૨૦૨૪: નવું વર્ષ… કઈ કઈ આવી રહી છે નવી ફિલ્મો?
બધી તો નહીં, પણ ૪-૫ ફિલ્મે હિન્દી ફિલ્મજગતનો સિનારિયો અને માહોલ પલટી નાખ્યો. એની સરખામણીએ આપણા નિર્માતા- દિગ્દર્શક ને કલાકાર-કસબીઓ માટે આ નવું વર્ષ કેવું રહેશે ? આવનારી નવી ફિલ્મોની જોઈ લઈએ જરા ઝડપી ઝલક
ડ્રેસ-સર્કલ -નિધિ શુકલ
વર્ષ વીતવાની તૈયારી હોય ત્યારે સાચો વાણિયો આખા વર્ષના હિસાબ-કિતાબ કરે – જમા-ઉધારનું સરવૈયું કાઢીને ગણત્રી માંડે ગલ્લામાં કેટલાં જોડ્યા-કેટલા તોડ્યા..
આટલું કર્યા પછી આવનારા વર્ષની તૈયારીરૂપે જૂનાં માલને કઈ રીતે વિદાય કરવો ને નવો ક્યો ખરીદી બે પૈસા રળવા ધંધો-વેપાર કોઈ પણ હોય, પછી કરિયાણું વેચનારો હોય કે પછી મનોરંજનના સપનાં વેંચતો ફિલ્મવાળો – બન્નેનું ગણીત ડીટ્ટો એકસરખું..
અહીં વાત આપણે ફિલ્મની કરીએ તો થોડા દિવસ પહેલાં ૨૦૨૩ની હિટ- ફ્લોપ ફિલ્મોનું જમા-ઉધાર બધાએ જાણી લીધાં -નાણી લીધાં ને એ ચોપડો બંધ સુદ્ધાં કરી દીધો.
હવે નવી ગિલ્લી- નવો દાવ..
અહીં કેટલીક આગામી આશાસ્પદ ફિલ્મો તારવી છે એના પર ઝડપી નજર ફેરવી જઈએ, જેમકે.
ફાઈટર :
ગઈ કાલે જ ભારતમાં એક સાથે ૪૨૫૦ સ્ક્રીન પર રિલીઝ થયેલી રીતીક રોશન- દીપિકા પદુકોણ-અનિલ ક્પૂરની આ ફિલ્મ એરિયલ યુદ્ધ ફિલ્મ છે. યુએઈ સિવાઈ ગલ્ફના અન્ય દેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે . ફાઈટર’ના ડિરેકટર છે સિદ્ધાર્થ આનંદ. સિદ્ધાર્થ એની બેંગ બેંગ – ફાઈટર-વોર અને હમણાં છેલ્લે શાહરુખની સુપર સફળ નીવડેલી પઠાન ’થી સુપર જોમમાં છે.
ઈમરજન્સી
સદગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન પર આધારિત કંગના રનૌટની ફિલ્મ કંગનાનું નામ જે ફિલ્મ સાથે સંકળાય એટલે દર્શકોમાં વધુ ઉત્સુકતા જાગે…
યોદ્ધા
સિદ્ધાર્થ મલ્હોત્રા અભિનિત આ એક વધુ યુદ્ધ ફિલ્મ…સાથે છે રાશિ ખન્ના-દિશા પટ્ટ્ણી.
વેલકમ ટુ ધ જંગલ
અક્ષયકુમાર- સુનીલ શેટ્ટી-સંજય દત્ત -ઉપરાંત લારા દત્તા-જેક્લિન ફર્નાન્ડિસ -પરેશ રાવલ્- અર્શદ વારસી-જોની લીવર જેવી જબરી કાસ્ટ સાથે આવી રહી છે. વર્ષો પછી અક્ષય અકુમાર સાથે રવીના ટ્ંડન દેખાશે એટલે એમના ચાહ્કો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે..
