‘ઑલ વી ઇમેજીન એઝ લાઇટ’ને મળ્યાં બે ગ્લોબલ નોમિનેશન
ગોલ્ડન ગ્લોબ્સમાં નોમિનેશન મેળવનાર પહેલી ભારતીય ડિરેક્ટર બની પાયલ કાપડિયા

ફોકસ -રશ્મિ શુક્લ
દેશ-વિદેશમાં ખૂબ પ્રસિદ્ધ થયેલી ફિલ્મ ‘ઑલ વી ઇમેજીન એઝ લાઇટ’ ફરી એક વખત ચર્ચામાં આવી છે. પાયલ કાપડિયાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મે આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દેશનું નામ ઉજાળ્યું હતું. એ ફેસ્ટિવલમાં ફિલ્મને ગ્રેન્ડ પ્રિ અવૉર્ડ મળ્યો હતો. હવે ફરી એક વખત તેની ફિલ્મને ગોલ્ડન ગ્લોબ્સ અવૉર્ડ્સમાં નોમિનેશન મળ્યું છે. એ પણ બે કૅટેગરીમાં. પહેલી વખત એવું બન્યું છે કે કોઈ ભારતીય ડિરેક્ટરને નોમિનેશન મળ્યું હોય. એથી સ્વાભાવિક છે કે પાયલની ખુશીની કોઈ સીમા નથી રહી. ૮૨મા ગોલ્ડન ગ્લોબ અવૉર્ડનું આયોજન ૨૦૨૫ની પાચમી જાન્યુઆરીએ થવાનું છે. પાયલ કાપડિયાને ‘ઑલ વી ઇમેજીન એઝ લાઇટ’ માટે બેસ્ટ ડિરેક્ટર અને બીજું નોન ઇંગ્લિશમાં બેસ્ટ મોશન પિક્ચર માટે નોમિનેશન મળ્યું છે.
ફિલ્મની સ્ટોરી એક નર્સની છે, જે ઘણાં સમયથી પતિથી અલગ રહેતી હોય છે. અચાનક તેને પતિએ આપેલી એક ગિફ્ટ મળે છે અને ત્યારથી જ તેની લાઇફમાં ઊથલપાથલ મચી જાય છે અને તેની લાઇફ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે.
Also Read – ફોકસઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિનેમામાં લાવશે બદલાવ
ગોલ્ડન ગ્લોબ્સ અવૉર્ડ્સને હૉલિવૂડ ફોરેન પ્રેસ ઍસોસિયેેશન દ્વારા આયોજિત કરવામાં આવે છે. પોતાની ફિલ્મને મળેલા નોમિનેશન પર ખુશી વ્યક્ત કરતાં પાયલે કહ્યું, ‘આ નોમિનેશનથી હું અતિશય સન્માનિત અનુભવી રહી છું. એના માટે હું આભારી છું. આ ફિલ્મ પર કામ કરનારા તમામની મહેનતને સેલિબ્રેટ કરવાની ક્ષણ છે. આ ફિલ્મ હજી પણ ભારતના થિયેટરમાં ચાલી રહી છે. પ્લીઝ એને જરૂર જુઓ અને ફિલ્મને સપોર્ટ કરો.’