મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની આ બેંકમાં દર બે વર્ષે પડે છે દરોડા અને…

આપણે ઘણી વખત ફિલ્મો, ટીવી સિરીયલ કે વેબસિરીઝમાં દિલધડક બેંક દરોડા કે લૂંટના સીન તો જોયા જ હશે. બોલીવૂડની ફિલ્મ આંખેથી લઈને સ્પેનિશ વેબસિરીઝ મની હાઈસ્ટ સુધીની સિરીઝમાં આપણે ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ જોયા છીએ. પરંતુ આજે અચાનક અહીં આ બધી ફિલ્મી લૂંટની વાત-ચીત થઈ રહી છે? અહીં આ બધી વાત કરવાનું કારણ એટલું જ કે એક ફિલ્મને છાજે એવી સ્ટોરી મહારાષ્ટ્રની એક બેંકની બ્રાંચની છે.

મહારાષ્ટ્રની આ બેંકની બ્રાંચમાં દર બે વર્ષે દરોડા પડે છે અને છેલ્લાં 14 વર્ષમાં સાત વખત દરોડા પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ બેંક, ક્યાં આવેલી છે અને શું થાય છે અહીં? જે બેંક વિશે અમે વાત કરી રહ્યા છીએ તે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના વરોરા તાલુકામાં આવેલા ટેમુર્ડા ગામમાં આવેલી છે. ટેમુર્ડા ગામની બેંક ઓફ મહારાષ્ટ્રની બ્રાન્ચની છે અને ફરી એક વખત દરોડાખોરોએ દરોડા પાડવાનો પ્રયાસ કર્યો છે.

છેલ્લાં 15 વર્ષમાં સાત વખત બેંકમાં દરોડા પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાંથી કેટલાક પ્રયાસો સફળ થયા છે તો કેટલાક નિષ્ફળ થયા હતા. બેંકની બ્રાન્ચ નાગપુર-ચંદ્રપુર હાઈવેની એકદમ નજીકમાં આવેલી છે અને એ જ કારણે ચોરો માટે અહીંથી ચોરી કરીની પલાયન કરવાનું ખૂબ જ સરળ રહે છે. આ જ કારણે ચોરોની લિસ્ટમાં આ બેંક ખૂબ જ ઈઝી ટાર્ગેટ છે.
ફરી એક વખત શુક્રવાર અને શનિવારની મધરાતે 12થી 12.30 વાગ્યાની વચ્ચે દરોડા પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બેંકની બાજુમાં આવેલી ગ્રામપંચાયતની ઓફિસ તોડીને ચોરોએ બેંકની શાખામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. બેંકની બાજુમાં રહેતાં રમેશ ઠવરીના ઘરમાં રહેલો શ્વાન ચોરોના અવાજને કારણે ભસવા લાગ્યો અને તેમણે તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતાં આ આખી ઘટના પ્રકાશમાં આવી હતી.

હોબાળો થતાં દરોડાખોરોએ દરોડો અડધો મૂકીને પોબારા ગણવાનો વારો આવ્યો હતો. ચોરો પોતાની ઓળખ ના થઈ શકે એ માટે સીસીટીવી કેમેરા અને ડીવીઆર લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. ફરી એક વખત આજે સવારથી જ તાલુકામાં ફરી એક વખત દરોડા પડવા માટે (કુ)ખ્યાત બેંકની શાખાની જ વાત થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button