ફડણવીસ, રાજ ઠાકરે અને શિંદે વચ્ચે અઢી કલાક બેઠકઃ રાજ ઠાકરેની ‘બર્થ’ પાક્કી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં દેશમાં 400 અને મહારાષ્ટ્રમાં 45 બેઠકો જીતવાનું પોતાનું લક્ષ્ય પૂરું કરવા માટે ભાજપ અને સાથી પક્ષો કોઇપણ ભોગ આપવા તૈયાર હોવાનું જણાઇ રહ્યું છે. આ માટે મહારાષ્ટ્રમાં મનસેનું મહાયુતિમાં સ્વાગત જોરશોરથી કરવા માટેની તૈયારી લગભગ પૂરી કરી ચૂકી હોવાનું દૃશ્ય છે. કારણ કે બુધવારે મોડી રાતે ફડણવીસ રાજ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને ચોવીસ કલાકમાં ડ રાજ ઠાકરેએ ફડણવીસ સાથે બીજી બેઠક યોજી હતી અને આ વખતે બેઠકમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ સામેલ હતા. ગુરુવારે મુંબઈમાં એક ફાઇવ સ્ટાર હોટેલમાં બપોરના સમયે રાજ ઠાકરે, શિંદે અને ફડણવીસ વચ્ચે એક બેઠક યોજાઇ હતી. આ બેઠક અઢી કલાક સુધી ચાલુ હતી. આ બેઠક બાદ ફડણવીસે પણ રાજ ઠાકરે સાથે સકારાત્મક ચર્ચા ચાલી રહી હોવાનું જણાવી એક પ્રકાર મનસેના મહાયુતિમાં સામેલ થવા અંગે સંકેત આપ્યો હતો. જોકે, હજી સુધી આ અંગેનું રહસ્ય અકબંધ રાખવામાં આવ્યું છે અને કોઇપણ ફોડ પાડવામાં આવ્યો નથી. આ પૂર્વે બુધવારે મોડી રાતે પણ ફડણવીસ અને રાજ એકબીજાને મળ્યા હતા.
મહારાષ્ટ્રમાં પણ 45 બેઠકો જીતવાના લક્ષ્ય માટે ભાજપ અને સાથી પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહી હોવાનું અને લક્ષ્યથી કોઇ બાંધછોડ કરવા જરાય તૈયાર ન હોય તેવું લાગે છે. પોતાના ખેમામાં આવવા માગતા એકસરખી વિચારધારા ધરાવતા બધા જ પક્ષનું ખુલ્લા હાથે સ્વાગત કરવા પણ તૈયાર હોય તેમ જણાય છે.
મહાયુતિના નેતા અને રાજ એક બાદ એક તાબડતોડ બેઠકો યોજી રહ્યા છે. જોકે, રાજની સૌથી વધુ મહત્ત્વની બેઠક દિલ્હીમાં થઇ હતી. હાલમાં જ તેઓ દિલ્હીમાં જઇને ભાજપના કેન્દ્રીય નેતૃત્વને મળ્યા હતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ તેમણે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. બંને હસતાં મોંએ હાથ મિલાવતા હોય તેવી તસવીરો પણ સમાચારોમાં છવાઇ હતી. મનસે અને મહાયુતિનું મિલન થાય તો રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં ત્રણ બેઠકોની માગણી કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. રાજ શિર્ડી, નાશિક અને દક્ષિણ મુંબઈની બેઠકની માગણી કરે તેવી શક્યતા છે. દક્ષિણ મુંબઈથી અમિત ઠાકરે જ્યારે શિર્ડીથી બાળા નાંદગાંવકરને અને નાશિકથી શાંતિગીરી મહારાજ ઉમેદવારી આપવામાં આવી શકે. પહેલાથી જ મુખ્ય પક્ષથી છૂટા પડેલા બે પક્ષ એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારની એનસીપી ભાજપ સાથે ગઠબંધનમાં છે. એવામાં હવે શિવસેનાથી છૂટા પડી પોતાનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) સ્થાપનારા રાજ ઠાકરે પણ મહાયુતિની વાટે છે. એટલે કે મુખ્ય પક્ષથી છૂટો પડેલો ત્રીજો રાજકીય પક્ષ મહાયુતિમાં સામેલ થવા જઇ રહ્યો છે, તે નોંધનીય બાબત છે.
સત્તાવાર રીતે મનસે હજી મહાયુતિમાં સામેલ નથી થઇ તેની પહેલા જ મહાયુતિના નેતાઓએ રાજ ઠાકરેના સ્વાગતમાં નિવેદનો આપવાના શરૂ કરી દીધા છે.
સુધીર મુનગંટીવારે આ અંગે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જ મહાયુતિમાં સામેલ થશે તો મહાયુતિની તાકાત ચોક્કસ વધશે. જ્યારે પ્રવીણ દરેકરે મનસેના મહાયુતિના જોડાણ અંગે કહ્યું હતું કે રાજ ઠાકરે જો મહાયુતિ સાથે હાથ મિલાવે તો જનતાને પણ તે ચોક્કસ ગમશે. તે બાળાસાહેબની હિંદુત્ત્વની વિચારધારા લઇને ચાલે છે. ઉદય સામંતે કહ્યું હતું કે રાજ ઠાકરે અને તેમના પક્ષ મનસેનું મહાયુતિમાં હંમેશા સ્વાગત રહેશે. રામદાસ કદમે આ અંગે નિવેદન આપ્યું હતું કે ઘડિયાળ, કમળ એન્જિન આ બધા જ ચિન્હો મહાયુતિના જ માનો. આ ઉપરાંત અમરાવતીના વિધાનસભ્ય તેમ જ સાંસદ નવનીત રાણાના પતિ રવી રાણા પણ મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ની મુલાકાત લઇ રહ્યા છે ત્યારે અમરાવતીમાં પણ અપક્ષ એવા સાંસદ અને વિધાનસભ્યનું સમર્થન મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહાયુતિના ફાળે આવશે તેવું જણાઇ રહ્યું છે.