
- સિદ્ધાર્થ છાયા
હાલમાં અક્ષય કુમાર લંડન વેકેશન ગાળી રહ્યો છે. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની લોર્ડ્સ ખાતેની ટેસ્ટમાં પણ અક્ષય દર્શકો વચ્ચે જોવા મળ્યો હતો. અક્ષય પોતાની ફિટનેસને લઈને બહુ જાગૃત છે. એટલે લંડન વેકેશન દરમિયાન પણ એ સવારે જોગીંગ માટે લંડનની ગલીઓમાં નીકળી પડ્યો હતો.
હવે અક્ષયના ફેન્સ તો ચારેકોર હોય જ એ સ્વાભાવિક છે. એમાંથી એક ફેને એને જોગીંગ વખતે સેલ્ફી માટે વિનંતી કરી.
અક્ષયે તરત એની વિનંતી સ્વીકારી ને સેલ્ફી લેવા દીધી, પછી પણ પેલો ફેન એની પાછળ પડી ગયો. આ ફેન એના ટૂ વ્હિલર પર અક્ષયનો પીછો કરવા લાગ્યો અને સતત એનો વીડિયો ઉતારવા લાગ્યો.
થોડો સમય તો અક્ષયે પેલાને ઇગ્નોર કર્યો, પરંતુ પછી એનાથી રહેવાયું નહીં. અક્ષય પેલા પાસે ગયો અને પોતાનો વીડિયો ઉતારવાની ના પાડી. બસ, અક્ષયનો આટલો કડક ભાષામાં ના પાડતો વીડિયો કટ થઈને સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ ગયો. પછી તો સોશિયલ મીડિયામાં લોકો અક્ષયની આકરામાં આકરા શબ્દોમાં ટીકા કરવા લાગ્યા.
છેવટે અક્ષયના અન્ય કોઈ ફેને આખો વીડિયો વહેતો કર્યો ત્યારે ખબર પડી કે વાંક અક્ષયનો નહીં, પરંતુ એના પેલા ફેનનો હતો. આમ અક્ષયને લંડનમાં માનસિક ત્રાસ પણ થયો અને સોશિયલ મીડિયામાં નાહકની બદનામી પણ મળી.
આનંદ રાય ‘ઈરોસ’ પર કેમ ભડક્યા?
2013ની પાથ બ્રેકિંગ ફિલ્મ ‘રાંઝણા’ના પ્રોડ્યુસર ‘ઈરોસ’ કંપનીએ હમણા એક એવો નિર્ણય લીધો કે જેને લીધે ચોમેર વિવાદ ફેલાઈ ગયો છે. ‘ઈરોસ’ હવે આ ફિલ્મને AIના ઉપયોગ દ્વારા ફરીથી રિલીઝ કરવા માગે છે. આ સમાચાર સાંભળીને ફિલ્મના ડાયરેક્ટર આનંદ એલ રાય રોષે ભરાઈ ગયા છે. આટલું ઓછું હોય એમ રાયે પોતાની જાતને ‘આ નવા પ્રકારની રિલીઝ સાથે પોતાને કશું લાગે-વળગે નહીં’ એવું જાહેર પણ કર્યું…
રાયના કહેવા અનુસાર ‘ઈરોસ’ આમ આ પ્રકારના AI દ્વારા રિ-રિલીઝથી એક ખતરનાક ટ્રેન્ડ શરૂ કરી રહ્યું છે…આનંદ રાયનું કહેવું છે કે ‘ઈરોસ’નો નિર્ણય એકતરફી છે. આવો આ નિર્ણય લીધાં અગાઉ ન તો રાય સાથે કે ફિલ્મના કલાકારો જેવા કે ધનુષ અને સોનમ કપૂર સાથે કોઈ ચર્ચા કરી છે. ઉપરાંત હોલિવૂડમાં પણ ફિલ્મ બનાવવા માટે AIના ઉપયોગ સામે લાંબી હડતાળ થઇ ચૂકી છે.
રાયનો ગુસ્સો ફક્ત અહીં જ અટકતો નથી. એ કહે છે કે પોતાની સાથે ચર્ચા કર્યા વગર આ નિર્ણય લઈને ‘ઈરોસે’ એમનો વિશ્વાસનો પણ ભંગ કર્યો છે.
બીજી તરફ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં તો ઓલરેડી AIના સંપૂર્ણ ઉપયોગ સાથે ફિલ્મ બનાવવાની જાહેરાત પણ થઇ ગઈ છે.!
આનંદ રાયના રોષ પછી ‘ઈરોસે’ સાવ મૌન જ ધારણ કરી લીધું છે.
તલપડે તકલીફમાં…
શ્રેયસ તલપડેની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ પાઠવ્યો છે. તલપડે વિરુદ્ધ હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં એક નાણાંકીય સ્કેમને લઈને વિવિધ કેસ ચાલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ સાથે તમામ કેસ લખનઉની કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો પણ હુકમ કર્યો છે.
આપણ વાંચો: ‘સૈયારા’ માટે ‘યશરાજે’ અજમાવી આમિરની ટ્રીક…
વાત એવી છે કે ઉપરોક્ત ત્રણ રાજ્યોનાં નાના ગામડાંઓમાં શ્રેયસ તલપડે અને બીજા 14 લોકો વિરુદ્ધ સ્કેમ કરવા માટે ફરિયાદ થઇ છે. આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે જમ્મુ અને કાશ્મીરની પોલીસે આ વર્ષના માર્ચ મહિનામાં આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધી. આ લોકોએ એક કોઓપરેટીવ સોસાયટી લિમિટેડ નામની કંપની સ્થાપીને ગામડાના લોકોને ઓછા રોકાણ સામે મોટું વળતર આપવાની સ્કીમ ચલાવી રહ્યા હોવાનો આરોપ છે.
આ સ્કેમમાં શ્રેયસ તલપડેના રોલ વિશે કોઈ સ્પષ્ટતા નથી, પણ છેલ્લા એક દાયકાથી આ સ્કેમ ચાલી રહ્યું હતું. હવે શ્રેયસ તલપડેની ધરપકડ થશે કે તેના જામીન લંબાશે એ તો ઉત્તર પ્રદેશની કોર્ટ જ નક્કી કરશે.
કટ એન્ડ ઓકે…
શેખર કપૂર એમની યાદગાર ફિલ્મ ‘માસૂમ’નો બીજો ભાગ બનાવશે અને આ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હશે જાણીતા નિર્માતા-દિગ્દર્શક સુધીર મિશ્રા.