પીએમ મોદી નિવૃત્ત થશે?: રાઉતના આ નિવેદનનો ફડણવીસે આપ્યો જવાબ

નાગપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વડા પ્રધાન તરીકેના 11 વર્ષના કાર્યકાળમાં પહેલીવાર નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્ય કાર્યાલયમાં આવ્યા હતા અને અહીં તેમણે લાંબી ચર્ચા કરી હતી અને સંઘને સંબોધિત પણ કર્યો હતો. મોદીની આ મુલાકાત રાજકીય અટકળોને પણ વેગ આપી રહી છે.
ભાજપના નેતાઓ 75 વર્ષે નિવૃત્ત થાય છે
ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે કે તેમના નેતાઓ જે પણ કોઈ પદ પર હોય તેમણે 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થવાનું હોય છે. જો નિયમ અનુસાર પક્ષ કામ કરે તો આવનારા સપ્ટેમ્બર મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષ પૂરા કરે છે. આથી ટેકનીકલી તેમની નિવૃત્તિ નક્કી છે, પરંતુ આ અંગે પક્ષ શું નિર્ણય કરે તે જોવાનું રહેશે.
આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં
રાઉતના નિવેદનથી ચર્ચા તેજ બની
વડા પ્રધાન ગઈકાલે નાગપુરની મુલાકાતે આવ્યા હતા અને આજે શિવસેના (યુબીટી)ના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે નિવેદન આપ્યું છે કે મોદી આરએસએસના મુખ્યાલય ગયા હતા અને અહીં તેમણે પોતાની નિવૃત્તિ અંગે ચર્ચા કરી.
ભાજપ સાથે જોડાયેલી સંસ્થા આરએસએસ પક્ષના દરેક નિર્ણયોમાં પોતાનું મંતવ્ય આપે છે અને તેમનું મંતવ્ય પક્ષ માટે મહત્વનું હોવાનું માનવામાં આવે છે. આથી મોદીની જગ્યાએ કયા નેતાને વડા પ્રધાનપદ પર બેસાડવા તે અંગે પણ ચર્ચા થઈ હોવાનું રાઉતે કહ્યું હતું
આપણ વાંચો: પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા નરેન્દ્ર મોદીઃ ભાજપના નેતાએ નિવેદન આપતા વિવાદ સર્જાયો
ફડણવીસે આપ્યો આવો જવાબ
વડા પ્રધાનની નિવૃત્તિ વિશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આવો કોઈ નિવૃત્તિનો પ્લાન નથી. વર્ષ 2029ની ચૂંટણીઓમાં પણ મોદી અમારા પક્ષનું નેતૃત્વ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આપણી પરંપાર છે કે પિતા જીવિત હોય ત્યાં સુધી તેમના ઉત્તરાધિકારીની ચર્ચા ન થાય.
આ પરંપરા મુગલોની છે, આપણી નહીં. અગાઉ લોકસભાની ચૂંટણી સમયે દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે મોદીની લોકપ્રિયતાનો લાભ લઈ હાલમાં ભાજપ તેમને વડા પ્રધાન બનાવશે, પરંતુ સપ્ટેમ્બરમાં તેમણે પદ પરથી નિવૃત્તિ લેવી પડશે અને અન્ય કોઈના શિરે આ તાજ પહેરાવવામાં આવશે.