સિક્વલમ્ શરણમ્ ગચ્છામિ…
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
વાત દીવા જેવી સ્પષ્ટ છે. ચાર વર્ષ પહેલાં કારકિર્દીની ૧૦૦મી ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’ (૨૦૨૦)ને બૉક્સ ઑફિસ પર સારી સફળતા મળ્યા પછી ‘સિંઘમ અગેન’ (૨૦૨૪) સુધીમાં અજય દેવગનની ૧૫ ફિલ્મ રિલીઝ થઈ છે.
એમાંથી સાત ફિલ્મે નિર્માતાને નુકસાનના ખાડામાં નથી ઉતાર્યા. કોઈ સુપરહિટ, કોઈ હિટ તો કોઈ ખર્ચાયેલી રકમ પાછી મેળવવામાં સફળ રહી છે. લગભગ ૫૦ ટકાનો હિસાબ- કિતાબ. કોઈ પણ એક્ટરને ગમે એવી વાત છે, પણ અજય બહુ ખુશ નથી. એનું કારણ જાણવા અને સમજવા જેવું છે. સાતમાંથી બે ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ અને ‘આરઆરઆર’ (બંને ૨૦૨૨)માં મિસ્ટર દેવગન લીડ રોલમાં નથી.
‘સૂર્યવંશી’ (૨૦૨૦માં કેમિયો – મહેમાન કલાકાર અને ‘આર્ટિકલ ૩૭૦’ (૨૦૨૩)માં નેરેટર. ‘દૃશ્યમ-૨’ (૨૦૨૨) અને ‘સિંઘમ અગેન’ (૨૦૨૪) સિક્વલ અને ‘શૈતાન’ (૨૦૨૩) ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક… ટૂંકમાં હિન્દીની ઑરિજીનલ સ્ટોરી તો નહીં જ. આ સિવાય છેલ્લાં ચાર વર્ષમાં રિલીઝ થયેલી ‘ભુજ: ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા’ (૨૦૨૦), ‘રન-વે ૩૪’ અને ‘થેન્ક ગોડ’ (બંને ૨૦૨૨), ‘ભોલા’ અને ‘મૈદાન’ (બંને ૨૦૨૩) તેમ જ ‘ઔરોં મેં કહાં દમ થા’ અને ‘નામ’ (બંને ૨૦૨૪) ફ્લોપ અથવા સુપરફ્લોપ નીવડી છે એ અજય માટે કડવી વાસ્તવિકતા છે.
હવે બિલોરી કાચ મૂકીને નજર નાખવાથી ખ્યાલ આવે છે કે લીડ રોલવાળી હિટ ફિલ્મો સિક્વલ કે રિ-મેક છે, જ્યારે નવી સ્ટોરી ધરાવતી ફિલ્મો કમાણી કરવામાં નિષ્ફળ થઈ છે. સિક્વલ નથી, પણ ફ્લોપ થઈ છે એવી ફિલ્મોમાં વૈવિધ્ય પણ છે: ‘ભુજ – ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા’માં ભારત-પાક યુદ્ધની પાર્શ્વભૂમિ છે,
‘રન-વે ૩૪’ થ્રિલર, ‘થેન્ક ગોડ’ ફેન્ટસી કોમેડી, ‘ભોલા’ એક્શન થ્રિલર, ‘મૈદાન’ સ્પોર્ટ્સ બાયોપિક, ‘ઔરોં મેં કહાં દમ થા’ રોમેન્ટિક થ્રિલર અને ‘નામ’ એક્શન થ્રિલર. આમ છતાં, આ બધી ફિલ્મ બૉક્સ ઑફિસ પર ઊંધા માથે પછડાઈ હતી.
૨૦૨૫ના જાન્યુઆરીમાં ‘આઝાદ’ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ એક્શન વત્તા રોમેન્સનું મિશ્રણ લાગે છે – સિક્વલ તો નથી જ. ફિલ્મમાં નવી જોડી છે અમન દેવગન (અજય દેવગનનો ભત્રીજો) અને રાશા થડાની (રવીના ટંડનની દીકરી) અને ખુદ અજયનો રોલ પાવરફુલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જોકે, સિક્વલ સિવાયની ફિલ્મ હોવાથી સાહેબ ટેન્શનમાં છે. અલબત્ત, સિક્વલની સ્ટોરી ઑરિજિનલ-મૌલિક નથી એવું ઠસાવવાનો આશય નથી, પણ સિક્વલમાં આગલી ફિલ્મની કથાનો તંતુ આગળ વધારવામાં આવતો હોય છે.
