પુણેમાં વધુ એક ઝિકા વાયરસનો કેસ નોંધાતા પ્રશાસન સતર્ક
પુણેઃ રાજ્યમાં ખાસ કરીને પુણેમાં ઝિકા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી રાજ્યના આરોગ્ય ખાતાની ચિંતામાં વઘારો થયો છે. આ સંબંધમાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરવાનો આદેશ આપ્યો છે.
પુણેમાં મંગળવારે પંચાવન વર્ષની મહિલાનો ઝિકા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અગાઉ સોમવારે છ કેસ નોંધાયા હતા, જેમા બે ગર્ભવતી મહિલાનો સમાવેશ થાય છે. પુણેમાં પહેલો ઝિકા વાયરસનો ચેપ એરાંડવાનેમાં ૪૬ વર્ષના ડૉકટરને લાગ્યો હતો અને બાદમાં તેની ૧૫ વર્ષની દીકરીને પણ તેનો ચેપ લાગ્યો હતો.
આ પણ વાંચો: Puna માં Zika virus ના 6 દર્દીઓ નોંધાત તંત્ર એલર્ટ, અનેક વિસ્તારોમાં કરાઇ રહ્યું છે ફોગીંગ
કોરોના પછી ઝિકા વાયરસને લઈ પાલિકા પ્રશાસનને સતર્ક રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સિવાય કેરળ અને કર્ણાટકમાં ઝિકા વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, તેથી કેન્દ્ર સરકારે સુરક્ષાના જરુરી પગલા ભરવાના આદેશો પણ આપ્યા છે.
અહીં એ જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસોથી ઝિકા વાઈરસના સંક્રમણ ફેલાતા આમ જનતાનું ટેન્શન વધ્યું છે. નિષ્ણાત ડોક્ટરના જણાવ્યાનુસાર મચ્છર કરડવાથી વાયરસ ફેલાય છે અને વરસાદની સિઝનમાં તેનું જોખમ વધુ રહે છે. આ એક વાઈરલ ચેપ છે, જ્યારે સગર્ભાને તેનું જોખમ વધારે રહે છે. આ સંજોગોમાં દરેક લોકોએ વાયરસથી બચવાની કોશિશ કરવી જોઈએ.