ટર્કિશ સફરજનના બહિષ્કારની હાકલ: પુણેના વેપારીએ દાવો કર્યો છે કે પાકિસ્તાન તરફથી ધમકી મળે છે

પુણે: તુર્કીના પાકિસ્તાનને સમર્થનના વિરોધમાં પુણેના ફળ વેપારીઓએ તુર્કી સફરજનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધા બાદ, એક વેપારીએ પાકિસ્તાન તરફથી ધમકીભર્યા સંદેશાઓ મળ્યાની જાણ કરી છે. આ સંદેશાઓમાં ભારત વિરોધી ગાળો હતી અને પાકિસ્તાન કે તુર્કીને નુકસાન પહોંચાડવા સામે ચેતવણી આપવામાં આવી હતી. તેના જવાબમાં, વેપારીઓએ ટર્કિશ સફરજન ફેંકીને વિરોધ પ્રદર્શન કર્યું અને પોલીસ સુરક્ષા મેળવવાની યોજના બનાવી છે.
પુણેના ફળ વેપારીઓના એક જૂથે પાકિસ્તાનને ખુલ્લા સમર્થનનો વિરોધ કરવા માટે તુર્કીથી સફરજનની આયાત બંધ કરવાનો નિર્ણય લીધાના થોડા દિવસો પછી, ગુરુવારે એક વેપારીએ એવો દાવો કર્યો હતો કે તેમને પાકિસ્તાન તરફથી ધમકીભર્યો વોઇસ સંદેશ મળ્યો છે. સામાન્ય રીતે માર્કેટયાર્ડ તરીકે ઓળખવામાં આવતા કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (એપીએમસી)ના વેપારી સુયોગ ઝેન્ડે અને કેટલાક અન્ય લોકોએ કહ્યું હતું કે તેઓ તુર્કીથી સફરજનનો વેપાર કરશે નહીં, કારણ કે તુર્કીએ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી માળખા પર ભારતના તાજેતરના હુમલાઓની ટીકા કરી હતી.
આ પણ વાંચો: બોલીવુડ પણ તુર્કીનો બહિષ્કાર કરશે? FWICEની કડક ચેતવણી
‘આજે સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ, મને મારા ફોન પર ફોન આવવા લાગ્યા પણ મેં ફોન ઉપાડ્યો નહીં. પાછળથી મને એક વોઇસ નોટ મેસેજ મળ્યો. મેસેજમાં ભારત માટે અપશબ્દો કહેવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે અમે પાકિસ્તાન કે તુર્કીને કોઈ નુકસાન પહોંચાડી શકીએ નહીં. મેં ધમકીઓનો જવાબ આપતા વોઇસ નોટ મોકલી હતી,’ એમ તેમણે પત્રકારોને જણાવ્યું. ઝેન્ડેએ જણાવ્યું હતું કે, વેપારીઓ આ સંદર્ભમાં પુણે પોલીસ કમિશનરને મળવાનું આયોજન કરી રહ્યા છે.
વેપારીઓએ વિરોધ પ્રદર્શન કરતાં ગુરુવારે માર્કેટયાર્ડના તુર્કીથી આયાત કરેલા સફરજન રસ્તા પર ફેંકી દીધા હતા. ઝેન્ડેના મતે પુણેના વેપારીઓ તુર્કીથી સફરજન, લીચી, આલુ, ચેરી અને સૂકા ફળોની આયાત કરે છે. તેમણે અગાઉ કહ્યું હતું કે, ફક્ત સફરજનની આયાત 1,200 કરોડ રૂપિયાની છે.