બડે મિયાં છોટે મિયાં
અક્ષય અને ટાઈગર શ્રોફની આ ઍકશન ફિલ્મમાં દક્ષિણના જાણીતા સ્ટાર પૃથ્વીરાજ સુકુમાર છે. સ્કોટલેન્ડ – લંડન -યુએઈમાં શૂટ થયેલી આ ફિલ્મનું વિશષ આકર્ષણ છે..બાકી આ ફિલ્મને અગાઉ આવી ગયેલી અમિતાભ-ગોવિંદા-માધુરી દીક્ષિતની ફિલ્મ સાથે કંઈ લાગેવળગે નહીં…
મેટ્રો ઈન દિનો
આદિત્ય ક્પૂર-સારા અલી ખાન – અનુપમ ખેર-કોંકણા સેન- ઈત્યાદિ અભિનિત અને દિગ્દર્શક અનુરાગ બાસુની મેટ્રો’ ની સીકવલ છે.
સિંઘમ અગેઈન
કાર તોડફોડનાં કારનામાં માટે વિખ્યાત રોહિત શેટ્ટીની સુપરહિટ ‘સિંઘમ’ શ્રૃંખલાની આ ત્રીજી ફિલ્મ છે અને એમાં રાબેતા મુજબ અજ્ય દેવગન તો છે,પણ એની સાથે છે કરિના કપૂર- દીપિકા-રણવીર સિંહ- અક્ષયકુમાર, ટાઈગર શ્રોફ વગેરે.
આ બધા ઉપરાંત, જેનો ઉલ્લેખ થઈ શકે એવી હજુ ૧૫થી ૨૦ ફિલ્મો લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે, જેમાં આલિયા ભટ્ટ્-કાર્તિક આર્યન- શ્રદ્ધા કપૂર-રાજકુમાર રાવ જેવાં નામી ને સફળ અદાકારોની પણ ફિલ્મો છે.
અત્યારે તો સમગ્ર રીતે જોતાં ૨૦૨૪માં જબરો દારુગોળી ભર્યો તો છે.
જોઈએ કોણ કરે છે ઘડાકા ને કોણ થઈ જાય છે ફૂસ્સ..!
આયુષ્માન હવે બનશે ‘દાદા’ સૌરવ ગાંગુલી!
નવા વર્ષમાં આવનારી ફિલ્મોની વાત થાય છે ત્યાર ઘણા તર્ક-વિતર્ક ચાલી રહ્યા હતા એવા વિખ્તાત ક્રિકેટર સૌરવ ગાંગુલીની જીવનકથા પર બનનારી ફિલ્મનો પણ અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે.
આ આગામી બાયોપિકમાં સૌરવનો રોલ અદા કરવા માટે રણબીર કપૂર માત્ર તૈયાર જ નહીં, તત્પર હતો. સંજય દ્ત્તની જીવનકથા આધારિત સંજુ’માં રણબીરનો અફલાતુન અભિનય જોઈને દાદાની પણ હાર્દિક ઈચ્છા પણ હતી એનું પાત્ર રણબીર જ કરે. જો કે, રણબીરની પહેલી ઈચ્છા હતી એ બીજા એક ગાંગુલી એટ્લે કે સિંગર કિશોર કુમારની બાયોપિક પહેલાં પતાવે પછી આ દાદાની ફિલ્મ હાથમાં લે. બહુ ચર્ચા-વિચારણાઓ થઈ. સમય પસાર થઈ રહ્યો હતો એટલે આખરે નક્કી થયું કે કાબેલ દિગ્દર્શક વિક્રમાદિત્ય અને આયુષમાન સાથે મળીને ક્રિકેટર દાદાની બાયોપિક સંભાળી લે.
એક તરફ આ ફિલ્મની પટકથાનું કામ શરૂ થઈ ગયું છે તો બીજી તરફ આયુષમાને ક્રિકેટ્ની પ્રાથમિક તાલીમ શરુ કરી દીધી છે. મઝાની વાત એ છે કે આયુષમાન ખુદ જન્મે ડાબોડી છે એટલે દાદાની સ્ટાઇલ્માં-છટામાં એને બેટિંગ (ફિલ્મમાં !) કરતા બરાબર ફાવશે.
અત્યારના અહેવાલ જોતાં લાગે છે કે બધું બરાબર પાર ઊતરે તો આ વર્ષના ઉત્તરાર્ધમાં દાદા સૌરવ ઊર્ફે આયુષામાન ફરી એક વાર કોલકાતાના ખ્યાતનામ ઈડન ગાર્ડન્સની લીલીછમ્મ પીચ-ટર્ફ પર બેટ વીંઝતા નજરે પડશે !