટાંટિયાખેંચ છે. આ તારે સમજવા પડશે અને કદાચ, શીખવા પણ પડશે..’
રસપ્રદ વાત તો એ છે કે પિતાની આ શિખામણ સાંભળ્યા પછી (પિતાએ પોતાના ઘેર આવવાનું કહેલું છતાં) સમીર પોતે લીધેલી ભાડાંની ઓરડીમાં રહેવા ચાલ્યા ગયા હતા.
જો કે એ પછી અનજાનસાહેબ બીમાર પડીને નાણાવટી હોસ્પિટલમાં દોઢેક મહિનો રહ્યા. અશક્ત થઈ ગયા હતા ત્યાર સમીર પિતા સાથે રહેવા ગયા હતા. એ વખતે બનારસથી એમનાં માતા અને ભાઈ-બહેન પણ મુંબઈ આવી ગયા હતા. જો કે સમીર પિતા કરતાં સવાયા ગીતકાર બન્યાં, તેની કથા જુદી છે. એ વિશે ચર્ચા કરીશું ક્યારેક….