ગોવાથી મુંબઇ જઇ રહેલ બસનો કોલ્હાપુર પાસે ભીષણ અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોનું મોત

કોલ્હાપુર: કોલ્હાપુરમાં ગઇ કાલે અડધી રાતે થયેલ ભીષણ અકસ્માતમાં એક જ પિરવારના ત્રણ સભ્યોનું કરુણ મોત થયું છે. ગોવાથી મુંબઇ જઇ રહેલ ખાનગી બસ રોલ્હાપુરના રાધાનગરી માર્ગ પર આવેલ પુઇખડી પાસે પલટી જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પુણેના માંજરી બુદ્રુકના એક જ પરિવારના ત્રણનું મોત થયું હતું.
મૃતકોનું નામ નીલુ ગૌતમ (ઉં.43), રિદ્ધીમાં ગૌતમ (ઉં. 17) અને સાર્થક ગૌતમ (ઉં.13) છે. આ અકસ્માતમાં ચારને ઇજા પહોંચી હતી.બસની નીચે દબાઇ જતાં ત્રણનું ઘટના સ્થળે મોત થયું હતું. આ બસમાં કુલ 25 મુસાફરો મુસાફરી કરી રહ્યાં હતાં. આ અંગે મળતી વધુ વિગતો મુજબ એક ખાનગી ટ્રાવેલ કંપનીની બસ ગોવાથી મુંબઇ તરફ જઇ રહી હતી. આ સ્લીપર કોચ બસ ગોવાના પણજીથી નીકળી હતી.
વહેલી સવારે બે વાગ્યાની આસપાસ આ જ બસ કોલ્હાપુરના પુઇખડી પાસેથી પૂર ઝડપે જતા પલટી થઇ હતી. અકસ્માતની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
દરમીયાન કોલ્હાપુર જિલ્લાના દેવકાંડ ગામમાં ગારગોટી-આજરા રોડ પર મિની બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોને ગંભીર જ્યારે 15 મુસાફરોને સામાન્ય ઇજા થઇ છે. જોખમી વળાંક પર અંદાજ ન રહેતા આ બસ પલટી ગઇ હતી. આ બસના બધા જ મુસાફરો થાણે જિલ્લાના શાહપુર તાલુકાના રહેવાસી છે. આ મિની બસમાં ત્રણ પરિવારના સભ્યો હતાં. તેઓ કોલ્હાપુરમાં ભગવાનના દર્શન કરીને પોતાના ઘરે પાછા ફરી રહ્યાં હતાં. દરમીયાન પૂર ઝડપે જઇ રહેલ બસના સ્ટીયરીંગ પરથી ડ્રાઇવરે કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હતો.