વિરારમાં ઘરેલું વિખવાદમાં મહિલાની હત્યા: પતિ અને નણંદની ધરપકડ…

પાલઘર: પાલઘર જિલ્લાના વિરારમાં ઘરેલું વિખવાદમાં 35 વર્ષની મહિલાની હત્યા કરવા બદલ પતિ અને નણંદની ધરપકડ કરવામાં આવી હતી. વિરાર પશ્ર્ચિમના એમ.બી. એસ્ટેટ વિસ્તારમાં આ ગુનો આચરવામાં આવ્યો હતો, જેમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ કલ્પના સોની તરીકે થઇ હતી.
કલ્પનાનાં લગ્ન 2015માં મહેશ સોની સાથે થયાં હતાં. લગ્ન બાદ તેને સાસરિયાં દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેને કારણે ઘણી વખત ઝઘડા થતા હતા, એમ બોલિંજ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રકાશ કેવળેએ જણાવ્યું હતું.
શનિવારે આ જ મુદ્દે ઝઘડા દરમિયાન કલ્પનાએ ઘર છોડી જવાની ધમકી આપી હતી અને દહેજમાં આપેલી મતા પરત કરવાનું જણાવ્યું હતું.આ માગણીને લઇ ઉશ્કેરાયેલા મહેશ અને તેની બહેન દીપાલી સોનીએ કલ્પનાના માથામાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી કલ્પનાને પડોશીઓ હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કરી હતી.
આરોપીઓએ શરૂઆતમાં પોલીસને જણાવ્યું હતું કે વૉશરૂમમાં પડી જવાથી ગંભીર ઇજાને કારણે કલ્પનાનું મૃત્યુ થયું હતું. જોકે ડોક્ટરોએ પુષ્ટિ આપી હતી કે તીવ્ર મારપીટને કારણે તેનું મૃત્યુ થયું હતું. દંપતીને સાત વર્ષની પુત્રી છે, જે ઘટના સમયે ઘરમાં નહોતી.
દરમિયાન કલ્પનાના મામાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે મહેશ અને તેની બહેન દીપાલી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. બંનેને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેમને સાત દિવસની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. (પીટીઆઇ)



