ગુડી પડવાની શોભાયાત્રામાં હિંસામાં સંડોવાયેલા બધા જ લોકો સામે કાર્યવાહી કરવાની નિરુપમની માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના નેતા સંજય નિરુપમે મંગળવારે ગુડી પડવાની શોભાયાત્રા દરમિયાન થયેલા અથડામણમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવાની માગણી કરી હતી. રવિવારે સાંજે મલાડ (પશ્ર્ચિમ)ના કુરારના પઠાણવાડી વિસ્તારમાં ગુડી પડવાની શોભાયાત્રા દરમિયાન બે સમુદાયના જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.
બે માણસો એક મસ્જિદ પાસેથી ભગવો ધ્વજ લઈને ઓટોરિક્ષામાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે પુરુષોના એક જૂથે તેમને માર માર્યો હતો અને ઝપાઝપી થઈ હતી, જેના કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. પોલીસે નવ લોકો સામે કેસ નોંધ્યો છે.
પત્રકારો સાથે વાત કરતા નિરુપમે કહ્યું હતું કે, ‘કુરાર પોલીસે દબાણમાં કામ ન કરવું જોઈએ. બધા શંકાસ્પદો અને આરોપીઓને કસ્ટડીમાં લેવા જોઈએ. ફક્ત ત્રણ લોકોની જ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એફઆઈઆરમાં નવ લોકોના નામ હતા.
આપણ વાંચો: ગુડી પડવાની ઉજવણી વખતે મહારાષ્ટ્રના સીએમે આપ્યું મોટું નિવેદન, ચોથી જૂને…
તેમણે વધુમાં એવો આરોપ લગાવ્યો હતો કે, સ્થાનિક વિધાનસભ્ય પોલીસ પર અથડામણ માટે ધરપકડ કરાયેલા લોકો સામે કાર્યવાહી ન કરવા દબાણ લાવી રહ્યા હતા અને કુરાર પોલીસ પર તેમના મદદનીશ તરીકે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
‘અન્ય શંકાસ્પદોની પણ ધરપકડ થવી જોઈએ. જો સ્થાનિક વિધાનસભ્ય પોલીસ પર દબાણ લાવશે તો અમે ચૂપ રહીશું નહીં,’ એમ નિરુપમે કહ્યું હતું. આ વિસ્તારમાં એક મસ્જિદ સામે કાર્યવાહીની માગણી કરી હતી, તેમનો દાવો હતો કે જેનો કેટલોક ભાગ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો છે.