2024 મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી: અનેક અનિયમિતતા હોવાનો રિપોર્ટમાં દાવો
અમુક બેઠકો પરના મતદાનના અસાધારણ વધારા સામે ગંભીર સવાલો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકની ચૂંટણીમાં મામલે વોટ ફોર ડેમોક્રેસીએ સંશોધન કર્યું છે, જેનો રિપોર્ટ અત્યારે પ્રકાશમાં આવ્યો છે. રાહુલ ગાંધી સહિત વિપક્ષી પાર્ટીઓએ પણ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી મામલે ગેરરીતિના દાવાઓ કર્યાં હતા. હવે આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નવેમ્બર 20224માં મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ગંભીર વિસંગતતાઓ જોવા મળી છે. તો ચાલો આ રિપોર્ટ્સની વિગતે ચર્ચા કરીએ…
વોટ ફોર ડેમોક્રેસીએ ‘Dysfunctional ECI and Weaponisation of India’s Election System’ નામે એક અહેવાલ તૈયાર કર્યો છે. આ અહેવાલમાં ભારતીય ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર રીતે જે ડેટા આપવામાં આવ્યો હતો તેના પર સવાલો ઉભા કર્યાં છે. આ અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ભારતની ચૂંટણી પ્રણાલીનું ‘શસ્ત્રીકરણ’ ઇલેક્ટ્રોનિક મતદાન પ્રક્રિયાના ચાર ઘટકોની નબળાઈઓ પર ટકેલું છે. મત રેકોર્ડ કરતી માઇક્રોચિપ્સ, વોટર વેરિફાઇબલ પેપર ઓડિટ ટ્રેલ્સ (VVPATs), સિમ્બોલ લોડિંગ યુનિટ્સ (SLUs) અને મતદાર યાદી. જેથી અત્યારે સવાલો થઈ રહ્યાં છે.
2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી મામલે થયા આવા દાવાઓ
આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, હવે ચૂંટણી પ્રક્રિયા સ્વતંત્ર નથી કારણ કે તે ઇન્ટરનેટ સાથે જોડાઈ ગઈ છે. જેના કારણે તેમાં ગોલમાલ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. નવેમ્બર 2024માં મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભામાં ચૂંટણીમાં જે મતદાન થયું તેમાં પણ વિસંગતતા થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં વધારાના વોટ ઉમેદવારમાં આવ્યાં હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ 2024ની લોકસભાની ચૂંટણીના મતદાતા અને 2024ની મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના મતદાતાઓની યાદીમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. માત્ર 6 મહિનામાં 46 લાખ નવા મતદાતા આવી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મતદારોની આંકડાઓમાં મોટો તફાવત હોવાનો દાવો
રિપોર્ટ્સ પ્રમાણે ચૂંટણી પંચે 30 ઓગસ્ટ, 2024 ના રોજ મતદારોની સંખ્યા 9.64 કરોડથી વધુ દર્શાવી હતી, જ્યારે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીએ તે જ તારીખે આ સંખ્યા 9.53 કરોડ દર્શાવી હતી. થોડા અઠવાડિયામાં, આ આંકડાઓમાં તીવ્ર વધઘટ થઈ અને 15 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર, 2024ની વચ્ચે મતદારોની સંખ્યામાં અચાનક 16 લાખથી વધુનો વધારો થઈ ગયો હતો. તો પ્રશ્ન એ છે કે, આ વધારો થયો કેવી રીતે? આ અહેવાલમાં 2019 અને 2024ની વિધાનસભા ચૂંટણી મામલે પણ અનેક ખુલાસાઓ કરવામાં આવ્યાં છે. અહેવાલ પ્રમાણે 2019 અને 2024 વિધાનસભા ચૂંટણી વચ્ચે મતદાર યાદીમાં 71.8 લાખ મતદારોનો વધારો થયો હતો. જ્યારે મતદાનમાં 96.7 લાખનો વધારો થયો હતો. જેથી આ વધારાના 24.9 લાખ મતાદારે કેવી રીતે મતદાન કર્યું?
ડેટા ગોપનીયતા અને ચકાસણી મામલે પણ અનેક સવાલો
આ કમિટીના અહેવાલમાં બીજા પણ અનેક દાવાઓ કરવામાં આવ્યાં છે. ખાસ કરીને ચૂંટણીમાં મતદાન દરમિયાન જે ખામીઓ સર્જાઈ તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયાની ડેટા ગોપનીયતા અને ચકાસણી મામલે પણ અનેક પ્રકારના ખુલાસાઓ આ રિપોર્ટ્સમાં કરવામાં આવ્યાં છે. આ સંસ્થાએ Dysfunctional ECI and Weaponisation of India’s Election System અહેવાલમાં અનેક પ્રકારના દાવાઓ કર્યાં છે. આ પહેલા વિપક્ષ દ્વારા પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી મામલે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યાં હતા. જેથી હવે આ મુદ્દો ફરી રાજકીય વિવાદ સર્જી શકે છે.
વોટ ચોરી અંગે રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા’
આ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રમાં 2024ની વિધાનસભા ચૂંટણીમાં કેવી રીતે ચૂંટણી પંચને હથિયારની માફક પ્રયોગ કરવામાં આવ્યો છે. બિહારમાં અત્યારે વિધાનસભા ચૂંટણી યોજાવા રહી છે. રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ અત્યારે ‘વોટર અધિકાર યાત્રા’ શરુ કરી છે અને વોટ ચોરી મામલે ચૂંટણી પંચ અને બીજેપી પર આકરા સવાલો પણ કર્યાં છે.