મહારાષ્ટ્ર

લાડકી બહેન જેવી યોજના પર લટકતી તલવાર

કેન્દ્ર સરકારના નવા નિર્ણયની પડી શકે છે અસર: રાજ્ય સરકાર રસ્તા શોધવાની વેતરણમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચે રાજ્યમાં ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ લાગુ કરવામાં આવી હતી. હવે આ યોજનાના માપદંડોની ચકાસણી કરવામાં આવી રહી છે, પરંતુ જ્યારે યોજના અમલમાં મૂકવામાં આવી ત્યારે માપદંડો પર બહુ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. આ યોજનાથી મહાયુતિને ઘણો ફાયદો થયો, પરંતુ આનાથી સરકારી તિજોરી પર મોટો બોજ પડ્યો છે.

વિધાનસભાની ચૂંટણીમાં સરકારો યોજનાઓ અને જાહેરાતોનો વરસાદ વરસાવે છે. તેવા કિસ્સામાં, નાણાકીય શાણપણ ભૂલાઈ ગયું. આનાથી અર્થતંત્ર પર અસર પડે છે. તેથી, લાડકી બહેન જેવી તમામ લોકલક્ષી યોજનાઓને રોકવા માટે કેન્દ્રીય સ્તરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય કરમાં રાજ્યોનો હિસ્સો ઘટાડવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો: લાડકી બહેનના લાભાર્થીઓની સંખ્યામાં પાંચ લાખનો ઘટાડો: અપાત્ર પાસેથી પૈસા પાછા નહીં લેવાય: પ્રધાન…

કેન્દ્રીય નાણા પંચ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી વેરાની વસૂલાતમાં રાજ્યોનો હિસ્સો ઘટાડવા માટે ભલામણ કરશે. નાણા પંચ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર વહેંચણી અને આર્થિક સંબંધો અંગે ભલામણો કરે છે. અરવિંદ પાનગઢિયાના નેતૃત્વ હેઠળનું આ કમિશન 31 ઓક્ટોબર સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરશે. તેનો અમલ 2026-27 માં કરવામાં આવશે.
કેન્દ્રીય કરમાં રાજ્યોનો હિસ્સો 41 ટકાથી ઘટાડીને 40 ટકા કરવાની ભલામણ કરવામાં આવી શકે છે. કેન્દ્રીય પ્રધાન મંડળ માર્ચના અંત સુધીમાં આ દરખાસ્તને મંજૂરી આપી શકે છે. આ પછી, દરખાસ્ત નાણા પંચને મોકલવામાં આવશે. કરવેરાની આવકમાં 1 ટકાનો ઘટાડો થવાથી રાજ્યોને 3,500 કરોડ રૂપિયાનું નુકસાન થશે. આ આંકડો આ વર્ષે એકત્રિત થનારા અંદાજિત કરમાંથી લેવામાં આવ્યો છે.

1880માં, કેન્દ્રીય કરોમાં રાજ્યોનો હિસ્સો 20 ટકા હતો. તે હવે 41 ટકા સુધી કરવામાં આવ્યો છે, પરંતુ આર્થિક મંદીના કારણે કેન્દ્ર સરકારના ખર્ચમાં વધારો થયો છે. એટલા માટે કેન્દ્રીય કરમાં રાજ્યોનો હિસ્સો ઘટાડવાની ભલામણ કરવામાં આવી રહી છે. 2024-26માં કેન્દ્ર સરકારની મહેસૂલી ખાધ જીડીપીના 4.8 ટકા રહેવાનો અંદાજ છે. રાજ્યોના કિસ્સામાં, આ જ ટકાવારી 3.2 ટકા છે.

આ પણ વાંચો: લાડકી બહેનોને વધુ એક ગિફ્ટ, હોળીમાં મળશે સાડી

અર્થતંત્રમાં સરકારના કુલ ખર્ચમાં રાજ્યોનો હિસ્સો 60 ટકાથી વધુ છે. રાજ્ય સરકારો આરોગ્ય અને શિક્ષણ જેવા સામાજિક માળખાગત સુવિધાઓ પર વધુ ખર્ચ કરે છે. બીજી બાજુ, કેન્દ્ર સરકારનું ધ્યાન માળખાકીય પ્રોજેક્ટ્સ પર છે. ગુડ્સ અને સર્વિસીસ એક્ટ જુલાઈ 2017માં અમલમાં આવ્યો. તે પછી, રાજ્ય સરકારોને આવક વધારવામાં મર્યાદાઓનો સામનો કરવો પડ્યો. કેન્દ્ર સરકારે કોરોના સમયગાળા દરમિયાન સેસ અને સરચાર્જમાં વધારો કર્યો હતો. અગાઉ, કુલ કરની આવક 9 થી 12 ટકા હતી. હવે તે 15 ટકાથી ઉપર ગયો છે. કેન્દ્ર સરકાર આ આવક રાજ્યોને આપતી નથી.

કેન્દ્ર દ્વારા લોન માફી અને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરની યોજનાઓ બંધ કરી શકાય છે. આ માટે, કરવેરા આવકમાં ખાધ ભરવા માટે રાજ્યોને આપવામાં આવતી કેન્દ્રીય ગ્રાન્ટ્સને ચોક્કસ શરતોની પરિપૂર્ણતા સાથે જોડવામાં આવશે. આ નિયમો અને શરતો પૂર્ણ કર્યા પછી જ રાજ્યો આ અનુદાન માટે પાત્ર બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button