બારામતીનો ગઢ કોનો? અજિત પવારના દીકરા જય કહી મોટી વાત…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી યોજાવાને એકાદ-બે મહિનાનો સમય છે ત્યારે બધા જ પક્ષોએ બેઠકોની વહેંચણી અને ઉમેદવારોની પસંદગીની તૈયારી આરંભી દીધી છે. એવામાં પવાર કુટુંબનો ગઢ મનાતી બારામતી બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તેના પર બધાની નજર છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ચૂંટણી લડવાની ઇચ્છા ન હોવાનું નિવેદન પહેલા જ આપી દીધુ છે ત્યારે તેમના પુત્ર જય પવારને આ બેઠક પરથી ઉમેદવારી અપાય તેવી શક્યતા છે.
આ વિશે જય પવારને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો જેને પગલે તેમણે આ બેઠક પરથી લડવાનું જણાવી શકાય ઇશારો કરતા જણાવ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જે નક્કી કરશે તે રીતે નિર્ણય લેવાશે.
અજિત પવાર દ્વારા શરૂ કરાયેલી જન સન્માન યાત્રા સોમવારે બારામતી પહોંચી હતી અને જય પવારના નેતૃત્વ હેઠળ બારામતીમાં મોટી રેલી કાઢવામાં આવી હતી. એ દરમિયાન જય પવારે ઉક્ત નિવેદન આપ્યું હતું. તેમણે રેલી વિશે વાત કરતા જણાવ્યું હતું કે જન સન્માન રેલીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમ માટે પક્ષના બધા જ નેતાઓ હાજર રહ્યા છે. બધા જ યુવાનો આગળ આવી રહ્યા છે. અજિત પવાર મારે ચૂંટણી લડવી કે નહીં એ અંગે નિર્ણય લેશે. મારી ઇચ્છા પહેલાથી જ લોકકલ્યાણનું કામ કરવાની છે. અજિત પવારે જે રીતે મતવિસ્તારમાં લોકો માટે કામ કર્યું છે એ રીતના કામો લોકો માટે કરવાની મારી ઇચ્છા છે.