૩ વર્ષમાં અગિયારનો ભોગ લેનાર આદમખોર વાઘણ આખરે પકડાઈ
ચંદ્રપુરઃ અહીંના રહેવાસીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર છે કે છેલ્લા ત્રણ વર્ષમાં અગિયાર લોકોનો ભોગ લેનારી વાઘણને પ્રશાસનને પકડવામાં સફળતા મળી છે. ચંદ્રપુરના વન અધિકારીઓએ એક વાઘણ (ટી-૮૩)ને સફળતાપૂર્વક પકડી લીધી, જે છેલ્લા ત્રણ વર્ષમાં ૧૧ લોકોને ફાડી ખાધા હતા. ચંદ્રપુર જિલ્લાના મુલ તહસીલના બફર અને સંરક્ષિત વિસ્તારોમાં ફરતી વાઘણને વન વિભાગ દ્વારા અત્યંત સંકલિત કામગીરી બાદ શનિવારે રોજ ટ્રાન્કવીલાઇઝ કરીને પાંજરામાં કેદ કરવામાં આવી હતી.
ચિચપલ્લી ફોરેસ્ટ રેન્જના જનાલા વિસ્તારમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે શાર્પ શૂટર અજય મરાઠે અને ટીમ લીડર ડૉ. રવિકાંત ખોબ્રાગડેના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલા પશુચિકિત્સકો અને વન અધિકારીઓની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
વાઘણને જનાલા ફોરેસ્ટ બ્લોકના કમ્પાર્ટમેન્ટ નંબર ૭૧૭માં જોવામાં આવી હતી, જ્યાં તેને શાંત કરવામાં આવી હતી અને તેને પકડી લેવામાં આવી હતી. આ પ્રયાસ તાડોબા અંધારી ટાઈગર રિઝર્વ (ટીએટીઆર)ની રેપિડ રિસ્પોન્સ ટીમ (આરઆરટી) દ્વારા કરવામાં આવ્યો હતો, જેને વાઘ દ્વારા ઊભા કરાયેલા સંભવિત જોખમોને ટ્રેક કરવા અને તેને બેઅસર કરવા માટે આ વિસ્તારમાં તહેનાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : શોકિંગઃ મહારાષ્ટ્રના ટાઈગર રિઝર્વમાં બે દિવસમાં બે વાઘનાં મોત
વર્ષોથી નજીકના ગામો જેમ કે જનાલા, કાંતાપેઠ અને ચિરોલીના રહેવાસીઓ ભયમાં જીવી રહ્યા હતા, જેમાં માનવ-વન્યપ્રાણી સંઘર્ષ ચિંતાનો વિષય બન્યો હતો. ભૂતકાળમાં પાંજરા ગોઠવીને વાઘણને પકડવાના વારંવાર પ્રયાસો કરવા છતાં તે દર વખતે સફળતાપૂર્વક છટકી જતી હતી.
સ્થાનિક પ્રતિનિધિઓએ સત્તાવાળાઓને અનેક વખત રજૂઆતો કર્યા પછી ૨૩ સપ્ટેમ્બરે ટી-૮૩ને જેર કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. વધતા જતા જાહેર દબાણ સાથે વન વિભાગે વાઘણને ટ્રેક કરવા માટે તેની ટીમ તહેનાત કરીને જવાબ આપ્યો. દિવસોની સઘન શોધ અને દેખરેખ બાદ આખરે વાઘણને કાબૂમાં લેવામાં સફળતા મળતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
વાઘણને પકડ્યા બાદ ચંદ્રપુરના ટ્રાન્ઝિટ ટ્રીટમેન્ટ સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, જ્યાં તેનું વધુ મૂલ્યાંકન કરવામાં આવશે. આવતીકાલે તેને નાગપુરના ગોરેવાડા પ્રાણી સંગ્રહાલયમાં ખસેડવાની યોજનાઓ ચાલી રહી છે, જેથી તે એક નિયંત્રિત વાતાવરણમાં રહે અને માનવ જીવન માટે જોખમ ઊભું ન કરી શકે.