દાગીના અને રોકડ ચોરી ફરાર થયેલા ત્રણ આરોપી એક્સપ્રેસ ટ્રેનમાં પકડાયા
પાલઘર: વસઈના ફ્લૅટમાંથી સોનાના દાગીના અને રોકડ મળી અંદાજે સાડાસાત લાખની મતા ચોરી ફરાર થયેલા ત્રણ આરોપીને પોલીસે એક્સપ્રેસ ટ્રેનમાંથી ઝડપી પાડ્યા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રાકેશ કુમાર ઉર્ફે ચક્કી રામરાજ યાદવ (33), મોહમ્મદ સૈયદ સાનુ ગરીબુલ્લા ખાન (37) અને લાલકેસર ઉર્ફે બચ્ચા દાદન રાય (27) તરીકે થઈ હતી. તેમની પાસેથી ચોરીના દાગીના અને રોકડ જપ્ત કરવામાં આવી હતી.
માણિકપુર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રાજુ માનેએ જણાવ્યું હતું કે ચોરીની ઘટના 7 માર્ચે વસઈના એક ફ્લૅટમાં બની હતી. ઘરના સભ્યો બહાર ગયા હતા ત્યારે આરોપીઓએ ચોરીને અંજામ આપ્યો હતો.
ઘરે પાછા ફરેલા પરિવારને 7.52 લાખ રૂપિયાની મતા ચોરાઈ હોવાની જાણ થઈ હતી. આ પ્રકરણે માણિકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીઓની ઓળખ મેળવી હતી. આરોપીઓને નાશિક નજીક ગોરખપુર એક્સપ્રેસમાંથી તાબામાં લેવાયા હતા.
આરોપી યાદવ અને ખાન મુંબઈના રહેવાસી છે, જ્યારે રાય વસઈનો વતની છે. ત્રણેય વિરુદ્ધ મુંબઈના ગોરેગામ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં જણાયું હતું. (પીટીઆઈ)