અમિતજી- ઋષિ કપૂર- દાઉદ ઈબ્રાહિમ ત્રણ અજબ કિસ્સાનું ગજબ કોકટેલ
ફિલ્મનામા -નરેશ શાહ
અમિતાભ બચ્ચને થોડા સમય અગાઉ કરેલી એક ટ્વિટે ફિલ્મલાઈનમાં ખાસ્સા તરંગો સજર્યા હતા. એમણે લખેલું : પ્લીઝ, લાગતા-વળગતા લોકો સમજે અને પ્લીઝ , ‘શૂ બાઈટ’ ફિલ્મને રિલીઝ કરે.. ક્રિએટિવિટીનું ગળું ન ટૂંપો !
આ ‘શૂ બાઈટ’ ફિલ્મ અમિતાભજીની ફિલ્મ છે. એમાં સારિકા, જીમી શેરગીલ, નવાઝુીન સિદ્દીકી પણ છે ‘વિકી ડોનર’ અને ‘પીકુ’ જેવી નક્કર ફિલ્મ આપનારા સુજીત સરકાર ‘શૂ બાઈટ’ના ડિરેકટર છે. અમિતાભ બચ્ચનની ટ્વિટ પછી સુજીત સરકારે પણ ‘શૂ બાઈટ’ રિલીઝ કરવા પોતાના ઘરબાર વેચી નાખવાની સરેઆમ જાહેરાત પણ કરી , પણ…
આ ફિલ્મ ‘પર્સેપ્ટ પિકચર’, ‘યુટીવી’ અને ‘ડિઝની’ વચ્ચે કાયદાકીય રીતે એવી ગૂંચવાણી છે કે કોકડું ઉકેલાતું નથી. હકીકતમાં તો સુજીત સરકારે ‘પર્સેપ્ટ પિકચર’ સાથે ‘જોની વોકર’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ વાત શરૂઆતમાં જ ભાંગી પડી. એ ફિલ્મ મનોજ શ્યામ નાઈટલનની વાર્તા ‘લેબર ઓફ લવ’ પર આધારિત હતી. સાઈઠ વરસની ઉંમરે જિંદગીનો મક્સદ શોધવા નીકળી પડતાં બુઝૂર્ગની કહાણી કહેતી ‘જોની વોકર’ પછી સુજીત સરકારે ‘શૂ બાઈટ’ નામથી બનાવી. બચ્ચનદાદાએ તેમાં લીડ રોલ
ર્ક્યો.
પણ પછી ત્રણેય પ્રોડકશન હાઉસ કોર્ટ ચડયા અને ર૦૧રમાં બનીને તૈયાર થયેલી ‘શૂ બાઈટ’ હજુ ડબ્બામાં પડી છે અને બાર વરસ પછી પણ બધાને ડંખી રહી છે. જાહેરાત કે મુહૂત કે બે-ચાર રીલ પછી અટકી ગઈ હોય એવી અમિતાભ બચ્ચનની બે ડઝનથી વધુ ફિલ્મ છે , પરંતુ આખી શૂટ થઈ ગયા પછી પણ સ્ક્રિન સુધી પણ પહોંચી શકનારી બીગ બીની આ એક માત્ર ફિલ્મ છે.
‘આનંદ’ ફિલ્મની વાર્તા ઋષિકેશ મુખરજીએ રાજકપૂરને ધ્યાનમાં રાખીને લખેલી, પણ એ ફિલ્મનું ફલોર પર જવાનું ચોઘડિયું આવ્યું ત્યારે હીરો તરીકે મહેમૂદને લેવાની ઋષિદાની ઈચ્છા હતી. ‘તીસરી ક્સમ’ ફિલ્મમાં પણ પહેલાં હીરામન ગાડીવાળા તરીકે મહેમુદને પસંદ કરવામાં આવ્યા હતા. જો કે, એ પછી તીસરી ક્સમ’ રાજકપૂર સાથે અને ‘આનંદ’ રાજેશ ખન્ના સાથે બની એ જ રીતે રાજકપૂર ‘સત્યમ શિવમ સુંદરમ’ ફિલ્મમાં અભિનેત્રી તરીકે લતા મંગેશકરને લેવા માગતા હતા, પણ લતાતાઈએ ના પાડી પછી ઝિન્નીબેબી (ઝિન્નત અમાન) હિરોઈન તરીકે સિલેકટ થયા, પણ સચ્ચાઈ એ છે કે ઝિન્નત અમાન સામે હીરો તરીકે રાજસાબ રાજેશ ખન્નાને જ લેવા માંગતા હતા. ખબર નહીં કેમ, આખું કપૂર ખાનદાન ઈચ્છતું હતું કે ‘સત્યમ શિવમ સુંદરમ’માં લીડ હીરો તરીકે રાજેશ ખન્ના ન જ ચાલે. આવો ઢ વિચાર ઋષિકપૂરનો પણ હતો.
