મેટિની

ફ્લેશબેક: દહેજ’થી દહેજનાં દૂષણના દીદાર

હેન્રી શાસ્ત્રી

1950થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બદલાવ આવ્યો અને સામાજિક પ્રશ્નોને કેન્દ્રમાં રાખી ચિત્રપટને પ્રાધાન્ય મળવા લાગ્યું.
બ્રિટિશ ગુલામીમાંથી ભારતને 1947માં આઝાદી મળી, પણ સાથે દેશના ભાગલા પણ પડ્યા. 1947થી 1950 દરમિયાનનો સમય દેશ તેમ જ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે કપરો કાળ હતો. 26 જાન્યુઆરી, 1950ના દિવસે ભારત પ્રજાસત્તાક દેશ બન્યો અને ભારતને સ્વાયત્તતા મળી. 1950નું વર્ષ દેશ માટે મહત્ત્વનું સાબિત થયું એ જ રીતે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પણ એક નવું પ્રભાત બનીને આવ્યું હતું. સામાજિક પ્રશ્નો, ગૌરવવંતા ઈતિહાસને પ્રાધાન્ય આપતી ફિલ્મો બનવા લાગી.

વી. શાંતારામની ‘દહેજ’ વિશિષ્ટ ફિલ્મ ગણાઈ હતી, કારણ કે સમાજમાં પ્રવર્તતા દહેજનાં દૂષણનું પ્રભાવી ચિત્રીકરણ એ ફિલ્મમાં જોવા મળ્યું હતું. આ કથાવસ્તુ સાથે વ્યાપક પ્રસિદ્ધિ મેળવનારી એ સંભવત: પ્રથમ ફિલ્મ હતી. ચંદા (જયશ્રી)નાં લગ્ન સૂરજ (કરણ દીવાન) સાથે થાય છે પણ ઠાકુર (પૃથ્વીરાજ કપૂર) પૂરતું દહેજ ન આપી શકવાને કારણે સાસુ (લલિતા પવાર) વહુ ચંદાને ઘરમાંથી કાઢી મૂકી સૂરજનાં બીજાં લગ્નનો પેંતરો રચે છે.

પિયર પહોંચેલી ચંદાને જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે એ આક્રમક સ્વરૂપ ધારણ કરી સાસરે પાછી ફરે છે. સાસુ ચંદાને ફરી કાઢવા યોજના બને છે. આ તરફ ઠાકુર પોતાનું સર્વસ્વ વેચી પૈસા ઊભા કરી સવાયું દહેજ લઈ વેવાણ પાસે પહોંચે છે. વહુને કોઈપણ ભોગે ઘરમાંથી હાંકી કાઢવાની કોશિશમાં ચંદા અને સૂરજ બંને મૃત્યુ પામે છે અને દહેજ કેવું ભયંકર દૂષણ છે એ દર્શકોને સમજાઈ જાય છે. ફિલ્મની અંતિમ ક્ષણો મેલોડ્રામાથી છલકાય છે, પણ વી. શાંતારામ સોશિયલ મેસેજ પહોંચાડવામાં સફળ રહે છે.

આ પણ વાંચો: ભરૂચમાં દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગ, જાનહાનિ ટળી…

દહેજના દૂષણને કેન્દ્રમાં રાખી કેટલીક હિન્દી ફિલ્મો બની છે. એમાં ‘દહેજ’ અગ્રસર ગણાય છે. ઉપરાંત ‘સાસ ભી કભી બહુ થી’ (1970), ‘સૌ દિન સાસ કે’ (1980), ‘જ્વાલા દહેજ કી’ (1982), ‘એક દિન બહુ કા’ (1983), ‘બહુ કી આવાઝ’ (1985), ‘બંદૂક દહેજ કે સીને પર’ (1989) ફિલ્મો બની હતી જેમાં ગ્રામ્ય પરિવેશ હતો. આ દૂષણ ગામડામાં વધુ જોવા મળે છે એવું માનવામાં આવતું હતું.

સુનીલ દત્તની ‘યે આગ કબ બુઝેગી’ (1991)માં શહેરી વાતાવરણમાં પણ આ દૂષણ ફેલાયેલું છે એ દર્શાવવામાં આવ્યું છે. દહેજનાં દૂષણને દર્શાવતા ચિત્રપટમાં શાંતારામ મશાલચી ગણાય. ‘દહેજ’ રિલીઝ થઈ એના 11 વર્ષ પછી 1961માં ‘પ્રિવેન્શન ઓફ ડાવરી એક્ટ’ (દહેજ વિરોધી કાયદો) આવ્યો. ચિત્રપટ સમાજમાં જાગરૂકતા નિર્માણનું કામ કરી શકે છે એનું આ સશક્ત ઉદાહરણ છે.

