મહારાષ્ટ્ર

યવતમાળ જન્મના દાખલાનું કૌભાંડઃ 1500ની વસ્તી ધરાવતા ગામમાં 27,000 બાળકના જન્મના દાખલા નીકળ્યા

યવતમાળ/મુંબઈઃ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના એક નાના ગામ શેણદુરસનીમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ ગામની વસ્તી ફક્ત ૧,૫૦૦ છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં અહીં ૨૭,૩૯૭ બાળકોના જન્મ થયા છે. હકીકતમાં, શેણદુરસની ગામના રહેવાસી હોવાનું જણાવીને ૨૭ હજારથી વધુ જન્મના દાખલાનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાનો આરોપ હતો કે આ વધારાના બર્થ સર્ટિફિકેટ પશ્ચિમ બંગાળ અને યુપીના લોકોના છે. તેમણે સરકારને આ બાબતે તપાસ કરવાની માંગ કરી હતી. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ યવતમાળ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

અહેવાલો અનુસાર સપ્ટેમ્બર અને નવેમ્બર ૨૦૨૫ દરમિયાન, શેણદુરસની ગ્રામ પંચાયતમાં બર્થ સર્ટિફિકેટ માટે ૨૭,૩૯૭ નોંધણીઓ કરવામાં આવી હતી, જ્યારે મૃત્યુ માટે ફક્ત પાંચ જ રજિસ્ટ્રેશન થયું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓ નિયમિત નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે આ વિસંગતતા મળી આવી હતી.

ભાજપના નેતાએ ગામની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટરની લોગિન વિગતોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ જન્મ નોંધણીઓમાં નોંધાયેલા નામોમાંથી ૯૯.૯૯% પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોના લોકો છે.

આ ચોંકાવનારા ખુલાસા બાદ ડીએચઓએ જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી પાસેથી માહિતી માંગી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ૨૭,૩૯૭ જન્મ રેકોર્ડ અને સાત મૃત્યુ રેકોર્ડ ગ્રામ પંચાયતના અધિકારક્ષેત્રમાં આવતા નથી. ત્યાર બાદ પુણેના નાયબ આરોગ્ય સેવા નિયામક દ્વારા તકનીકી તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ મામલો વધુ આગળ વધીને ભારતના એડિશનલ રજિસ્ટ્રાર જનરલ અને નવી દિલ્હીમાં નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટરની ઓફિસ સુધી પહોંચ્યો હતો. તેમની તપાસમાં બહાર આવ્યું કે આ નોંધણીઓ સાયબર છેતરપિંડી દ્વારા કરવામાં આવી હતી. પોલીસ હવે આ રેકેટનો પર્દાફાશ કરવા માટે કામ કરી રહી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button