મહારાષ્ટ્ર

ઉદ્ધવના નેતૃત્વ હેઠળની સેના ક્યારેય સમાધાન નથી કરતી, લડવામાં માને છે: સંજય રાઉત

મુંબઈ: એનસીપી (એસપી)નું અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીમાં વિલીનીકરણ કરવાની ચાલી રહેલી હિલચાલ પર શરદ પવારના નેતૃત્વ હેઠળની પાર્ટીની ટીકા કરતાં શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સેના ક્યારેય પોતાના વલણ પર સમાધાન કરતી નથી, તે લડી લેવામાં માને છે.

શિવસેના યુબીટીના નેતાઓ પાસે સહકારી સાકર કારખાનાની કે પછી શિશ્રણ સંસ્થાનોની માલિકી નથી, જેનાથી એનસીપી અને એનસીપી (એસપી)ના નેતાઓને પ્લેટફોર્મ મળે છે, એમ રાઉતે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવાર, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જેઓ એનસીપીના અધ્યક્ષ છે અને બંને જૂથોના અનેક નેતાઓએ રયત શિક્ષણ સંસ્થાની એક બેઠકમાં હાજરી આપી હતી. રયત શિક્ષણ સંસ્થાની માલિકી શરદ પવારની છે.

આ પણ વાંચો: લાકડા પર ઊભેલો બકરોઃ સંજય રાઉતની ટ્વીટ કોના તરફ ઈશારો કરે છે?

તેઓ (શરદ પવાર અને અજિત પવાર) સાથે જ છે. તેઓ અમારા જેવા નથી. અમારી આત્મ સન્માનની સ્થિતિ અમારી પાર્ટીમાં ભંગાણ પાડનારા, સરકારનું પતન કરાવનારા, સત્તા અને નાણાંનો દુરપયોગ કરીને મહારાષ્ટ્રની પીઠમાં ખંજર ભોંકનારા સાથે હાથ મિલાવવામાં નથી, એમ સંજય રાઉતે કહ્યું હતું.

તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપે નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારને પોતપોતાની પાર્ટીમાં બળવો કરવા માટે પીઠબળ આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મૂળ શિવસેના અત્યંત સ્પષ્ટ છે કે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિપક્ષને ધમકાવનારાઓથી દૂર રહેવું.

આ પણ વાંચો: અમે મજા લઈ રહ્યા છીએઃ દિશા સાલિયન કેસમાં આરોપો સામે સંજય રાઉતે આમ કેમ કહ્યું

અમે લડનારા લોકો છીએ, સમાધાન કરનારા લોકો નથી.

કેટલીક પાર્ટીઓ ઘણી વધુ ઉદારવાદી છે અને કહે છે કે પાર્ટીના કાર્યકર્તાઓને પુછીને (વિલીનીકરણ કરવું કે નહીં)નો નિર્ણય લેવામાં આવશે, એમ રાઉતે કહ્યું હતું.

જોકે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે તેમને શરદ પવાર સામે કોઈ ફરિયાદ નથી.

બંને જૂથો સાથે આવે તો આનંદ: એનસીપી (એસપી)ના વિધાનસભ્ય

શરદ પવાર અને અજિત પવારની પાર્ટી અત્યારે રાજ્યમાં અલગ અલગ ભૂમિકામાં છે, પરંતુ આ બંને પક્ષોના વિલીનીકરણના પ્રયાસો ચાલી રહ્યા છે અને બંનેનું વિલીનીકરણ થાય તો આનંદ થશે એમ માઢાના વિધાનસભ્ય અભિજીત પાટીલે કહ્યું છે.
તેમણે કહ્યું હતું કે જયંત પાટીલ સાથે આ મુદ્દે ચર્ચા થઈ છે અને સંસદસભ્ય સુપ્રિયા સુળે સાથે અછડતી ચર્ચા થઈ છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અમારા મતદારસંઘના કામ માટે સકારાત્મક સંકેત આપી રહ્યા છે. તેઓ અમારા કામમાં અવરોધ ઊભા કરતા નથી. આપણે પણ આવું જ સકારાત્મક વલણ અપનાવવું જોઈએ એમ સિનિયરોને કહ્યું છે. યુદ્ધ જેવી સ્થિતિ છે તે શાંત થયા બાદ વિધાનસભ્યોની બેઠકમાં આ અંગે નિર્ણય થઈ શકે છે, એમ અભિજીત પાટીલે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button