બચ્ચે તો બચ્ચે… ‘બાપ’ રે ‘બાપ’! | મુંબઈ સમાચાર
મેટિની

બચ્ચે તો બચ્ચે… ‘બાપ’ રે ‘બાપ’!

  • હેન્રી શાસ્ત્રી

રાજ કપૂરની ‘બૂટ પૉલિશ’ ફિલ્મના ગીત ‘નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યા હૈ?’ એમ સવાલ કરવામાં આવતા બાળકો જવાબ આપે છે ‘મુઠ્ઠી મેં હૈ તકદીર હમારી, હમને કિસ્મત કો બસ મેં કિયા હૈ.’ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા નાનપણમાં બાળકલાકાર તરીકે છાપ પાડી યુવાનીમાં અને એ પછી પણ સારી સફળતા મેળવી એ પંક્તિની ભાવનાને સાર્થક કરી છે.

71મા નેશનલ એવોર્ડ સમારોહમાં માત્ર ચાર વર્ષની ઉંમરે ‘શ્રેષ્ઠ બાળ કલાકાર’નું પારિતોષિક સંયુક્તપણે મેળવનારી ત્રિશા ઠોસર પણ ઉંમર વધતાની સાથે જગાવેલી આશા યથાર્થ સાબિત કરશે કે નહીં એ તો આવનારો સમય કહેશે, પણ ત્રિશાએ જેમનો રેકોર્ડ તોડ્યો છે એ સાઉથ – હિન્દી ફિલ્મોના એક્ટર કમલ હસન જરૂર એમ કરી શક્યા છે.

બચપનમાં તેજનો લિસોટો ઝળહળ્યા પછી પચપનની ઉંમર સુધીમાં તેજસ્વી સિતારા જેવો ચળકાટ દેખાડ્યો હોય એવા ઘણાં ઉદાહરણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં, વિશેષ કરીને હિન્દી ફિલ્મ સૃષ્ટિમાં જોવા મળ્યાં છે. જોકે, સિને તારકોના વિશ્વમાં ઘણી વાર ગ્લેમર પાછળ ગમગીની સંતાઈને બેઠી હોય છે એમ આ ચાઈલ્ડ આર્ટિસ્ટો બગીચામાં રમવાની ઉંમરે સ્ટુડિયોમાં કેમેરા સામે ઊભા થવા પાછળનું અસલી કારણ પ્રતિભા કરતા પૈસાની જરૂરિયાત હોય કે બીજા કોઈ કારણ હોય એવા ઘણા દાખલા છે.

જોકે, ભારતીય ફિલ્મ ઉદ્યોગનાં પ્રથમ સ્ત્રી બાળકલાકાર પરથી આ વાત સ્પષ્ટ થાય છે. વીસમી સદીના બીજા દાયકામાં અને પછી પણ કેટલાંક વર્ષ સુધી સ્ત્રી માટે ફિલ્મોમાં કામ કરવાની મનાઈ હતી એ વાતાવરણમાં ગૌડ સારસ્વત બ્રાહ્મણ પરિવારનાં દુર્ગાબાઈ કામત ફાળકેની ફિલ્મ ‘મોહિની ભસ્માસુર’માં પાર્વતીનો રોલ કરવા તૈયાર થયાં એનાથી ખળભળાટ મચી ગયો હતો.

હકીકત એ હતી કે પતિથી અલગ રહેતાં દુર્ગાબાઈએ પોતાના અને દીકરીના ભરણપોષણ માટે આવક મેળવવા ફિલ્મ સ્વીકારી હતી. વધુ પૈસા મળશે એ આશય સાથે બાર વર્ષની દીકરી કમલાબાઈ કામત (જે પછી કમલાબાઈ ગોખલે તરીકે જાણીતાં થયાં)ને મોહિનીની ભૂમિકા કરવાની અનુમતિ આપી હતી. ત્યારબાદ કમલાબાઈ ગોખલેએ 1931થી 1972 સુધી (અમિતાભ બચ્ચનની ફ્લોપ ફિલ્મ ‘એક નઝર’માં હતાં) ફિલ્મોમાં કામ કર્યું હતું. આમ કમલાબાઈ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં પ્રથમ સ્ત્રી કલાકારની સિદ્ધિ ધરાવે છે.

પરિવારને બે ટંક કોળિયા ભેગું થવાય અને આર્થિક ટેકો મળી રહે એ પ્રમુખ ઉદ્દેશ સાથે 1950 – 60ના દાયકામાં નાનપણમાં ફિલ્મોમાં કામ સ્વીકાર્યું હોવાના કેટલાંક ઉદાહરણ ઊડીને આંખે વળગે છે. યહૂદી પરિવારની જે કેટલીક અભિનેત્રી હિન્દી ફિલ્મોમાં ઝળકી છે એમાં નાદિરા પ્રમુખ નામ છે. આર્થિક સંકડામણ હોવાથી 11 વર્ષની ઉંમરે નાદિરાએ ‘મૌજ’ નામની ફિલ્મમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પ્રારંભ કર્યો હતો.

જોકે, નાદિરાના મમ્મીની ઈચ્છા નહોતી અને ‘ફિલ્મોમાં કામ કરીશ તો બદનામ થઈ જાશું’ એવી ચેતવણી ઉચ્ચારી હતી. જવાબમાં દીકરીએ ‘ભલે, પણ રોટલા ભેગા તો થાશું’ એવો ખુલાસો કર્યો હતો. યુવાનીમાં આકર્ષક ચહેરો અને મોહક વ્યક્તિત્વને પગલે મેહબૂબ ખાને ‘આન’માં દિલીપ કુમાર સાથે કામ કરવાની તક આપી. પછી 30 વર્ષ સુધી નાદિરાએ વિવિધ રોલમાં ચમકી પોતાનું અલાયદું સ્થાન બનાવ્યું.

