મહારાષ્ટ્રમાં ચોથા તબક્કામાં 11 બેઠક પર આજે મતદાન
દાનવે, પંકજા, કોલ્હેનું ભાવિ દાવ પર
મુંબઈ: લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની 11 બેઠક પર સોમવારે મતદાન કરવામાં આવશે. અહીં કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવે, ભાજપના નેતા પંકજા મુંડે, એક્ટરમાંથી અભિનેતા બનેલા અમોલ કોલ્હે રાજ્યના મહત્ત્વના ઉમેદવારો છે.
મહારાષ્ટ્રની નંદુરબાર, જળગાંવ, રાવેર, જાલના, ઔરંગાબાદ, માવળ, પુણે, શિરુર, અહમદનગર, શિરડી, બીડ બેઠક પર મતદાન થશે. 11 બેઠક માટે 2.28 કરોડથી વધુ મતદારો 298 ઉમેદવારને મતદાન કરશે. ચોથા તબક્કામાં રાજ્યના મધ્ય મરાઠવાડા, ઉત્તર અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં મતદાન થવાનું છે.
મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. રાજ્યમાં 23,284 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
મરાઠવાડામાં ભાજપની લડાઈ કૉંગ્રેસ સાથે જાલનામાં છે. જ્યારે શિવસેના (યુબીટી) વિરુદ્ધ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના વચ્ચે ઔરંગાબાદમાં મુખ્ય લડાઈ છે. બીડમાં ભાજપે પંકજા મુંડેને તેમની નાની બહેન અને વર્તમાન સાંસદ પ્રીતમ મુંડેના સ્થાને ઉમેદવારી આપી છે. પંકજાના મુખ્ય હરીફ એનસીપી (એસપી)ના બજરંગ સોનાવણે છે. શિરુરમાં વર્તમાન સાંસદ એનસીપી (એસપી)ના અમોલ કોલ્હેનો મુકાબલો નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની એનસીપીના ઉમેદવાર શિવાજીરાવ આઢળરાવ પાટીલ સાથે થવાનો છે. ત્રીજા તબક્કાની બારામતી બાદ ચોથા તબક્કાની શિરુર બેઠક અજિત પવાર માટે પ્રતિષ્ઠાની લડાઈ છે.
ઉત્તર મહારાષ્ટ્રના નંદુરબારની આદિવાસી બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ હીના ગાવિતનો સીધો મુકાબલો ગોવાલ પાડવી સાથે છે. પશ્ર્ચિમ મહારાષ્ટ્રના અહમદનગરમાં ભાજપના સુજય વિખે-પાટીલ અને એનસીપી (એસપી)ના નીલેશ લંકેમાં મુખ્ય મુકાબલો છે. એનસીપીમાં ભંગાણ વખતે લંકે અજિત પવાર સાથે આવ્યા હતા, પરંતુ બાદમાં ફરી શરદ પવાર સાથે જોડાઈ ગયા હતા.
જળગાંવમાાં ભાજપ વિરુદ્ધ એનસીપી (એસપી)ની લડાઈ છે. માવળમાં શિવસેનાનાં બે જૂથો વચ્ચે જંગ છે. પુણે શહેરની બેઠક પર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે મુખ્ય લડાઈ છે. શિરડીમાં શિવસેનાના બે જૂથો વચ્ચે મુખ્ય લડાઈ છે.
48 બેઠક સાથે દેશમાં બીજા નંબરની સૌથી વધુ બેઠકો ધરાવતા રાજ્યમાં પહેલા ત્રણ તબક્કામાં 24 બેઠક પર મતદાન થઈ ગયું છે. પાંચમા અને છેલ્લા તબક્કામાં 20 મેના રોજ બાકીની 13 બેઠક પર મતદાન થશે. (એજન્સી)