ફોકસ: આશકા ગોરડિયા: સિરિયલોમાં નહીં, પણ ₹1200 કરોડના ધંધામાં સફળ! | મુંબઈ સમાચાર

ફોકસ: આશકા ગોરડિયા: સિરિયલોમાં નહીં, પણ ₹1200 કરોડના ધંધામાં સફળ!

-નિધિ ભટ્ટ

અભિનેતા રોનિત રોય એક્ટિંગની સાથોસાથ સિક્યુરિટી એજન્સી પણ ચલાવી રહ્યો છે અને સારી કમાણી કરી રહ્યો છે. રોનિત રોયની જેમ ઘણી અભિનેત્રીઓએ પણ બિઝનેસમાં ઝંપલાવ્યું છે અને સફળ બિઝનેસવુમન બની છે. જેમાં કેટરિના કેફ, ક્રિતી સેનન જેવી અનેક અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. ટીવીના પડદે ચમકનારી એક અભિનેત્રી પણ આજે પોતાની કોસ્મેટિક કંપનીના કારણે સફળતાના શિખરે પહોંચી છે.

એક્ટિંગ છોડીને બિઝનેમવુમન બની આશકા ગોરડિયા

આશકા ગોરડિયાએ 2000ના વર્ષમાં ટીવીના પડદે પદાર્પણ કર્યું હતું. 19 વર્ષની પોતાની કારકિર્દીમાં આશકાએ અનેક ટીવી સિરીયલ અને રિયાલીટી શોમાં કામ કર્યું હતું. સાથોસાથ તેણે 2018માં પ્રિયાંક શાહ અને આશુતોષ બલાની સાથે મળીને 50 લાખનું રોકાણ કરીને કોસ્મેટિક બાન્ડ શરૂ કરી હતી. પોતાની કંપનીને વધારે સમય આપવા માટે આશકાએ 2019માં પોતાની ટીવી ક્ષેત્રની કરિયરને તિલાંજલિ આપી દીધી હતી.

1200 કરોડે પહોંચી આશકાની કંપનીની વેલ્યુ

2019 બાદ આશકા ગોરડિયા પોતાનો પૂરેપૂરો સમય પોતાના બિઝનેસને આપવા લાગી. તેની આ મહેનત રંગ લાવી. તેની કોસ્મેટિક બ્રાન્ડ પહેલી ડિજિટલ બ્રાંડ હતી. તેણે શરૂઆતમાં ઓનલાઈન વેચાણ કર્યું હતું. ધીરે-ધીરે તેણે પોતાની પ્રોડક્ટને ઓફલાઈન વેચવાની પણ શરૂઆત કરી હતી. આ રીતે પહેલા બે વર્ષમાં આશકાએ 100 કરોડની કમાણી કરી હતી. આમ, આશકા ગોરડિયા સફળ બિઝનેસવુમન બની. આજે તેની કંપનીની વેલ્યુ 1200 કરોડ પર પહોંચી ગઈ છે.

આશકા ગોરડિયાનું અંગત જીવન

ઉલ્લેખનીય છે કે, આશકાએ પોતાના 19 વર્ષની એક્ટિંગ કરિયર દરમિયાન ‘અચાનક 37 સાલ બાદ’, ‘સાત ફેરે’, ‘શુભ વિવાહ’, ‘બાલ વીર’, ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘પિયા કા ઘર’, ‘કુસુમ’, ‘નાગિન’ અને ‘ડાયન’ જેવી ટીવી સિરિયલ તથા બિગ બોસ સીઝન 6, નચ બલિયે 8, ઝલક દિખલા જા 4 અને ખતરોં કે ખિલાડી 4 તથા કિચન ચેમ્પિયન 5 જેવા રિયાલિટી શોમાં કામ કર્યું હતું. તેણે 2017માં પોતાના અમેરિકન બોયફ્રેન્ડ બ્રેન્ટ ગોબલ સાથે લગ્ન કર્યા હતા. 2023માં તેઓના ઘરે એક સંતાન પણ જન્મ્યું હતું. હાલ આશકા પોતાના પરિવાર સાથે ગોવા ખાતે નિવાસ કરી રહી છે.

આ પણ વાંચો…ફોકસ : અભિનેત્રી વિદ્યા માલવદે: એ ભરપૂર ટ્રેજેડી ‘જીવી’!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button