મહારાષ્ટ્ર

મરાઠીમાં બોલવાને બદલે ‘એક્સક્યુઝ મી’ કહેનારી બે મહિલાની ટોળાએ કરી મારપીટ

ડોંબિવલીની હાઉસિંગ સોસાયટીમાં બનેલી ઘટનાનો વીડિયો વાયરલ

થાણે: ડોંબિવલીમાં પ્રવેશદ્વાર પર અધવચ્ચે ઊભેલા યુવાનને ત્યાંથી હટવા માટે મરાઠીમાં બોલવાને બદલે ‘એક્સક્યુઝ મી’ કહેવા બદલ બે મહિલાની ટોળા દ્વારા મારપીટ કરવામાં આવી હતી. બંને મહિલામાંથી એકના હાથમાં નાનું બાળક હોવા છતાં ટોળાએ તેની પરવા કરી નહોતી અને મહિલાને માર માર્યો હતો, એમ સાક્ષીદારોએ જણાવ્યું હતું.

ડોંબિવલી પશ્ર્ચિમની હાઉસિંગ સોસાયટીમાં મંગળવારે સવારે આ ઘટના બની હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હતી.

હાઉસિંગ સોસાયટીમાં રહેતી બે મહિલા મંગળવારે સવારે સ્કૂટર પર સોસાયટીના પરિસરમાં પ્રવેશી રહી હતી ત્યારે પ્રવેશદ્વારને અવરોધતા યુવાનને ત્યાંથી હટવા માટે તેમણે ‘એક્સક્યુઝ મી’ કહ્યું હતું. જોકે યુવાને ત્યાંથી હટવાને બદલે તેમને મરાઠીમાં બોલવાનું કહ્યું હતું, એવો દાવો મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો.

વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદમાં જણાવાયું હતું કે સોસાયટીની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા યુવાને સ્કૂટર પર પાછળ બેઠેલી મહિલાનો હાથ મચકોડ્યો હતો.

દરમિયાન યુવાનના પરિવારની ચારથી પાંચ મહિલાઓ અને બે યુવક બાદમાં ત્યાં એકઠા થઇ ગયાં હતાં અને તેમણે બંને મહિલાની મારપીટ કરી હતી. સાક્ષીદારોએ કહ્યું હતું કે મહિલાના હાથમાં રહેલા નવ મહિનાના બાળકની પણ પરવા કરી નહોતી.

‘એક્સક્યુઝ મી’ એ સામાન્ય શિષ્ટાચાર છે અને આરોપીઓની પ્રતિક્રિયા ગેરવાજબી હતી, એમ ફરિયાદમાં જણાવાયું હતું.
વિષ્ણુનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય પવારે કહ્યું હતું કે તપાસ હાથ કરવામાં આવી રહી છે. આ પ્રકરણે હજી સુધી એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો નથી. પોલીસે એ પણ તપાસ કરી રહી છે કે આ ઘટના ભૂતકાળના વિવાદને કારણે બની છે કે કેમ.

નોંધનીય છે કે રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ તાજેતરમાં રાજ્યમાં બૅંકોના કર્મચારીઓએ ગ્રાહકો સાથે મરાઠીમાં વાત કરવી જોઇએ એવી માગણી સાથે આંદોલન કર્યું હતું.

યુનાઇટેડ ફોરમ ઓફ બૅંક યુનિયન્સે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને જણાવ્યું હતું કે મનસેના કાર્યકર્તાઓ હોવાનો દાવો કરનારા લોકો બૅંકની શાખાઓની મુલાકાત લઇ કર્મચારીઓને ધમકાવી રહ્યા છે. રાજ ઠાકરેએ ત્યાર બાદ તેમના કાર્યકરોને આંદોલન બંધ કરવા માટે કહ્યું હતું.

(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button