ચાર વર્ષના હિસાબ-કિતાબ જોયા-જાણ્યા અને સમજ્યા પછી અજય દેવગને તોડ કાઢ્યો છે કે સિક્વલ નામના સરોવરમાં જ હમણાં તરવું, કારણ કે એમાં ડૂબી જવાની સંભાવના ઘણી ઓછી રહેલી છે. આ વર્ષની બે બ્લોકબસ્ટર ‘સ્ત્રી-૨’ અને ‘પુષ્પા-૨’ સિક્વલ જ છે. અજયની પોતાની હિટ ‘સિંઘમ અગેન’ પણ સિક્વલ જ છે. તૈયાર ભાણે જમવા બેસવું કોને ન ગમે? આજના પ્રેક્ષકને પણ ‘પહેલા ભાગ પછી આગળ શું થશે?’ એ મગજમાં સળવળતા કીડાનું શમન કરવાની તાલાવેલી હોય છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલી સિક્વલ છેક ૧૯૪૩માં (હંટરવાલી કી બેટી) બની, પણ ૨૦૦૬થી સિક્વલ ફૅકટરીના પ્રોડક્શનમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. પ્રેક્ષકો હોંશે હોંશે સિક્વલ જોવા આવતા હોવાથી અજય દેવગને સિક્વલનું નાડું ઝાલ્યું છે. એની આગામી ફિલ્મોમાં પૂરી અડધો ડઝન (૬) ફિલ્મ સિક્વલ છે.
‘રેડ-૨’ અને ‘દે દે પ્યાર દે-૨’ની સિક્વલની તો સત્તાવાર ઘોષણા થઈ ગઈ છે. ૨૦૧૮માં આવેલી આયકર વિભાગના છાપા પર આધારિત ‘રેડ’ને સારી સફળતા મળી હતી. સિક્વલનું ઘણું શૂટિંગ થઈ ગયું છે અને ફિલ્મ આવતા વર્ષે પહેલી મેના દિવસે રિલીઝ કરવાની ગણતરી છે.
૨૦૧૯માં રિલીઝ થયેલી રોમેન્ટિક કૉમેડી ફિલ્મ ‘દે દે પ્યાર દે’ની સિક્વલ ‘દે દે પ્યાર દે-૨’નું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. મૂળ ફિલ્મના ત્રણેય કલાકાર (અજય, તબુ અને રકુલ પ્રીત સિંહ) સિક્વલમાં જાળવી રાખવામાં આવ્યાં છે અને આર. માધવનનો ઉમેરો છે. આ ફિલ્મ પણ ૨૦૨૫માં રિલીઝ કરવામાં આવશે.
સિક્વલના આકર્ષણમાં અજય એવો લપેટાયો છે કે ઉપરોક્ત બે ફિલ્મ ઉપરાંત ‘સન ઑફ સરદાર-૨’, ‘શૈતાન -૨’, ‘દૃશ્યમ-૩’, ‘ગોલમાલ-૫’, ‘ધમાલ-૪’ સિક્વલ કરવા પણ એ થનગની રહ્યો છે. ૧૨ વર્ષ પહેલાં આવેલી એક્શન કોમેડી ‘સન ઑફ સરદાર’ને બૉક્સ ઑફિસ પર ઝળહળતી સફળતા મળી હતી.
આ સિક્વલ સાથે અજય કૉમેડી તરફ પાછો વળી રહ્યો છે. ઑગસ્ટ મહિનામાં એનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. સંજય દત્તને વિઝાની કોઈ સમસ્યા નડી હોવાથી એના બદલે ‘લાપતા લેડીઝ’ના ઇન્સ્પેક્ટરના રોલમાં પ્રશંસા મેળવનારા રવિ કિશનને લેવામાં આવ્યો છે. ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક ‘શૈતાન’ની સિક્વલ ‘શૈતાન-૨’ માટે પણ ચક્રો ગતિમાન થયાં છે.
સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગયા પછી સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. અજય અને આર. માધવન સિક્વલમાં પણ હાજર હશે. ખુદ અજય દેવગને એક ઈન્ટરવ્યૂ દરમિયાન સિક્વલને ગ્રીન સિગ્નલ આપી જણાવ્યું છે કે હાલ ‘શૈતાન-૨’ની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. કેટલાક લોકો ‘દૃશ્યમ-૩’ પર કામ કરી રહ્યા છે. ‘ધમાલ’ અને ‘ગોલમાલ’ની સિકવલ માટે પણ વાતચીત ચાલી રહી છે. સિક્વલનો દોર ચાલી રહ્યો છે. ફિલ્મમાં શું જોવા મળશે એનો આછો અંદાજ પ્રેક્ષકોને હોવાથી સિક્વલ જોવા હોંશે હોંશે આવે છે.’ ટૂંકમાં સિક્વલને શરણે જઈ અજય દેવગન ‘સેફ ગેમ’ રમી રહ્યો છે.