ઉદ્ધવ ઠાકરેએ કોંકણમાં ખોવાયેલો મતદાર આધાર પાછો મેળવવાનું વચન આપ્યું, કહ્યું કે તેમના નેતૃત્વ હેઠળનો પક્ષ ખરી શિવસેના
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની હરીફ શિવસેના પર કટાક્ષ કરતા, કહ્યું કે ફક્ત એક જ શિવસેના છે અને તે તેમના નેતૃત્વ હેઠળ છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમનો પક્ષ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના કોંકણ ક્ષેત્રમાં ખોવાયેલો જનાધાર પાછો મેળવશે, જ્યાં ગયા વર્ષે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની હરીફ શિવસેના પર કટાક્ષ કરતાં ઠાકરેએ જાહેર કર્યું હતું કે ફક્ત એક જ શિવસેના છે અને તે તેમના નેતૃત્વ હેઠળ છે.
બાંદ્રામાં તેમના અંગત નિવાસસ્થાન ‘માતોશ્રી’માં બોલતાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના લોકોને આ સમયે શિવસેના (યુબીટી)ની જરૂર છે કારણ કે તે રાજ્યનો એકમાત્ર રાજકીય પક્ષ છે જે પોતાનો શબ્દ પાળે છે અને વચનો પૂરા કરે છે.
આ પણ વાંચો: વક્ફ બિલ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યું નિશાન, હવે ખ્રિસ્તી અને બૌદ્ધની સંપત્તિ પર નજર…
આ પ્રસંગે, મુંબઈ કોંગ્રેસના નેતા સહદેવ પેટકર ફરીથી પાર્ટીમાં જોડાયા હતા.
‘આપણે કોંકણ પાછું મેળવીશું. કોંકણના (ચૂંટણી) પરિણામો અણધાર્યા હતા. લોકોને એકવાર મૂર્ખ બનાવી શકાય છે, પણ હંમેશા નહીં,’ એમ તેમણે કહ્યું હતું.
વિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ)ના ઘટક શિવસેના (યુબીટી)એ ગયા વર્ષે મહારાષ્ટ્રમાં નવ લોકસભા બેઠકો જીતી હતી, પરંતુ તેના એક સમયના ગઢ રહેલા દરિયાકાંઠાના રાયગઢ અને રત્નાગિરિ-સિંધુદુર્ગ મતવિસ્તારમાં વિજયી બનવામાં નિષ્ફળ રહી હતી, જે અનુક્રમે એનસીપી અને ભાજપ દ્વારા જીતવામાં આવી હતી.
આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે 2019 કરતાં પણ મોટું પાપ કર્યું: એકનાથ શિંદે
નવેમ્બર 2024ની વિધાનસભા ચૂંટણીમાં, શિવસેના (યુબીટી)એ પ્રદેશમાં ફક્ત એક જ બેઠક જીતી હતી – ગુહાગર. દક્ષિણ કોંકણમાંથી પાર્ટીનો લગભગ સફાયો થઈ ગયો હતો, જ્યાં શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ કબજો જમાવ્યો હતો.
પરિણામો પછી પ્રદેશના વિપક્ષી નેતાઓએ શ્રેણીબદ્ધ રીતે પક્ષ છોડી દીધો, જેમાં ભૂતપૂર્વ વિધાન સભ્ય રાજન સાળવીનો પણ સમાવેશ થાય છે, જેઓ સત્તાધારી શિવસેનામાં જોડાઈ ગયા હતા.
ઠાકરેએ પક્ષના કાર્યકરોને ખાતરી આપી હતી કે તેઓ સમગ્ર કોંકણ પ્રદેશનો પ્રવાસ કરશે, જ્યાં સંયુક્ત શિવસેના દાયકાઓથી પ્રભુત્વ ધરાવતી હતી, જેથી કાર્યકરોને પુનજીર્વિત કરી શકાય અને સંગઠનને મજબૂત બનાવી શકાય.
મહારાષ્ટ્રનો દરિયાકાંઠો મુંબઈથી દક્ષિણના સિંધુદુર્ગ જિલ્લા સુધી ફેલાયેલો છે.