1950માં રિલીઝ થયેલી ફિલ્મોમાં એક નામ હતું ‘વીર બબ્રુવાહન’. મહાભારતના સૌથી ઓછા જાણીતા પાત્ર પરથી કેમ ફિલ્મ બનાવી હશે એવો વિચાર થવો સ્વાભાવિક છે. અર્જુન અને મણિપુરની રાજકુમારી ચિત્રાંગદાના પુત્ર બબ્રુવાહને યુધિષ્ઠિર દ્વારા આયોજિત અશ્વમેધ યજ્ઞના ઘોડાને પડકાર્યો હતો.

પરિણામે અર્જુન સાથે યુદ્ધ કરવું પડ્યું અને એમાં બબ્રુવાહનનું મૃત્યુ થયું હતું. આ ફિલ્મના કલાકારોમાં એક નામ છે શશી કપૂર સિનિયર. અહીં ધ્યાન રાખવાનું છે સિનિયર શબ્દનું. ‘મેરે પાસ માં હૈ’ ડાયલોગ અમર બનાવી દેનારા રાજ કપૂરના ભાઈ શશી કપૂર નહીં, પણ વિજય ભટ્ટએ પ્રોડ્યુસ કરેલી ‘ભક્ત ધ્રુવ’ (1947) ફિલ્મમાં ધ્રુવનો રોલ કરનાર એક્ટર શશી કપૂર! એમનું આખું નામ શશી ચંદ્ર કપૂર હતું. એમના પિતાશ્રી ફતેચંદ કપૂર ફિલ્મ નિર્માતા હતા.

આ પણ વાંચો: પુત્રવધૂ પાસેથી દહેજની માગણી અને બળદ માટે લાવણીઃ હગવણે પરિવારના કારનામા…

પિતાશ્રીની ફિલ્મ ‘લેડી ડોક્ટર’માં એક નાનકડી ભૂમિકા કર્યા પછી દસેક વર્ષ ફિલ્મોમાં કામ કર્યું. દિલીપ કુમારની ‘શહીદ’માં યુવાન વયના દિલીપ કુમારની ભૂમિકા કરી હતી, અશોક કુમાર – નલિની જયવંતની ‘સમાધિ’માં અશોક કુમારના નાના ભાઈનો રોલ કર્યો હતો. જોકે, પછી ફિલ્મોમાંથી રસ ઊડી ગયો અને ઉચ્ચ અભ્યાસ કરી અમેરિકામાં સેટલ થઈ ગયા હતા. મેથેમેટિક્સમાં પીએચ.ડી. કરી ‘વેસ્ટર્ન મિશિગન યુનિવર્સિટી’માં પ્રોફેસર બન્યા હતા.

હોલિવૂડમાં ત્રણ અગ્રણી એક્ટર્સનો આરંભ 1950નું વર્ષ હોલિવૂડ માટે યાદગાર બની રહેવાનું મુખ્ય કારણ એ છે કે એ વર્ષે એવા ત્રણ એક્ટરની પહેલી ફિલ્મ રિલીઝ થઈ, જેમનાં ડંકા અનેક વર્ષો સુધી વાગતા રહ્યા. આજે પણ સિને રસિકો એમને નથી ભૂલ્યા. એ ત્રણ એક્ટર હતા માર્લોન બ્રાન્ડો, ચાર્લ્ટન હેસ્ટન અને સિડની પોઈટર.

માર્લોન બ્રાન્ડોની કરિયરની પહેલી ફિલ્મ હતી The Men. બોક્સ ઓફિસ પર ધમાકેદાર સફળતા મેળવનારી આ ફિલ્મના દિગ્દર્શક હતા ફ્રેડ ઝીનમેન. 27 વર્ષ પછી ફ્રેડ ઝીનમેનએ મેરિલ સ્ટ્રીપને ‘જુલિયા’માં બ્રેક આપ્યો હતો. The Godfather, A Streetcar Named Desire, Last Tango in Paris બ્રાન્ડોની અવિસ્મરણીય ફિલ્મો છે.

Peer Gynt ટેકનિકલી ચાર્લ્ટન હેસ્ટનની પહેલી ફિલ્મ છે, પણ એ લો બજેટની નાના પાયે બનેલી ફિલ્મ હોવાથી Dark City (1950) ચાર્લ્ટનની ડેબ્યુ ફિલ્મ ગણાય છે. Ben – Hur, The Ten Commandments ફિલ્મોથી એક્ટર સ્ટાર બની ગયો
અને આજે પણ સ્મરણમાં સચવાયો છે.

આ જ રીતે 1950-60ના દાયકામાં અસાધારણ પરફોર્મન્સથી છવાઈ ગયેલા સિડની પોઈટરની To Sir With Love, Guess Who’s Coming to Dinner નોંધપાત્ર ફિલ્મો ગણાય છે. 1950ની No Way Out એમની ડેબ્યુ ફિલ્મ હતી. એ જ વર્ષે All About Eve ફિલ્મ સૌથી વધુ ઓસ્કર નોમિનેશન (14)નો 11 વર્ષ જૂનો Gone With The Wind (13 નોમિનેશન)નો રેકોર્ડ તોડવામાં સફળ રહી હતી. આમ એકંદરે 1950નું વર્ષ હોલિવૂડમાં પણ નોંધપાત્ર રહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button