આખરે રાજજી ઝૂક્યા ને ફિલ્મમાં હીરો તરીકે એમણે સદા અતિ વ્યસ્ત રહેતા નાનાભાઈ શશી કપૂર (જેમને પોતે ટેક્સી જ કહેતાં) ને પસંદ ર્ક્યા.
‘કાકા’ રાજેશનું પતું સત્યમ શિવમ સુંદરમ માં કાપવામાં પોતે નિમિત્ત હતા એ વાત ઋષિએ ખુદ વરસો પછી આ ‘અબ લૌટ ચલે’ ફિલ્મના સેટ પર રાજેશ ખન્નાને કરેલી. ઋષિની એ ફિલ્મમાં રાજેશ ચરિત્ર અભિનેતા તરીકે કામ કરતા હતા.
આ પણ એક કમાલનો જોગ-સંજોગ છે. ઋષિ કપૂરે ‘રંગીલા રતન’ નામની ફિલ્મ કરેલી, મટકા કિંગ રતન ખત્રીએ જ આ ફિલ્મનું નિર્માણ ર્ક્યું હતું. એ ફિલ્મનું શૂટિંગ આર.કે. સ્ટૂડિયોમાં ચાલતું હતું ત્યારે એક-બે વખત રતન ખત્રીએ મટકાનો આંકડો પીઢ અભિનેતા અશોકકુમાર પાસે ખોલાવ્યો હતો. આ રતન ખત્રી ઉપરાંત ઋષિ કપૂર એક ડોનને પણ મળ્યા હતા અને ઓળખતા હતા. એ ડોનનું નામ : દાઉદ ઈબ્રાહિમ઼
એ ૧૯૮૮ નું વરસ હતું. દુબઈમાં આયોજિત આશા ભોંસલે – આર.ડી. બર્મન નાઈટ માટે બિટ્ટુ આનંદ (દિગ્દર્શક ટીનુ આનંદના ભાઈ) સાથે ઋષિ દુબઈ જવા નીકળ્યા ત્યારે એરપોર્ટ પર જ એક અજાણી વ્યક્તિએ એમને ફોન પકડાવી દીધો. સામે છેડે દાઉદ ઈબ્રાહિમ હતો. દાઉદે બડા પ્રેમથી ઋષિનું દુબઈ આવવા માટે સ્વાગત કરીને (ફોનમાં જ) કહેલું કે, કોઈ પણ ચીજની જરૂર હોય તો મને જણાવી દેજો….
દુબઈમાં દાઉદે ઋષિ કપૂરને પોતાના ઘરે પણ આમંત્ર્યા હતા અને રોલ્સ રોયસ કાર લેવા માટે મોકલી હતી. એ કારમાં દાઉદના માણસો કચ્છી ભાષામાં વાત કરતા હતા, જે
બિટ્ટુ આનંદ સમજતા હતા. એ લોકો આપસમાં વાત કરતા હતા કે દાઉદના ઘરે આ લોકોને ફેરવી ફેરવીને (જેથી પાકું સ્થળ સમજમાં ન આવે ) લઈ જવાના છે.
એ પછી ચાય-બિસ્કીટ સાથે વાતો કરતાં ચાર કલાક સુધી એ લોકો સાથે બેઠા હતા દાઉદે ‘તવાયફ’ ફિલ્મના રોલ માટે ઋષિની પ્રશંસા
પણ કરી. એ પછી દુબઈમાં જ દાઉદ સાથે ઋષિની બીજી મુલાકત રેડ-શૂ કંપનીના શો રૂમમાં થઈ હતી. દાઉદ પણ શોપિંગ કરવા આવ્યો હતો.
એના હાથમાં મોબાઈલ ફોન (૧૯૮૮માં) હતો. સાથે દશ બોડીગાર્ડ
હતા.
‘મનગમતી શૂની જોડી મારી તરફથી..’ ખરીદવાનો આગ્રહ પણ એ વખતે દાઉદ ઈબ્રાહિમે કરેલો, પણ ઋષિએ પોતાના પૈસે જ જૂતાં ખરીદેલા. એ વખતે દાઉદે સામેથી ઋષિને પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો
હતો…
સંયોગ તો એ પણ કેવો કે, ર૦૧૩માં આવેલી ‘ડી-ડે ’ નામની ફિલ્મમાં ઋષિએ દાઉદ ઈબ્રાહિમનો જ રોલ ભજવ્યો હતો, અને એ પણ એની રૂબરૂ મળ્યાના પચ્ચીસ વરસ પછી…..!