વીએચપીનું ‘ગરબા ફક્ત હિન્દુઓ માટે’નું ફરમાન: બાવનકુળેએ આયોજકોના અધિકારોનું સમર્થન કર્યું, વડેટ્ટીવારે ટીકા કરી | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

વીએચપીનું ‘ગરબા ફક્ત હિન્દુઓ માટે’નું ફરમાન: બાવનકુળેએ આયોજકોના અધિકારોનું સમર્થન કર્યું, વડેટ્ટીવારે ટીકા કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
વિશ્ર્વ હિન્દુ પરિષદ (વીએચપી)એ શનિવારે કહ્યું હતું કે નવરાત્રી નિમિત્તે યોજાતા ‘ગરબા’ કાર્યક્રમોમાં ફક્ત હિન્દુઓને જ પ્રવેશ આપવો જોઈએ અને ઓળખ માટે આયોજકોને પ્રવેશકર્તાઓના આધાર કાર્ડ તપાસવાની સલાહ આપી હતી.

મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે આયોજકોને કોઈ કાર્યક્રમમાં પ્રવેશની શરતો નક્કી કરવાનો અધિકાર છે, જો તે પોલીસની પરવાનગીથી યોજાઈ રહ્યો હોય. બીજી તરફ કોંગ્રેસના વિજય વડેટ્ટીવારે વીએચપીની ‘સમાજમાં આગ લગાડવા’ બદલ ટીકા કરી હતી.

આ પણ વાંચો: સ્પીકરની ખુરશી પરથી તુપેની ‘રાજકીય ટિપ્પણી’નો વડેટ્ટીવારે વિરોધ કર્યો

રાજ્યમાં નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે.

‘ગરબા ફક્ત એક નૃત્ય નથી પરંતુ દેવીને ખુશ કરવા માટે પૂજાનું એક સ્વરૂપ છે. તેઓ (મુસ્લિમોનો સ્પષ્ટ ઉલ્લેખ) મૂર્તિ પૂજામાં માનતા નથી. ફક્ત ધાર્મિક વિધિઓમાં વિશ્ર્વાસ રાખનારાઓને જ ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ,’ એમ વીએચપીના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રીરાજ નાયરે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે વીએચપીએ ગરબા કાર્યક્રમના આયોજકોને પ્રવેશ સ્થળોએ આધાર કાર્ડ તપાસવા, સહભાગીઓના કપાળ પર ‘તિલક’ લગાવવા અને પ્રવેશતા પહેલા પૂજા કરવા માટે સલાહ આપી છે.

‘વીએચપી અને બજરંગ દળના કાર્યકરો કાર્યક્રમોનું નિરીક્ષણ કરશે. ગરબા એ પૂજાનું એક સ્વરૂપ છે, મનોરંજનનું નહીં. જેમને દેવીમાં શ્રદ્ધા નથી તેઓએ તેનો ભાગ ન બનવું જોઈએ,’ એમ પણ નાયરે જણાવ્યું હતું.

આ પણ વાંચો: ‘તો મેં તેને ફાડી નાખ્યું હોત’: મહારાષ્ટ્ર વિધાનમંડળ કૉંગ્રેસ પક્ષના નેતાએ જનસુરક્ષા ખરડા અંગે મંજૂરી બાદ નારાજી વ્યક્ત કરી

વીએચપીના વલણ પર પ્રતિક્રિયા આપતાં, બાવનકુળેએ કહ્યું હતું કે આવા (પ્રવેશ) પ્રતિબંધો લાદવા આયોજક સમિતિઓના અધિકારમાં છે.

‘તે તેમનો અધિકાર છે. એકમાત્ર નિર્ણાયક પરિબળ એ છે કે કાર્યક્રમને પોલીસની પરવાનગી છે કે નહીં. આયોજન સમિતિઓએ તેના આધારે નિર્ણયો લેવા જોઈએ,’ એમ બાવનકુળેએ પત્રકારોને જણાવ્યું હતું.

વીએચપીની જાહેરાત અંગેના સવાલનો જવાબ આપતાં મહારાષ્ટ્ર ભાજપના મીડિયા વડા નવનાથ બને ભારપૂર્વક જણાવ્યું હતું કે ગરબા એક હિન્દુ કાર્યક્રમ છે અને ‘હિન્દુઓ ગરબા કરે છે અને દેવીની પૂજા કરે છે ત્યારે અન્ય ધર્મોના લોકોએ દખલ ન કરવી જોઈએ.’

‘અમે દેવીની પૂજા કરીએ છીએ, જે આપણી માતા સમાન છે,’ એમ તેમણે શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉત દ્વારા વીએચપીના વલણનો વિરોધ દર્શાવવા બદલ ટીકા કરતા કહ્યું.

આ પણ વાંચો: કોંગ્રેસના વિધાનસભ્ય પટોલે સ્પીકરના પોડિયમ પર ચઢી ગયા, વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ

તેઓ (રાઉત) એક ચોક્કસ સમુદાયના મતો પર નજર રાખીને આનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ લોકો તેમને કે તેમના પક્ષને છોડશે નહીં, એમ બને રાઉત પર પ્રહાર કરતા કહ્યું હતું.

આ મુદ્દે મહારાષ્ટ્ર કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે, ‘તેઓ (વીએચપી) સમાજને આગ લગાડવા માગે છે. તેઓ ધર્મના નામે સમાજને વિભાજીત કરવા માગે છે અને તેનો રાજકીય લાભ લેવા માગે છે. વીએચપીએ જે કહ્યું છે તે કંઈ નવું નથી. આ સંગઠન દેશને અસ્થિર કરવાના ઇરાદાથી જન્મ્યું છે.’

વડેટ્ટીવારે એવો દાવો કર્યો હતો કે, વીએચપી જેવા સંગઠનોનું આ પ્રકારનું વલણ ભારતના ‘વિવિધતામાં એકતા’ના પાયાના સિદ્ધાંતને હચમચાવે છે, વડેટ્ટીવારે કહ્યું કે આ બાબત સરકારના વલણને પણ પ્રતિબિંબિત કરે છે.

આ પણ વાંચો: ‘ચાંદીની થાળીમાં જમનારા શાસકો ભૂખ્યા લોકોની વેદના કેવી રીતે સમજી શકે?’: વડેટ્ટીવાર

ભાજપના બને વળતો પ્રહાર કરતા કહ્યું કે વડેટ્ટીવારને ખબર હોવી જોઈએ કે કોંગ્રેસનો લોકોને વિભાજીત કરવાનો ઇતિહાસ રહ્યો છે.

‘તેઓ જ સમાજમાં તિરાડો ઉભી કરનારા છે. મહા વિકાસ આઘાડી સરકાર (જેમાં કોંગ્રેસ પણ એક ભાગ હતી) મરાઠા અનામતનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ હતી,’ એવો દાવો બને કર્યો હતો.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button