મહારાષ્ટ્ર

આરોગ્ય વિભાગમાં નોકરીને નામે લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઇ: બે સામે ગુનો

નાગપુર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાને બહાને લાખો રૂપિયાની ઠગાઇ આચરવા પ્રકરણે નાગપુરમાં બે જણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

નાગપુરના 53 વર્ષના રહેવાસીએ અજની પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે એફઆઇઆર દાખલ કર્યો હતો. આરોપીઓની ઓળખ નાગપુરના અજની ક્વૉર્ટર ખાતે રહેતા સંજય ગુલાબરાવ અકોટકર (55) અને અમરાવતી જિલ્લાના વરુડના રહેવાસી નીલેશ પુરુષોત્તમ નનોટકર (52) તરીકે થઇ હતી.

આપણ વાંચો: કસ્ટમ્સ વિભાગમાં નોકરીને નામે ચાર યુવક સાથે 12.2 લાખની ઠગાઇ…

પોલીસના જણાવ્યા અનુસાર ખાનગી કંપનીમાં કામ કરનારા ફરિયાદીની મુલાકાત શ્રવણ ચિરકુટ રાઉતે ડિસેમ્બર, 2012માં સંજય અકોટકર સાથે કરાવી હતી. સંજય અકોટકરે દાવો કર્યો હતો કે તે ઉચ્ચ પક્ષાનો મેડિકલ ઓફિસર છે અને તે ફરિયાદીની પત્નીને રાજ્યના આરોગ્ય વિભાગમાં ક્લર્ક તરીકે નોકરી અપાવી શકે છે.

આ કામ માટે અકોટકરે સાત લાખ રૂપિયાની માગણી કરી હતી અને પચાસ હજાર એડવાન્સ ઉપરાંત ઉમેદવારના શૈક્ષણિક દસ્તાવેજો પણ માગ્યા હતા.

ફરિયાદીએ એડવાન્સ ચૂકવ્યા હતા અને બાદમાં વધુ ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. ફરિયાદીની પત્નીએ માર્ચ, 2015માં ‘પરીક્ષા’ આપી હતી. બાદમાં તેને વ્હૉટ્સઍપ પર બોગસ એપોઇન્ટમેન્ટ લેટર મોકલવામાં આવ્યો હતો.

.આરોપીઓએ આરોગ્ય વિભાગમાં નોકરીને નામે નાગપુરના રહેવાસી ઉપરાંત અન્ય બે વ્યક્તિ સાથે કુલ આઠ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button