થાણેમાં યુવકનું અપહરણ કરી રોકડ લૂંટી: બે જણની ધરપકડ

થાણે: થાણેમાં 19 વર્ષના યુવકનું અપહરણ કર્યા બાદ તેની મારપીટ કરીને રોકડ લૂંટવા બદલ બે જણની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.
છ જણના ટોળાએ શનિવારે ફરિયાદી યુવકને સ્ક્રીનશૉટ દેખાડીને પૈસાની માગણી કરી હતી. યુવકે પૈસા આપવાનો ઇનકાર કરતાં તેમણે વાહનમાં તેનું અપહરણ કર્યું હતું અને તેને મુંબ્રા બાયપાસ પર બ્રિજ નજીક લઇ ગયા હતા. અહીં તેમણે યુવકની મારપીટ કરી હતી અને તેની પાસેના રૂ. ત્રણ હજાર લૂંટી લીધા હતા.
આરોપીઓ બાબુ કૈફ, અરશદ આદિલ અન્સારી, આમિર ખાન, અકિબ આરિફ ખાન, મોહંમદ આદિલ અન્સારી અને ફરહાન શેખે યુવકને છોડી મૂકતા પહેલા કેમેરા સામે એવું કહેવા માટે દબાણ કર્યું હતું કે તેણે તેમને પૈસા આપવાના બાકી હતા.
આ પ્રકરણે નૌપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતાં ગુનો દાખલ કરાયો હતો અને પોલીસે અરશદ તથા અકિબની ધરપકડ કરી હતી, જ્યારે બાકીના આરોપીઓની શોધ ચલાવવામાં આવી રહી છે, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)