ભાઈ-બહેન મીનુ મુમતાઝ અને મેહમૂદે પણ પિતાશ્રી મુમતાઝ અલી પાસે કોઈ કામ ન હોવાથી અને દારૂની લત લાગી હોવાથી ઘર ચલાવવાના આશય સાથે બાળકલાકાર તરીકે કામ કર્યું. પછી અનેક વર્ષો સુધી બંને હિન્દી ફિલ્મોમાં ઝળક્યાં.

મુમતાઝ અસ્કરી અને લગ્ન પછી મુમતાઝ માધવાણીનો કેસ પણ આવો જ છે. 11 વર્ષની ઉંમરે જુનિયર આર્ટિસ્ટ તરીકે ‘લાજવંતી’થી શરૂઆત કર્યા પછી વી. શાંતારામની ‘સેહરા’માં ધ્યાન ખેંચાયું અને મુમતાઝ 1960ના દાયકાના અંતમાં ટોચની એક્ટ્રેસ બની ગઈ.

મીના કુમારીને તો ફિલ્મમાં કામ કરવું જ નહોતું, પણ માતા પિતાની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે એને કેમેરા સામે ધકેલવામાં આવી હતી. વિજય ભટ્ટની ‘લેધરફેસ’થી એન્ટ્રી લીધા પછી નિયમિત કામ મળવા લાગ્યું. ‘બૈજુ બાવરા’ હિટ થવાથી એ પાંચમાં પુછાવા લાગી અને સફળ અભિનેત્રી-ટ્રેજેડી ક્વીન બની ગઈ.

એમ તો નરગિસે પણ છ વર્ષની ઉંમરે ‘તલાશ-એ-હક’ નામની ફિલ્મમાં બેબી નરગિસ તરીકે પદાર્પણ કર્યું હતું. એમનાં માતા જદ્દનબાઈ અભિનેત્રી હતાં એટલે કરિયર જરૂરિયાત કામ કરી ગઈ હોવાની સંભાવના છે.

એ જ રીતે, ચાર વર્ષની ઉંમરે સાઉથની ફિલ્મમાં અને 12 વર્ષની ઉંમરે હિન્દી ફિલ્મ ‘જુલી’માં ચમકેલી શ્રીદેવીનું ફિલ્મોમાં આગમન કલા રુચિને પગલે થયું હોવાનું માનવામાં આવે છે. 1980ના દાયકામાં જિતેન્દ્ર સાથે 16 ફિલ્મોને પગલે શ્રીદેવી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રથમ સુપરસ્ટાર બની ગઈ. આર્થિક જરૂરિયાતનાં આવાં બીજાં પણ ઉદાહરણ છે. જોકે, એકવીસમી સદીમાં આલિયા ભટ્ટ બાળકલાકાર તરીકે આવી એમાં ધનજીભાઈ (પૈસા) નહીં પણ મનજીભાઈ (ઈચ્છા-લગાવ) જવાબદાર છે.

પુરુષ વર્ગના બાળકલાકારોમાં મેહમૂદ, પરીક્ષિત સાહની જેવા ગણ્યાગાંઠ્યા ઉદાહરણ બાદ કરતાં આર્થિક જરૂરિયાત નહીં, પણ આવડત ચકાસવા કે એક ટ્રાય મારી જોવા કે તાત્પુરતી જરૂરિયાત પૂરી કરવાના આશય સાથે ચાઈલ્ડ એક્ટર તરીકે કામ કર્યું હોવાનું જાણવા મળે છે.

શશી કપૂર (આવારા) કે રિશી કપૂર (શ્રી 420) કામ ચાલી જાય એ માટે બાળ કલાકાર તરીકે પેશ થયા હતા. આમિર ખાન 8 અને 9 વર્ષની ઉંમરે ‘યાદોં કી બારાત’ અને ‘મદહોશ’ ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું એનું કારણ એ ઘરની ફિલ્મ હતી. એકમાં કાકા નાસિર હુસેન ડિરેક્ટર હતા તો બીજી ફિલ્મ અબ્બાજાન તાહિર હુસેને પ્રોડ્યુસ કરી હતી. એવી જ રીતે હૃતીક રોશન પારિવારિક પ્રોડક્શન્સને કારણે છ વર્ષની ઉંમરે નાના જે.

ઓમપ્રકાશની ‘આશા’ (1980) ફિલ્મમાં એક ડાન્સ સિક્વન્સમાં અને ત્યારબાદ 12 વર્ષની ઉંમરે ‘ભગવાનદાદા’ (દિગ્દર્શક ફરી જે. ઓમપ્રકાશ)માં પણ જોવા મળ્યો હતો. શાહિદ કપૂર ચાઈલ્ડ એક્ટર તરીકે ‘દિલ તો પાગલ હૈ’ અને ‘તાલ’માં જોવા મળ્યો એમાં ડાન્સર તરીકે એની કાબેલિયત જવાબદાર હતી. બીજા પણ અનેક ઉદાહરણ છે. આ લેખમાં જે બાળકલાકારોની વાત કરી છે એમણે બચપનથી પચપન–સુધી યશનો વાવટો લહેરાવી રાખ્યો છે.

આપણ વાંચો:  સ્ટાર-યાર-કલાકારઃ અભિનેતાઓનો ફાધર નહીં ગોડફાધર છે માર્લોન બ્રાન્ડો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button