‘કહેવું સહેલું, કરવું મુશ્કેલ’: ઉદ્ધવ-રાજ ઠાકરેના પુન:મિલનની ચર્ચાઓ વેગ પકડી રહી છે, શિવસેના (યુબીટી) અને મનસેના નેતાઓ સાવધ નિવેદન આપે છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે અને તેમના અલગ થયેલા પિતરાઈ ભાઈ રાજ ઠાકરે વચ્ચેના સંબંધો ફરી સુધરી જવાની વધતી અટકળો વચ્ચે શિવસેના (યુબીટી) અને મનસેના નેતાઓએ નોંધ્યું છે કે સંભાવના આશાસ્પદ છે, પરંતુ વ્યક્તિગત સંબંધો અને સંગઠનાત્મક જોડાણને લગતા પડકારોનો ઉકેલ હજુ બાકી છે.
ઠાકરે પિતરાઈ ભાઈઓએ સંભવિત પુન:મિલનની અટકળોને વેગ આપ્યો છે, જે સૂચવે છે કે તેઓ તેમના વિભાજનના લગભગ બે દાયકા પછી ‘તુચ્છ મુદ્દાઓ’ને બાજુ પર રાખીને એક થઈ શકે છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના સર્વેસર્વા રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે મરાઠી માણસોના હેતુ માટે એક થઈ શકાય છે, જ્યારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાના વિવાદોને ભૂલી જવાની તૈયારી દર્શાવીને ભાર મૂક્યો હતો કે રાજ્યના હિતોનો વિરોધ કરનારાઓને સાથે ન રાખવા જોઈએ.
આપણ વાંચો: ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવે તો મહારાષ્ટ્રમાં શું બદલાશે, ભાજપ માટે ફાયદાકારક કે નુકસાનકારક?
શિવસેના (યુબીટી)એ શનિવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર એક રહસ્યમય પોસ્ટ મૂકી, જેમાં કહ્યું હતું કે, ‘મુંબઈ અને મહારાષ્ટ્ર માટે એક થવાનો સમય આવી ગયો છે. શિવસૈનિકો મરાઠી અસ્મિતા (ગૌરવ)ના રક્ષણ માટે તૈયાર છે.’
બંને પિતરાઈ ભાઈઓે હાલમાં વિદેશમાં છે. રાજ ઠાકરે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં અને ઉદ્ધવ ઠાકરે મેના પહેલા અઠવાડિયામાં પાછા ફરે તેવી અપેક્ષા છે.
પુન:મિલનની ચર્ચા એવા સમયે પણ થઈ છે જ્યારે બંને પક્ષો તેમના ચૂંટણી પ્રદર્શન વિશે ખૂબ જ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયા છે અને તેમના સૌથી મુશ્કેલ રાજકીય તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.
2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેના (યુબીટી)એ 20 બેઠકો જીતી હતી, જ્યારે મનસે ખાલી રહી હતી.
જોકે, બંને પક્ષોના નેતાઓએ કહ્યું છે કે રાજ ઠાકરેના આહ્વાન પર ઉદ્ધવ ઠાકરેના પ્રતિભાવથી આવી અટકળો ફેલાઈ હશે, પરંતુ જેટલું કહેવું સહેલું છે, તેટલું સંભવ નથી. શિવસેના (યુબીટી)ના એક નેતાએ કહ્યું કે બંને પિતરાઈ અલગ સ્વભાવના છે.
આપણ વાંચો: ઉદ્ધવ ઠાકરે ‘આધુનિક દુર્યોધન’ જેમણે રાજ ઠાકરેને શિવસેના છોડવા મજબૂર કર્યા: શિવસેના
બે દાયકાથી વધુ સમયથી ભૂતકાળના અનુભવોને કારણે એકબીજા પ્રત્યે અવિશ્ર્વાસ જાગ્યો છે. રાજ ઠાકરેએ 2005માં શિવસેના છોડી દીધી હતી અને તેના માટે ઉદ્ધવ ઠાકરેને દોષી ઠેરવ્યા હતા. તેમણે ઘણી વાર સ્પષ્ટ કર્યું છે કે તેઓ સ્વર્ગસ્થ સુપ્રીમો બાળ ઠાકરે સિવાય કોઈના હેઠળ કામ કરી શકે નહીં.
ગયા અઠવાડિયે, શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે રાજકારણને કારણે કૌટુંબિક સંબંધો તૂટી જતા નથી, પરંતુ વ્યક્તિગત સંબંધો ફક્ત બે વ્યક્તિઓ સુધી મર્યાદિત નથી, તે તેમના નજીકના પરિવારો વિશે પણ છે, ખાસ કરીને બંને પિતરાઈ ભાઈઓ, આદિત્ય (ઉદ્ધવ ઠાકરે) અને અમિત (રાજ ઠાકરે)ના પુત્રો, જેમને આખરે સંગઠનનું નેતૃત્વ કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.
શિવસેનાના ઇતિહાસ પરના પુસ્તક ‘જય મહારાષ્ટ્ર’ના લેખક પ્રકાશ અકોલકરે જણાવ્યું હતું કે, 2019માં અવિભાજિત શિવસેના, કોંગ્રેસ અને અવિભાજિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) વચ્ચેના જોડાણથી વિપરીત, આ ગઠબંધન અલગ હશે.
આપણ વાંચો: રાજ-ઉદ્ધવ ઠાકરે એક થવાના સવાલ અંગે એકનાથ શિંદેએ શું આપ્યો જવાબ?
‘ઉદ્ધવ અને રાજ વચ્ચેનો ઝઘડો વ્યક્તિગત અને કૌટુંબિક ઝઘડો છે, જ્યાં બંને ભાઈઓ કૌટુંબિક સંપત્તિ માટે સ્પર્ધા કરે છે. સંપત્તિ હંમેશા નાણાંકીય હોતી નથી. અહીં, સંપત્તિ બાલ ઠાકરેનો વારસો છે,’ એમ અકોલકરે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે બાલ ઠાકરેનાં પત્ની મીનાતાઈ પરિવારનાં માતુશ્રી હતાં અને પડદા પાછળ પાર્ટીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં હતાં. ‘હવે, ઉદ્ધવ અને રાજના જીવનસાથીઓ પોતપોતાના પક્ષોના માતુશ્રી છે અને જો સમાધાનની કોઈ શક્યતા હોય તો તેઓની પણ સમાન ભૂમિકા રહેશે,’ એમ અકોલકરે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા નિતેશ રાણેએ ગયા અઠવાડિયે જ પ્રશ્ર્ન કર્યો હતો કે શું ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેના નિવેદનનો જવાબ આપતા પહેલા તેમની પત્ની રશ્મિની સલાહ લીધી હતી?
શિવસેના (યુબીટી)ના એક નેતાએ પણ સ્વીકાર્યું હતું કે બંને પક્ષોનું એક થવું દેખાય છે તેના કરતાં વધુ મુશ્કેલ છે.
બે પિતરાઈ ભાઈઓના એક સાથે આવવાની સંભાવનાએ બંને પક્ષોના સમર્થકોને ઉત્સાહિત કર્યા છે, પરંતુ કાર્યકર્તાઓ અને પાર્ટી નેતાઓના એક વર્ગ માટે આવું ન પણ હોય.
આપણ વાંચો: ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનું પુનર્મિલનઃ જાણો અન્ય પક્ષોએ શું કહ્યું
‘જ્યારે મુંબઈમાં બેઠકોની વહેંચણી અંગે ચર્ચા થશે, ત્યારે બેઠકો કેવી રીતે વહેંચવામાં આવશે? જીતી શકાય તેવી અને ન જીતી શકાય તેવી બેઠકો કેવી રીતે વહેંચવામાં આવશે? દાદર અને વરલી જેવા વિસ્તારો વિશે શું, જ્યાં બંને પક્ષોનો મજબૂત આધાર છે? અન્ય શહેરો વિશે શું જ્યાં શિવસેના (યુબીટી) અને મનસે પાસે પોતાની તાકાત છે,’ એમ એક મનસેના નેતાએ જણાવ્યું હતું. આ નેતાએ વિચારધારાઓ પર પણ પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો.
જ્યારે રાજ ઠાકરે પોતાને મરાઠી-હિન્દુત્વવાદી નેતા તરીકે રજૂ કરી રહ્યા છે, ત્યારે ઉદ્ધવ ઠાકરેએ તેમના પક્ષને સર્વસમાવેશી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ખાસ કરીને મુસ્લિમ સમુદાય સાથે હુંફાળા સંબંધો બનાવી રહ્યા છે.
‘જો ઉદ્ધવે અમને ભાજપ સાથે સંબંધો તોડી નાખવા કહ્યું છે, તો શું તેઓ કોંગ્રેસ સાથે પણ આવું જ કરશે?’ એમ મનસેના નેતાએ પૂછ્યું હતું.
ગયા અઠવાડિયે, મનસેના પ્રવક્તા અને પાર્ટીના મુંબઈ પ્રમુખ સંદીપ દેશપાંડેએ એવો સવાલ કર્યો હતો કે શું ઉદ્ધવ ઠાકરે મનસેના એ 17,000 કાર્યકરોની માફી માગશે જેમની સામે તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે મસ્જિદોની બહાર લાઉડસ્પીકરનો વિરોધ કરવા બદલ પોલીસ કેસ કરવામાં આવ્યા હતા.